ETV Bharat / state

International Women’s Day 2024: આઠ વર્ષથી માતા બની મનોદિવ્યાંગ બાળકોને ઉછેરતી ઉપલેટાની કિરણ પીઠિયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 8, 2024, 11:44 AM IST

Updated : Mar 8, 2024, 4:38 PM IST

“નારી તુ નારાયણી” સૂત્રને સાર્થક કરતી રાજકોટ જિલ્લાના ઉપલેટાની કિરણ પીઠીયા, જે આઠ વર્ષથી માતા બની મનોદિવ્યાંગ બાળકોને ઉછેરી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ETV BHARAT નો વિશેષ અહેવાલ...

માતા બની મનોદિવ્યાંગ બાળકોને ઉછેરતી કિરણ પીઠિયા
માતા બની મનોદિવ્યાંગ બાળકોને ઉછેરતી કિરણ પીઠિયા

International Women’s Day 2024

રાજકોટ : નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 8 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાને ધ્યાનમાં લઈ શિક્ષણનો વ્યાપ વધે તેમજ કુરીવાજ તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ વિશ્વમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચે છે. જોકે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : આજે વિજ્ઞાન અને આધ્યાત્મ સહિતના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશ અને ગુજરાતમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ દ્વારા નારી ઉત્થાનમાં યોગદાન કરી રહી છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહિલા પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે અને સમગ્ર જીવન દરમિયાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. ત્યારે આવી જ એક મહિલાની કહાણી જુઓ...

મનોદિવ્યાંગ બાળકોને વિશેષ તાલીમ
મનોદિવ્યાંગ બાળકોને વિશેષ તાલીમ

કિરણ પીઠિયા : રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલી દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકોની સેવા સંસ્થાનું સંચાલન અને સંપૂર્ણ કારોબાર એક મહિલાના કાંધે છે, કિરણ પીઠીયા. ઉપલેટાના કિરણ પીઠિયા ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે કાર્યરત છે અને ઉપલેટામાં આવેલી દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકોની સંસ્થાના 29 જેટલા બાળકોની માતા બની તેમને ઉછેરી રહી છે.

સેવાયજ્ઞની શરૂઆત : કિરણબેન પીઠિયાએ જણાવ્યું કે, આ સંસ્થાના સંસ્થાપક તેમજ પ્રમુખ તરીકે ફરજ બજાવુ છું. બાળપણથી જ બાળકોની સારસંભાળ કરવી મારો શોખ હતો. અમારા કુટુંબમાં એક દિવ્યાંગ બાળક હોવાથી દિવ્યાંગ બાળકોના વ્યક્તિગત જીવનમાં પડતી તકલીફો વિશે મને પહેલેથી જ અંદાજ હતો. જેથી આવા બાળકો પોતાના જીવનમાં અને વ્યવહારુ બાબતોમાં આગળ વધે તે મારી લાગણીનો વિષય છે. આ ભુલકાઓ કોઇપણ કારણોસર દિવ્યાંગતા ધરાવતા હોય પરંતુ તેને પણ માનવ જીવનમાં પ્રેમ, હૂંફ, લાગણી અને યોગ્ય તાલીમ મળે તો તેના લેવલ અનુસાર આગળ વધી શકે છે.

સંસ્થા બની બાળકોનો પરિવાર
સંસ્થા બની બાળકોનો પરિવાર

દિવ્ય જ્યોત સંસ્થા : કિરણ પીઠિયાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમના લગ્ન થયા. બાદમાં તેમને સરકારી વિભાગમાં બે-ત્રણ વર્ષ સુધી સરકારી શિક્ષક તરીકેની નોકરી પણ કરી છે. આ નોકરી બાદ ઉપલેટામાં વર્ષ 2016 થી મનોદિવ્યાંગ બાળકો માટે કાર્ય કરવા માટે સંસ્થાની શરૂઆત કરી છે. જેમાં સંસ્થાના તમામ સ્ટાફ અને સાથી મિત્રોના સહયોગથી કાર્ય વેગવંતુ બન્યું અને આજે 29 જેટલા જરૂરિયાતમંદ બાળકો આ સંસ્થામાં ઉછરી રહ્યા છે.

