ETV Bharat / state

સતત 4 વખત ચૂંટાયેલા કચ્છના લોકપ્રિય સાંસદ પુષ્પદાન ગઢવી, ભાજપના પીઢ નેતા - BJP Foundation Day

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 6:00 AM IST

આજે 6 એપ્રિલ એટલે કે ભાજપનો સ્થાપના દિવસ છે ત્યારે કચ્છના લોકપ્રિય અને ભાજપના પીઢ નેતા પુષ્પદાન ગઢવી વિશે વાત કરીએ. તેઓ કચ્છ લોકસભા બેઠક પર સતત 4 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પુષ્પદાનભાઈ શંભુદાન ગઢવી અંગેનો વિશેષ અહેવાલ. BJP Foundation Day

સતત 4 વખત ચૂંટાયેલા કચ્છના લોકપ્રિય સાંસદ પુષ્પદાન ગઢવી
સતત 4 વખત ચૂંટાયેલા કચ્છના લોકપ્રિય સાંસદ પુષ્પદાન ગઢવી

કચ્છઃ 6 એપ્રિલ એટલે કે ભાજપનો સ્થાપના દિવસ. આજે ભાજપના પીઢ નેતા જે કચ્છમાં બહુ લોકપ્રિય છે તેમના વિશે વિગતે જાણીએ. આ નેતા એટલે પુષ્પદાન ગઢવી. જેઓ કચ્છમાંથી સતત 4 વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના જીવન કવન વિશે વિગતવાર જાણીએ.

પ્રાથમિક માહિતીઃ પુષ્પદાન ગઢવીનો જન્મ 13 ડિસેમ્બર 1940ના રોજ રાયધનપર ગામમાં પિતા કવિરાજ શંભુદાન ઈશ્વરદાન ગઢવી અને માતા પાર્વતીબેન ગઢવીને ત્યાં થયો હતો. તેમના પિતા કચ્છ રાજ્યના કવિરાજ અને ભુજ ખાતેની વ્રજભાષા સંસ્કૃત પાઠશાળાના છેલ્લા આચાર્ય હતા, જે 3 સદીઓ જૂની શિક્ષણ સંસ્થા છે.

સતત 4 વખત ચૂંટાયેલા કચ્છના લોકપ્રિય સાંસદ પુષ્પદાન ગઢવી
સતત 4 વખત ચૂંટાયેલા કચ્છના લોકપ્રિય સાંસદ પુષ્પદાન ગઢવી

શૈક્ષણિક લાયકાતઃ પુષ્પદાનભાઈ ગઢવીએ બી.એ., બી.કોમ અને એલ.એલ.બી. કર્યું છે. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને કોલેજનું શિક્ષણ ભુજમાં પૂર્ણ કર્યું. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ વ્યવસાયની સાથે રાજકારણમાં પણ સક્રિય બન્યા હતા.

કચ્છ સત્યાગ્રહના આંદોલનમાં સક્રિયઃ વર્ષ 1964માં આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યૂનલના ચુકાદા મુજબ કચ્છના રણના છાડબેટ અને અન્ય કેટલાક વિસ્તારો પાકિસ્તાનને સોંપવાના ભારત સરકારના નિર્ણય સામે દેશના મોટા ભાગના વિરોધપક્ષોએ કચ્છમાં આદરેલા કચ્છ સત્યાગ્રહના આંદોલનમાં પુષ્પદાનભાઈ ગઢવીએ પણ સક્રિય રસ લીધો હતો.

હોમગાર્ડઝમાં લીગલ વિંગમાં સ્ટાફ ઓફિસરઃ નેશનલ કેડેટ કોર્પ્સ (N.C.C.) માં કોવિડ (હિન્દી) અને બી પ્રમાણપત્ર મેળવ્યું હતું. વર્ષ 1965માં તેમના લગ્ન સવિત્રીબેન સાથે થયા હતા તેમને 3 દીકરા અને 1 દીકરી છે.તેમણે વર્ષ 1967-89ના સમયગાળા દરમિયાન હોમગાર્ડઝમાં લીગલ વિંગમાં સ્ટાફ ઓફિસર તરીકે શરૂઆત કરી હતી.હાલમાં તેઓ એક સામાજિક કાર્યકર પણ છે.

