ETV Bharat / state

Smart Parking Project : સ્માર્ટ અમદાવાદીઓ માટે સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ, જાણો કેવી રીતે કામ કરશે...

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2024, 11:05 AM IST

સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ
સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ

અમદાવાદમાં પે એન્ડ પાર્કિંગ બાદ હવે સિંધુ ભવન રોડ પર સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. હાલ આ પાયલોટ પ્રોજેક્ટ હોવાથી નિશુલ્ક પાર્કિંગની સુવિધા આપવામાં આવે છે. આ દેશનો પ્રથમ સ્માર્ટ પાકિંગ પ્રોજેક્ટ છે. જાણો કેવી રીતે કામ કરશે સ્માર્ટ પાર્કિંગ

સ્માર્ટ અમદાવાદીઓ માટે સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ

અમદાવાદ : અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે વિવિધ જગ્યાએ પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શહેરના સિંધુ ભવન રોડ પર ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે.

સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ : સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ હાલ પબ્લિક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી શરુ કરવામાં આવ્યો છે. આ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે અને પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો અમદાવાદમાં બીજી જગ્યાએ પણ આવી રીતે પાર્કિંગ બનશે. સ્માર્ટ પાર્કિંગમાં વાહનચાલકે નક્કી કરેલા સ્લોટમાં વાહન પાર્ક કરવાનું રહેશે. વાહન પરત લેવા આવતી વખતે QR કોડ સ્કેન કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કરી ચાર્જ ચૂકવવાનો રહેશે.

દેશનો પ્રથમ સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ : ઓનલાઇન સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર શરૂ કરવામાં આવ્યો છે. દેશનો સૌથી પ્રથમ ઓનલાઇન સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ છે. ઓનલાઇન સ્માર્ટ પાર્કિંગમાં સ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. પાર્કિંગ સ્લોટમાં ડાબી તરફ આગળ અને પાછળના ટાયર વચ્ચે વાહન પાર્ક કરવાનું રહેશે. ગાડી પાર્ક કર્યાના ચાર મિનિટમાં જ સ્લોટમાં લગાવેલું લાલ કલરનું બેરિયર ઊંચું થઈ જશે અને વાહન લોક થઈ જશે.

કેવી રીતે થશે પાર્કિંગ ? લાલ કલરના બેરિયર ઊંચા થઈ જતાની સાથે જ લગાવવામાં આવેલા મશીન મારફતે વાહન પાર્ક થયું હોવા અંગેની માહિતી એપમાં મળી જશે. વાહન ચાલકે માત્ર ત્યાં વાહન પાર્ક કરી અને જતું રહેવાનું રહેશે. ત્યારબાદ જ્યારે વાહન લેવા પરત આવે ત્યારે તેમણે પાર્કિંગ સ્લોટમાં લગાવવામાં આવેલા QR સ્કેન કરતાની સાથે જ તેમાં એક લિંક આપવામાં આવશે.

સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ : આ લિંક ખોલતાની સાથે જ વિવિધ વિગતો જેવી કે ક્યા સ્લોટમાં વાહન પાર્ક કર્યું છે, કેટલા વાગ્યે વાહન પાર્ક કરવામાં આવ્યું હતું, કેટલા સમય માટે વાહન પાર્ક કર્યું છે વગેરે અંગેની માહિતી આવી જશે. તમામ માહિતી ભર્યા બાદ તેમાં ઓનલાઇન પેમેન્ટના બટન પર ક્લિક કરવાથી ઓનલાઇન UPI, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વગેરે મારફતે પેમેન્ટ કરી શકાશે. જ્યારે વાહન પાર્કિંગનો સમય પૂર્ણ થઈ જાય અને પેમેન્ટ થઈ જાય ત્યારબાદ માત્ર 4 મિનિટમાં જ વાહન પાર્કિંગમાંથી હટાવી લેવાનું રહેશે, નહીં તો ફરીથી ચાર્જ લેવામાં આવશે.

ચાર્જ કેટલો રહેશે ? ઓનલાઇન સ્માર્ટ પાર્કિંગમાં કોઈપણ મેન પાવર વગર વાહનચાલકે જાતે જ પોતાનું વાહન પાર્ક કરવા બદલ ઓનલાઇન ચાર્જ ચૂકવવાનો રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દર નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ જ ચાર્જ લેવામાં આવશે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યું હોવાથી વાહન પાર્કિંગ નિશુલ્ક છે.

  1. PM Modi In Gujarat: PM મોદી સ્ટેડિયમમાં હાજર, અમુલ ફેડરેશનના 50 વર્ષની ઉજવણી
  2. SVPI Airport: અમદાવાદના SVPI એરપોર્ટે 10 મિલિયન પેસેન્જરનો માઈલસ્ટોન ક્રોસ કર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.