ETV Bharat / state

Namo Drone Didi Scheme : દેવપર ગામની મહિલા ખેડૂત બની કચ્છની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 5:31 PM IST

તાજેતરમાં દાંતીવાડા ખાતે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત દેવપર ગામના નિલમ ભીમાણીએ ડ્રોન ઉડાડીને કચ્છને ગૌરવ અપાવ્યું છે. આ સાથે જ નિલમબેન ભીમાણી કચ્છ જિલ્લાના પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ બન્યા છે. નિલમબેનને પશુપાલન અને ખેતીવાડીના કામોનો પણ શોખ છે.

કચ્છની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ
કચ્છની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ

દેવપર ગામની મહિલા ખેડૂત બની કચ્છની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ

કચ્છ : હવે સમાજમાં શિક્ષણનું સ્તર વધતા ગેરમાન્યતાને પછાડીને મહિલાઓના ઉજ્વળ ભવિષ્ય માટે દીકરીઓ વધારે શિક્ષણ મેળવી રહી છે. ત્યારે કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામના નિલમબેન ભીમાણી કચ્છના પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ બન્યા છે. તેઓ ડ્રોનની મદદથી હવે ખેતી કરશે. નિલમબેન અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.

નમો ડ્રોન દીદી યોજના : સરકારની નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત દેશની મહિલાઓને કૃષિમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવે છે. જેના માટે તેમને ડ્રોન ઉડાવવા અંગેની તાલીમ પણ સરકાર દ્વારા જ આપવામાં આવે છે. ડ્રોન પાયલોટ તરીકે તાલીમ મેળવ્યા બાદ હવે નિલમબેન જિલ્લાના એવા પહેલા મહિલા ખેડૂત છે જેઓ આધુનિક પદ્ધતિની મદદથી ડ્રોનથી ખેતી કરશે.

કચ્છની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ : કચ્છના નિલમબેન ભીમાણી કેન્દ્ર સરકારની નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત 10 દિવસની તાલીમ તેમજ લાયસન્સ માટે વડોદરા ગયા હતા. દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં તેમણે સફળ ડ્રોન ફ્લાય કરીને ડ્રોન પાયલોટ તરીકે નામના મેળવી છે. સાથે જ આઇડી તેમજ લાયસન્સ પણ તેમને મેળવ્યું છે. આગામી સમયમાં સરકાર દ્વારા તેમને ડ્રોન મોકલી આપવામાં આવશે. જેના ઉપયોગથી તેઓ પોતાની વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરીને કરશે. આ તાલીમ દરમિયાન સમગ્ર ગુજરાતની 20 જેટલી મહિલાઓ જોડાઈ હતી. જેમાં કચ્છમાંથી 2 મહિલાઓએ આ તાલીમ મેળવી હતી.

ખેડૂતો માટે વરદાનરૂપ ડ્રોન ટેકનોલોજી : ખેતીમાં ડ્રોનના ઉપયોગથી ખેડૂતોને ખર્ચમાં પણ ઘણી રાહત મળી રહી છે. ડ્રોનથી સમયનો બચાવ તો થાય જ છે, સાથે સાથે ખર્ચમાં પણ બચત થાય છે. ડ્રોનની મદદથી મોટા વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ માત્ર થોડા કલાકોમાં જ કરી શકાય છે. ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને ખેડૂતોને તેના વિશે જાગૃત કરવા માટે કૃષિ મંત્રાલયે ડ્રોન ખરીદવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVKs) અને રાજ્ય કૃષિ યુનિવર્સિટી જેવી સરકારી ICAR સંસ્થાઓને 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવાની સુવિધા આપવામાં આવે છે.

નિલમબેન ભીમાણી
નિલમબેન ભીમાણી

મહિલા વિકાસ અને સખી મંડળ : નિલમબેન નખત્રાણા તાલુકાના સાંગનારાના ખેડૂત અંબાલાલ લીંબાણીના પુત્રી છે. તેમને નાનપણથી ખેતીમાં શોખ હતો, સાથે જ પશુપાલનનો પણ શોખ છે. નિલમબેન દેવપરના મહેન્દ્ર ભીમાણીના પત્ની છે અને સાસરે આવ્યા પછી છેલ્લા 4 વર્ષથી તેઓ મહિલા વિકાસ અને સખી મંડળ સાથે જોડાયેલા છે.

સમય અને ખર્ચ બંનેની બચત : નિલમબેન ભીમાણીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ખેતરમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરશે. આ ડ્રોન થકી સમય અને ખર્ચ બન્નેની બચત થાય છે. ખેડૂત હેન્ડ મશીનથી ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરે તો સમય તેમજ ખર્ચ બન્નેનો વ્યય થાય છે. એક એકર ખેતરમાં 15 પંપ, 2 થી 3 લેબર અને 3 થી 4 કલાકનો સમય તથા 150 લીટર પાણીનો ઉપયોગ થાય છે.

શા માટે ડ્રોન ફાયદારૂપ ? ડ્રોનની મદદથી એક એકર ખેતરમાં માત્ર સાત મિનિટમાં જ 10 લીટર પાણીનો ઉપયોગ કરી દવાનો છંટકાવ થઈ શકે છે. ખેડૂતો લેબર રાખીને દવાનો છંટકાવ કરે છે ત્યારે ખેડૂતોને 2000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જ્યારે ડ્રોનની મદદથી છંટકાવ કરવાથી માત્ર 800 રૂપિયા જેટલો જ ખર્ચ થાય છે.

પરિવારના સપોર્ટથી સફળતા : નીલમબેને સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે શરૂ કરેલી અનોખી પહેલથી દેશની તમામ મહિલાઓને આગળ વધવાની તક મળી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કચ્છ જિલ્લાની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ બનવાનું તેમને ગૌરવ છે. તેમના માતા-પિતા, સાસુ-સસરા અને તેમના પતિના સપોર્ટના લીધે આ સફળતા મળી છે.

  1. Kutch News : અમેરિકાના દંપતિ દ્વારા કચ્છી હસ્તકળાના અદભૂત નમૂનાઓ કચ્છના LLDC મ્યુઝિયમને સોંપવામાં આવ્યાં
  2. Kutch University : MBA વિધાર્થીઓએ શીખ્યા આયાત-નિકાસના ફંડા, કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરોનું સચોટ માર્ગદર્શન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.