વર્ષ 1976થી રાજકારણમાં પ્રવેશઃ વર્ષ 1976માં ભુજ નગર પાલીકાની ચૂંટણીમાં જીત મેળવી સક્રિય રાજકારણી બન્યા હતા.વર્ષ 1977થી વર્ષ 1982 સુધી તેઓ ભુજ નગરપાલીકાના કાઉન્સિલર તરીકે હતા અને પબલિક વર્કસ કમિટીના ચેરમેન તરીકે કાર્યરત રહ્યા હતા.

વર્ષ 1990થી 1995 વિધાનસભામાંઃ વર્ષ 1990થી 1995માં તેઓ ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા અને સાથે જ તેઓ પબલીક એકાઉન્ટ કમિટી અને એસ્ટિમેટ કમિટીના મેમ્બર પણ રહ્યા હતા.વર્ષ 1990થી 1996 સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીના એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર તરીકે પણ રહ્યા હતા.તો વર્ષ 1996થી 1997 દરમિયાન તેઓ ટ્રાન્સપોર્ટ અને ટુરિઝમ કમિટીના મેમ્બર તરીકે પણ રહ્યા હતા.

વર્ષ 1996થી 2009 સુધી સાંસદઃ વર્ષ 1996માં કોંગ્રેસના દિનેશ ત્રિવેદી સામે 1,01,972 મતની લીડ મેળવીને કચ્છ લોકસભા બેઠક પર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1998માં કોંગ્રેસના મહેશ ઠકકર સામે 61,025 મતની લીડથી સાંસદ તરીકે સતત બીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા.વર્ષ 1999માં કોંગ્રેસના બાબુભાઈ શાહ સામે 4315 મતની લીડથી જીતીને સાંસદ તરીકે ચૂંટાયા હતા તો વર્ષ 2004માં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર શૈલેન્દ્રસિંહ જાડેજા સામે 28,990 મતની લીડથી સતત ચોથી ટર્મ માં કચ્છ લોકસભા બેઠકના સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા.

અનામત બેઠક થતા જવાબદારીમાંથી મુક્તઃ વર્ષ 1996 થી 2009 સુધી કચ્છના સાંસદ તરીકે સતત ચાર ટર્મ જીતનાર એકમાત્ર રાજકારણી તરીકે પણ પુષ્પદાનભાઈ ગઢવીની નોંધપાત્ર સિદ્ધિ છે. જ્યાર બાદ નવા સીમાંકનમાં કચ્છ લોકસભા બેઠકના અનામત બેઠક તરીકે જાહેર કરવાને કારણે તેઓ જવાબદારીમાંથી મુક્ત થયા હતા.

અનેક કમિટીના સભ્યઃ વર્ષ 1998થી 1999 દરમિયાન તેઓ હોમ અફેર્સ એન્ડ ઇટ્સ સબ કમિટી ઓન સ્વતંત્ર સૈનિક સમાન પેન્શન સ્કીમ કમિટીના સભ્ય તરીકે રહ્યા હતા તો સાથે જ મિનિસ્ટ્રી ઓફ સરફેસ ટ્રાન્સપોર્ટના કન્સલટેટીવ કમિટીના મેમ્બર તરીકે રહ્યા હતા.વર્ષ 1999થી 2000 દરમિયાન તેઓ એબસન્સ ઓફ મેમ્બર્સ ફ્રોમ ધ સીટિંગ્સ ઓફ ધ હાઉસ કમિટીના મેમ્બર રહ્યા હતા.તો સાથે જ નેશનલ શિપિંગ બોર્ડના પણ સભ્ય તરીકે તેઓ રહ્યા હતા. વર્ષ 2004માં મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટની કન્સલ્ટિવ કમિટીના સભ્ય રહ્યા હતા તો સાથે જ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કમિટીના પણ તેઓ સભ્ય રહ્યા હતા.