સંસ્થા બની બાળકોનો પરિવાર : આ સંસ્થા છેલ્લા આઠ વર્ષથી મનોદિવ્યાંગતા ધરાવતા બાળકો માટે કાર્યરત છે. જેમાં ઘણા બાળકો માતા-પિતા વિનાના તેમજ ઘણા સીંગલ માતા-પિતા તેમજ આર્થિક રીતે નબળા પરિવારના બાળકો છે. બાળકોનો સાચવીને યોગ્ય ઉછેર સાથે વિકાસ થાય તે માટે આ સંસ્થા કામ કરે છે. આ બાળકો સંસ્થામાં આવ્યા ત્યારે શરૂઆતમાં સવારે ઉઠવું, બ્રશ કરવું તેનો પણ ખ્યાલ હોતો નથી, ટોયલેટ-બાથરૂમનો અંદાજ હોતો નથી. ટૂંકમાં આ બાળકોમાં શારીરિક વિકાસના પ્રમાણમાં માનસિક વિકાસ ખૂબ ઓછો જોવા મળે છે.

મનોદિવ્યાંગ બાળકોને વિશેષ તાલીમ : આ સંસ્થામાં 29 જેટલા મંદબુધ્ધિ ભુલકાઓનો ઉછેર અને સારસંભાળ કરવામાં આવે છે. જેમાં સવારે ઉઠવાથી લઈ રાત્રે સુવા સુધીની બધી જ પ્રવૃત્તિઓ પોતાની જાતે કરી શકતા ન હોવાથી આવા બાળકોનો ઉછેર કરવો ખૂબ જ કઠિન કાર્ય છે. આ બાળકોને સંસ્થામાં ખાસ ટ્રેનીંગ આપવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષની મહેનતથી ઘણા બધા બાળકોને સંસ્થાએ ટ્રેનિંગ આપી જીવનમાં તૈયાર કર્યા છે, જેથી આ તાલીમ બાળકોના જીવન માટે ખૂબ જ જરૂરી બને છે.

દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકોની સંસ્થા
દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકોની સંસ્થા

સંસ્થામાં બાળકોની દિનચર્યા : આ સંસ્થાની પ્રવૃત્તિની વાત કરીએ તો ટૂંકમાં આ દિવ્યાંગ બાળકો સવારે જાગે ત્યારથી જ તેમને બ્રશ કરવાથી લઈ ટોયલેટ, બાથરૂમ, નાસ્તો, ભોજન, વાળ ઓળવવા, સ્નાન કરાવવું, પ્રાર્થનાસભા, સંગીત, કસરત, શિક્ષણ, સહ અભ્યાસિક, ડ્રોઈંગ પેન્ટિંગ, મેદાનની રમતો, નખ કટીંગ, ટી.વી. અને મનોરંજન, ડાન્સ સહિતની પ્રવૃતિઓ સાંજ સુધી વ્યક્તિગત રીતે બાળકોને કરાવવામાં આવે છે. આ જરૂરિયાતમંદ બાળકોને સાચવીને યોગ્ય ઉછેર કરવામાં આવે છે.

પ્રેરણાદાયી મહિલા વ્યક્તિત્વ : રાજકોટના ઉપલેટામાં આવેલી દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકોની સેવા સંસ્થાના સંચાલક કિરણ પીઠિયાનું વર્તમાન સમયના મુખ્યપ્રધાને સન્માન પણ કર્યું છે. આ ઉપરાંત આવી તો અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા કિરણબેનની કામગીરીને બિરદાવી છે. આ સાથે અનેક સન્માન પત્ર તેમજ અનેક સન્માન નિધિ અને પ્રમાણપત્રો સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે.

કિરણ પીઠિયાનો સમાજને સંદેશ : કિરણ પીઠિયાએ ETV Bharat ને અંતમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં મહિલાઓએ “નારી તું નારાયણી” વાતને ખાસ સમજવી જોઈએ. મહિલાઓ પૂર્ણ ઈચ્છાશક્તિ અને સકારાત્મક કાર્ય કરવાની આશા-અપેક્ષા અને પ્રેરણા રાખે તો નારી પણ આત્મનિર્ભર બને છે. મહિલા દિવસ માટે પ્રેરણારૂપ આ નારી અને તમામ નારી શક્તિને ETV Bharat પણ મહિલા દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા તથા તેમના આ જબરદસ્ત કાર્યને ખૂબ બિરદાવે છે.

  1. International Women's Day 2024: સાબરમતી આશ્રમમાં ચરખાની મહાનુભાવોને ટ્રેનિંગ આપતા લતાબેન
  2. International Women's Day 2024: અઢી વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી,માતા સાથે સંઘર્ષ કર્યો, આજે છે ખુબ સફળ વ્યક્તિત્વ
Last Updated :Mar 8, 2024, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.