ETV Bharat / state

કેલીયા પ્રાથમિક શાળાના સ્માર્ટ શિક્ષક : હેમંત પટેલ, વેસ્ટમાંથી બેસ્ટ રમકડા થકી ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું - Navsari Innovative toys

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 10:47 AM IST

કેલીયા પ્રાથમિક શાળાના સ્માર્ટ શિક્ષક : હેમંત પટેલ
કેલીયા પ્રાથમિક શાળાના સ્માર્ટ શિક્ષક : હેમંત પટેલ

શિક્ષક કદી સાધારણ નથી હોતો, નવસારી જિલ્લાના કેલીયા પ્રાથમિક શાળાના આચાર્ય હેમંત પટેલે આ સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. તેમના ગામના આદિવાસી બાળકોને મોબાઈલની લતથી દૂર રાખવા અને બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભા બહાર આવે અને બાળક શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બને તે માટે હેમંત પટેલે અનોખી રીત અપનાવી છે.

ગમ્મત સાથે જ્ઞાન આપતા શિક્ષક હેમંત પટેલ

નવસારી : ભારતભરમાં સ્માર્ટ શિક્ષણ યુગનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે. બાળકોને ભણાવવા હવે શાળા ડિજિટલ થઈ રહી છે, વાલીઓ પણ મોંઘાદાટ મોબાઇલ ફોન બાળકોને આપી રહ્યાં છે. જેને લઈને બાળકોને અનેક વિષયો વિષેનું જ્ઞાન પળવારમાં મળી જાય છે. પરંતુ ડિજિટલ માધ્યમ સાથે એડિક્ટ થવાની બીક સાથે બાળકોની શારીરિક અને માનસિક સ્થિતિ પણ જોખમાઈ રહી છે.

ગમ્મત સાથે જ્ઞાન : નવસારીના અંતરિયાળ વિસ્તાર એવા કેલીયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે સ્માર્ટ સ્કૂલને પણ ઝાંખી પાડે તેવો ઇનોવેટિવ આઈડિયા અપનાવી શિક્ષણને સરળ બનાવ્યું છે. જેના થકી ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો વિદ્યાર્થીઓ શીરાની માફક સરળતાથી ગળે ઉતારી શકે છે. શિક્ષક હેમંત પટેલે વિષયના નિયમો અને સૂત્રોને ધ્યાને રાખીને વેસ્ટમાંથી બેસ્ટ અવનવા 42 રમકડા બનાવ્યા છે, જેના થકી વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે.

ગુજરાતભરના બાળકોને મળશે લાભ
ગુજરાતભરના બાળકોને મળશે લાભ

સ્માર્ટ શિક્ષક હેમંત પટેલ : હેમંત પટેલે નકામી વસ્તુઓ ભેગી કરી, વિજ્ઞાન અને ગણિત વિષયોના નિયમો અને સૂત્રો સમજાવવા માટે, જોવામાં સામાન્ય પણ અભ્યાસમાં ઉત્તમ રમકડા બનાવ્યા છે. હેમંત પટેલ આ રમકડા થકી રમાડતા રમાડતા વિદ્યાર્થીઓને વિજ્ઞાનના દ્રષ્ટિ સાતત્ય, રંગભેદ, ન્યુટનનો ગતિનો નિયમ જેવા વિવિધ નિયમો તેમજ ગાણિતિક સૂત્રો સરળતાથી શીખવી રહ્યા છે. સાથે જ તેમણે આ રમકડાઓ બાળકો પાસેથી પણ બનાવડાવ્યા છે, જેથી બાળકોની કલ્પના શક્તિ સાથે સર્જનાત્મકતાનો પણ વિકાસ થાય.

