ETV Bharat / state

બારડોલીમાં જીવલેણ અકસ્માત : ટામેટા ભરેલી ટ્રક પલટી જતા ત્રણના મોત, સાત ઈજાગ્રસ્ત - Surat accident

author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 2:00 PM IST

સુરતમાં બારડોલી તાલુકાના કીકવાડ ગામની સીમમાં ટામેટા ભરેલો ટ્રક પલટી મારી જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ટ્રક પર સવાર 10 મુસાફરો ટ્રક નીચે દબાઈ ગયા હતા. જેમાંથી ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. અન્ય સાતને ગંભીર ઈજા પહોંચી છે. Bardoli accident

બારડોલીમાં જીવલેણ અકસ્માત
બારડોલીમાં જીવલેણ અકસ્માત (ETV Bharat Gujarat)

ટામેટા ભરેલી ટ્રક પલટી જતા ત્રણના મોત (ETV Bharat Gujarat)

સુરત : મહારાષ્ટ્રના નાસિકથી ટામેટા ભરીને સુરત જઈ રહેલા ટ્રકને નેશનલ હાઇવે નંબર 53 પર બારડોલી તાલુકાના કીકવાડ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. ટામેટા ભરેલો ટ્રક પલટી મારી જતા તેમાં ભરેલા કેરેટ નીચે દસ મજૂરો દબાઈ ગયા હતા. જે પૈકી ત્રણ વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે સાત ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટામેટા ભરેલા ટ્રકનો અકસ્માત : સુરત ધુલિયા નેશનલ હાઇવે નંબર 53 ફરી એક વખત ગોઝારો સાબિત થયો છે. નાસિકથી ટામેટા ભરીને સુરત સરદાર માર્કેટ ખાતે આવી રહેલો ટ્રક અહીંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બારડોલી તાલુકાના કીકવાડ ગામની સીમમાં ટ્રકચાલક 43 વર્ષીય સુરેશભાઈ દત્તુભાઈ પવારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા તેમની ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી.

10 મજૂર ટ્રકની દબાયા : આ અકસ્માતમાં ટ્રકમાં પાછળ કેરેટ પર બેઠેલા દસ મુસાફરો ટામેટા ભરેલા કેરેટ નીચે દબાઈ ગયા હતા. ઘટના અંગે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ થતાં જ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. ટ્રક નીચે દબાઈ ગયેલા લોકોને એક પછી એક બહાર કાઢ્યા હતા.

ત્રણ મજૂરના કરુણ મોત : જોકે તેમાંથી 3 મજૂર 40 વર્ષીય પિન્ટુ પિરાજી પવાર, 40 વર્ષીય ભાવસા પાંડુ માળી અને 35 વર્ષીય સોનુ એકતા પાટીલને ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ શ્વાસ રૂંધાઇ જવાથી ત્રણેયનું ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોની પોસ્ટમોર્ટમની કામગીરી કરી શવ પરિવારજનોને સોંપ્યો હતો. ત્રણેય મૃતક મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સટાણા તાલુકાના ખાતમા ગામના હતા. ગામમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.

સાત મજૂર ઈજાગ્રસ્ત : આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય સાત મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રહેવાસી 35 વર્ષીય તુલસીરામ સોનવણે, 40 વર્ષીય સંતોષ પવાર, 30 વર્ષીય બાબાજી કુકવા પવાર, 30 વર્ષીય આકાશભાઈ ભરવ માળી, 12 વર્ષીય ક્રિષ્ના સુરેશભાઈ પવાર, 35 વર્ષીય રાકેશ મંછારામ બોરસે, 48 વર્ષીય રાજેન્દ્ર દુબળા તાળીસનો સમાવેશ થાય છે.

પોલીસ કાર્યવાહી : બારડોલી ગ્રામ્ય પોલીસ મથકના PSI ડી. આર. વસાવાએ જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્રણ જણાના દબાઈ જવાથી મોત થયા છે. હાલ ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  1. માંગરોળમાં ટ્રકચાલકે બળદગાડાને અડફેટે લીધા, ત્રણ બળદના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત - Surat Accident
  2. Surat Accident: તરસાડી ગામ નજીક બાઈક પર સવાર બે યુવકોને ડમ્પર ચાલકે અડફેટે લીધા, એકનું મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.