ફાયનાન્સની સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરઃ 5 ઓગસ્ટ 2007 થી તેઓ ફાયનાન્સની સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર બન્યા હતા તો 2008ના તેઓ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના મેમ્બર બન્યા હતા.વર્ષ 2022માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં અનુશાસન (સિસ્ત) સમિતિના સદસ્ય તરીકે નિમાયા હતા.

વાવાઝોડા અને ભૂકંપ દરમિયાન રાહત કાર્યોઃ વર્ષ 1998માં કંડલામાં આવેલા ભયાનક વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો ત્યારે પુષ્પદાન ભાઈ ગઢવીની સાંસદ તરીકેની બીજી ટર્મ શરૂ થઈ હતી અને કંડલા મહાબંદર સંકુલને ફરીથી ઉભુ કરવાના મોટા પડકારને તેમણે કેન્દ્રના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને પાર પાડયો હતો. 1999માં કચ્છના કાંઠાળ વિસ્તારને વાવાઝોડાએ ધમરોળ્યા હતું જોકે તેની વિનાશકતા ઓછી હતી. ત્યાર બાદ વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપમાં કચ્છ હચમચી ગયું હતું ત્યારે ચોથી ટર્મમાં સાંસદ તરીકે રહેલા પુસ્પદાનભાઈ ગઢવી દ્વારા રાહત કામગીરી અને ગ્રામ્ય પુનર્વસનમાં મોટી ભૂમિકા ભજવવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામની સંસ્થા સાથે મળીને હંગામી આવાસો બનાવવાથી માંડીને વ્યાપક ઔધોગિકરણમાં તેમની ભૂમિકા રહી હતી.

કેન્દ્ર સરકારમાં વિકાસકાર્યોની સતત રજૂઆતઃ પુષ્પદાનભાઈ ગઢવી કચ્છમાં ભુજ-ગાંધીધામ રેલ્વે બ્રોડગેજનું રૂપાંતર, કચ્છ યુનિવર્સિટી તથા ભુજ એરપોર્ટના નિર્માણ સહિત અનેક માળખાકીય વિકાસ માટે જાણીતા છે. તેમણે કેન્દ્ર સરકારને આવા ઘણા પ્રોજેક્ટ વિચારો રજૂ કર્યા અને તે સબંધિત કામો પણ પૂર્ણ કરાવ્યા છે.

અનેક સામાજિક અને શૈક્ષણિક પહેલઃ પુષ્પદાનભાઈ ગઢવી ખાસ કરીને કચ્છ જિલ્લામાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની શ્રેણીમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા છે. તેમણે શૈક્ષણિક પહેલોમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો અને વર્ષ 1971 થી કચ્છમાં શિવ શક્તિ અભ્યાસ વર્તુળના તેઓ ટ્રસ્ટી બન્યા હતા. તેમની સામાજિક અને શૈક્ષણિક પહેલો ઉપરાંત, તેમણે ગ્રામીણ રમતગમત અને માળખાકીય સુવિધાઓના વિકાસમાં પણ ઊંડો રસ લીધો હતો. કચ્છ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં તેમણે જળ રિચાર્જિંગ પ્રવૃત્તિઓને અમલમાં મૂકવાનું કામ પણ કર્યુ હતું.

નર્મદાનાં પાણી માટે ધારદાર રજૂઆતઃ વર્ષ 2021માં પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ કચ્છને નર્મદાના વધારાના એક મિલિયન એકર ફિટ પાણી આપવા મુદ્દે પણ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે નર્મદાના પાણી મુદ્દે કચ્છને વર્ષોથી અન્યાય થતો હોવાની વાત પણ સરકારને કરી હતી.આજે પણ તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પીઢ નેતા તરીકે સક્રિય છે અને પક્ષની બેઠકોમાં પણ તેઓ અવારનવાર હાજરી આપતા હોય છે.

  1. નીતિનભાઈ "નરમ" પડ્યા, મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચી
  2. Anand Loksabha Seat: આણંદ બેઠક પર ભાજપે ફરી મિતેષ પટેલને કર્યા રિપિટ, 2019માં કોંગ્રેસના કદાવર નેતાને 1.97 લાખ મતથી હરાવ્યા હતાં.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.