રાજ્યકક્ષાએ છવાયો ઇનોવેટિવ આઈડિયા : હેમંત પટેલના આ રમકડા હાલમાં જ જૂનાગઢમાં પ્રથમ વખત યોજાયેલા સંશોધનાત્મક મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાંથી 15 રમકડાઓને GCERT દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્યની અન્ય પ્રાથમિક શાળાઓમાં પણ હેમંત પટેલના રમકડાનો બાળકોને ભણાવવામાં ઉપયોગ થાય એવી સંભાવના પણ સેવાઈ રહી છે.

42 પ્રયોગાત્મક રમકડા
42 પ્રયોગાત્મક રમકડા

અઘરા વિષયની સરળ સમજૂતી : નવસારીની કેલીયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમંત પટેલ નવતર પ્રયોગો કરતા રહે છે. આ શિક્ષકે બનાવેલા રમકડા બાળકોને પણ ખુબ પસંદ આવી રહ્યા છે. બાળકો ઉત્સાહ સાથે આ રમકડા રમીને ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયને સરળતાથી સમજી રહ્યા છે, તેનો પોતાના અભ્યાસમાં ઉપયોગ પણ કરી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ રમકડા રમતા રમતા ભણવાથી ખુશ છે, સાથે જ અઘરા જણાતા વિષયમાં તેમનું પરિણામ પણ સુધર્યું છે.

42 પ્રયોગાત્મક રમકડા : ETV Bharat સાથે વાત કરતા શિક્ષક હેમંત પટેલે જણાવ્યું હતું કે, ગણિત અને વિજ્ઞાનના વિષયો અને સિદ્ધાંતો બાળકોને ભણાવવા ખૂબ અઘરા છે. અઘરા વિષયો સરળતાથી સમજાવી શકાય તે માટે જુદા જુદા વિષયોના સિદ્ધાંતો પર મેં રમકડા બનાવવાનું વિચાર્યું અને 42 જેટલા અલગ અલગ રમકડા બનાવ્યા છે. બાળકો ન્યુટનની ગતિના નિયમો જેવા અનેક નિયમો સરળતાથી સમજી શકે અને પરીક્ષામાં તેનો ઉપયોગ કરી શકે તે ઉદ્દેશથી મેં આ ઇનોવેટિવ રમકડા બનાવ્યા છે, જેમાં બાળકોએ પણ મને મદદ કરી છે.

વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ
વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ

વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ : કેલીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી રિદ્ધિ ગામીત જણાવે છે કે, આજના ડિજિટલ યુગમાં અમારી શાળામાં શિક્ષક દ્વારા બનાવવામાં આવેલા રમકડાથી અમને ભણવામાં ખૂબ મદદ મળી રહી છે. આ રમકડા વિષય અને સૂત્રોને ધ્યાને રાખી બનાવવામાં આવ્યા છે. જેથી અમને ગાણિતિક સૂત્રો તેમજ નિયમો સરળતાથી મોઢે થઈ જાય છે. જેથી અમને ભણવામાં પણ ખૂબ આનંદ આવે છે

ગુજરાતભરના બાળકોને મળશે લાભ : ડિસ્ટ્રિક્ટ પ્રાથમિક ઓફિસર અરુણ અગ્રવાલ જણાવે છે કે, કેલીયા પ્રાથમિક શાળામાં શિક્ષક હેમંત પટેલ દ્વારા જે 42 ઇનોવેટીવ રમકડાઓ બનાવવામાં આવ્યા છે, જેની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે, જે બાળકોના અભ્યાસ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રમકડાની પેટન પર ગુજરાતની અન્ય શાળામાં પણ બાળકો લાભ લઈ શકે અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ બાળકોને મળે તે દિશામાં સરકાર આવનાર સમયમાં પગલાં લેશે તેવી આશા છે.

  1. સ્માર્ટ અમદાવાદીઓ માટે સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ, જાણો કેવી રીતે કામ કરશે...
  2. એવી શાળા કે જ્યાં શહેર છોડી ગામડે ભણવા જાય છે વિદ્યાર્થીઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.