ETV Bharat / state

પાકિસ્તાનથી ભાવનગર પધાર્યા હિંગળાજ માતા, બલુચિસ્તાનમાં બિરાજમાન માતાની ભાવનગરની ભૂમિ પર સ્થાપના - BHAVNAGAR HINGLAJ MAA PAKISTAN

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 1:20 PM IST

Updated : Apr 9, 2024, 2:29 PM IST

ભાવનગરની ભૂમિ પર બલુચિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાનો અંશ સ્થાપિત છે. ભાવનગરના દિનેશગીરીએ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાજીના સાનિધ્યમાં પહોંચીને ત્યાંથી પથ્થર સ્વરૂપે માતાજીને ભાવનગર લાવી સ્થાપન કરી છે. અહીં વર્ષોથી પૂજા કરતા દિનેશગીરીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

પાકિસ્તાનથી ભાવનગર પધાર્યા હિંગળાજ માતા
પાકિસ્તાનથી ભાવનગર પધાર્યા હિંગળાજ માતા

બલુચિસ્તાનમાં બિરાજમાન માતાની ભાવનગરની ભૂમિ પર સ્થાપના

ભાવનગર : ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ એટલે ચૈત્રી નોરતા. હા, આજથી પ્રારંભ થયેલ માતાજીના આરાધનાના દિવસોમાં અમે તમને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાજીનું આહવાન કરીને ભાવનગરમાં માતાજીની સ્થાપના વિશે માહિતગાર કરવાના છીએ. ભાવનગરમાં આ સ્થળ ક્યાં છે, કોણ તેને લઈને આવ્યું અને આજે એ સ્થાપન ક્યાં છે ચાલો જાણીએ...

હિંગળાજ માતાની પૌરાણિક કથા : ભાવનગરના દિનેશગીરી ગોસ્વામીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હિંગળાજ માતાજીના પ્રાગટ્યનો ઇતિહાસ જણાવતા કહ્યું કે, કદાચ આપણને ખ્યાલ હશે કે શિવપુરાણમાં એક સતીખંડમાં વર્ણન કરવામાં આવેલું છે કે સતી માતાના પિતાજી એટલે કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં શિવજીને આમંત્રણ ન મળતા થોડા સંકુચિત મનથી માતાજી ગયા અને ત્યાં પણ તેમને યોગ્ય સન્માન ન મળતા હવનમાં પોતાની આહુતિ આપી દીધી. બાદમાં તેમના શરીરને લઈને ભગવાન શંકર તાંડવ કરે છે. બીજા દેવી દેવતાઓને આ રુદ્ર સ્વરૂપ જોતા એવું લાગ્યું કે આ પૃથ્વીનો નાશ પણ થઈ શકે છે.

હિંગળાજ માતાજીનો પ્રાગટ્ય : વિષ્ણુ ભગવાન એમના સુદર્શન ચક્રથી માતાજીના શરીરના અલગ અલગ ટુકડા કરે છે. તેમાંથી પહેલો ભાગ પૃથ્વી પર આવ્યો, જેને આપણા માથાનો ભાગ કહી શકાય અને જ્યાં તે ભાગ પડ્યો તે સૌથી પ્રથમ શક્તિપીઠ એટલે હિંગળાજ માતા. હિંગળાજ માતાને પ્રથમેશ્વરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કોઈપણ દેવ કાર્ય કરીએ ત્યારે જે રીતે ગણપતિનું પ્રથમ પૂજન થાય છે, એવી જ રીતે કોઈપણ દેવી કાર્ય એટલે શક્તિનું કાર્ય કરવામાં આવે ત્યારે પ્રથમ પૂજન હિંગળાજ માતાનું કરવામાં આવે છે.

પાકિસ્તાનથી પધાર્યા માતાજી : દિનેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017 માં હું પોતે પાકિસ્તાનના માતાજીના દર્શન માટે ગયો, એ વખતે હિંગોળ નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે આ પવિત્ર પથ્થર લીધો હતો. અમે માતાજીને આહવાન કર્યું કે અમારી સાથે તમે પધારો અને પછી અમે માતાજીને અહીંયા ભાવનગર લઈ આવ્યા હતા. અહીં આપણે માતાજીનું સ્થાપન કર્યું અને સાથે એક અંગૂઠાના આકારના શિવલિંગને હિંગોળનાથ મહાદેવ તરીકે નામ આપી તેનું પણ સ્થાપન કર્યું છે.

પાકિસ્તાનમાં હિંદુ મંદિરની સ્થિતિ : દિનેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હિન્દુ મંદિરની સ્થિતિ તો ભારત જેવી જ હોય છે. સાફ-સફાઈથી લઈને પૂજા અર્ચના સમયસર યોગ્ય રીતે કરવામાં આવે છે. ત્યાં જવા માટે લગભગ 7-8 વર્ષ સુધી અમે વિઝા માટે ખૂબ પ્રયત્ન કર્યા. માતાજીની કૃપાથી વિઝા મળી ગયા અને પછી અમે લગભગ 12 લોકો ગ્રુપમાં માતાજીના દર્શન માટે ગયા હતા. ત્યાં ઇમિગ્રેશન, કસ્ટમ, બોર્ડર સિક્યુરિટી ફોર્સના માણસો હોય છે અને જે સામાન્ય પ્રક્રિયા હોય એમાંથી આપણે પસાર થવાનું હોય છે.

ચૈત્રી નવરાત્રી નિમિત્તે સ્થાપના : ભાવનગર શહેરના સીદસર ગામે રહેતા દિનેશ ગોસ્વામી 2017 માં પાકિસ્તાન ગયા હતા અને પથ્થર રૂપે માતાજીને ભાવનગર લઈ આવીને સ્થાપન કરી અર્ચના કરી રહ્યા છે. ચૈત્રી નવરાત્રી નિમિતે દિનેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રી માટે આપણે નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપન કરીએ છીએ અને નવ દિવસ માતાજીની ચંડીપાઠ અને પૂજા અર્ચના કરીએ છીએ. નવ દિવસના નોરતા પૂરા થયા પછી દસમા દિવસે આપણે કુવારીકા પૂજન કરીએ છીએ. સામાન્ય વ્યક્તિ તેમાં ભાગ લઈ શકે એવી રીતનું આયોજન હોય છે.

  1. શા માટે વલસાડના હિંગળાજ માતાના મંદિરે નવરાત્રીનું છે અનેરું મહત્વ, જાણો વિગતે...
  2. બનાસકાંઠા: ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
Last Updated : Apr 9, 2024, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.