ETV Bharat / bharat

Hospital Reel : સરકારી હોસ્પિટલમાં રિલ્સ બનાવવી પડી મોંઘી, કર્ણાટકના 38 મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 5:41 PM IST

GIMS ના ડાયરેક્ટર ડો. બસવરાજ બોમ્મનહલ્લીએ જિલ્લા હોસ્પિટલમાં રીલ બનાવવાના કેસમાં 38 મેડિકલ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે. નોંધનીય છે કે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા બનાવવામાં આવેલી રિલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જાણો સમગ્ર મામલો

સરકારી હોસ્પિટલમાં રિલ્સ બનાવવી પડી મોંઘી
સરકારી હોસ્પિટલમાં રિલ્સ બનાવવી પડી મોંઘી

કર્ણાટક : સરકારી જિલ્લા હોસ્પિટલમાં રિલ્સ બનાવીને બેજવાબદારી દાખવનાર 38 મેડિકલ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગડૈગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના (GIMS) ડાયરેક્ટર ડો. બસવરાજ બોમ્મનહલ્લીએ વિદ્યાર્થીઓને 10 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

શું છે મામલો ? મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ GIMS હોસ્પિટલ કોરિડોરમાં હિન્દી અને કન્નડ ફિલ્મોના ગીતો પર રીલ બનાવી હતી. બાદમાં તે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો ખુબ વાયરલ થયા હતા. આ રીલ્સ જોનારા કેટલાક લોકોને આ વીડિયોને પસંદ કર્યા, જ્યારે અન્ય લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

GIMS ડાયરેક્ટરનો આદેશ : GIMS ના ડાયરેક્ટર ડો. બસવરાજ બોમ્મનહલ્લીએ રીલ બનાવનારા 38 વિદ્યાર્થીઓને 10 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. ડો. બસવરાજ બોમ્મનહલ્લીનું કહેવું છે કે હોસ્પિટલમાં આવું કરવું ગુનો છે. આવું વર્તન કરવું ખોટું છે, તેનાથી દર્દીઓને અસુવિધા થાય છે. રીલ બનાવનારા લોકોએ MBBS પૂર્ણ કર્યું છે અને હાઉસમેનશિપમાં છે. તેમને જે પોસ્ટિંગ મળવાનું હતું તેમાં 10 દિવસનો વિલંબ થયો છે. અમે આ પ્રકારનો વીડિયો બનાવવાની પરવાનગી આપી નથી. GIMS ના ડાયરેક્ટરે વિદ્યાર્થીઓને ચેતવણી પણ આપી છે કે જે કોઈ પણ હોસ્પિટલમાં આવું કરશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ઓપરેશન થિયેટરમાં ડોક્ટરે કર્યું પ્રિ-વેડિંગ શૂટ :

આવી જ એક ઘટના ચિત્રદુર્ગના ભારમસાગર ગામની સરકારી હોસ્પિટલમાં બની હતી. અહીં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડોક્ટર અભિષેકે ઓપરેશન થિયેટરમાં લગ્ન પહેલા પ્રિ વેડિંગ વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઉપરાંત લોકોએ ડોક્ટરની હરકતો પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. ડોક્ટરની આ કાર્યવાહીને કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

મંત્રી દિનેશ ગુંડુરાવે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, ચિત્રદુર્ગના ભારમસાગર સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં પ્રી-વેડિંગ શૂટ કરનાર ડોક્ટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલો લોકોના આરોગ્ય સંભાળ માટે છે, ખાનગી ઉપયોગ માટે નહીં. હું ડોક્ટરની આ પ્રકારની અનુશાસનહીનતાને સહન કરીશ નહીં.

મંત્રી દિનેશ ગુંડુરાવે વધુમાં કહ્યું કે, આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો અને સ્ટાફ સહિત તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ સરકારી સેવાના નિયમો મુજબ ફરજ બજાવવાની રહેશે. સરકારી હોસ્પિટલોમાં આવી ગેરવર્તણૂક ન થાય તે માટે મેં અગાઉથી જ સંબંધિત ડોક્ટરો અને તમામ કર્મચારીઓને સાવચેત રહેવા સૂચના આપી દીધી છે. દરેક વ્યક્તિએ એ જાણીને પોતાની ફરજ બજાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં જે સુવિધા આપવામાં આવે છે તે સામાન્ય લોકોની આરોગ્ય સંભાળ માટે છે.

  1. Haldwani Violence Updates: હલ્દવાની હિંસાના માસ્ટર માઈન્ડ અબ્દુલ મલિક અને તેના પુત્રને પોલીસે ધરપકડ કરી
  2. JNU Student Union Election : JNU કેમ્પસમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે બબાલ, સમગ્ર મામલે પ્રશાસન મૌન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.