Cyclone Biparjoy: સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, મંદિરમાં પૂજાકાર્ય નિયત કાર્યક્રમ અનુસાર યથાવત
સોમનાથ: સંભવિત વિપરજોર વાવઝોડાનાં ખતરાને લઈને સોમનાથ મંદિર તથા સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. મંદિરમાં પૂજાકાર્ય નિયત કાર્યક્રમ અનુસાર કરવામાં આવશે. તમામ મંદિરોનો પૂજાક્રમ નિયત પ્રણાલિકા અનુસાર રહેશે. સાથેજ સોમનાથ મંદિર, ભાલકા મંદિર, અને નૂતન રામ મંદિર ના લાઈવ દર્શનસોમનાથ ટ્રસ્ટની વેબ સાઈટ somnath.org પરથી તેમજ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા હેન્ડલ પર કરી શકાશે. સોમનાથ મંદિર પાસે આવેલો સમુદ્રપથ મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. સમુદ્રપથ વોકવે સદંતર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો, ત્રિવેણી સંગમ, પ્રાચી ખાતેના મંદિરો પણ દર્શનાર્થીઓ માટે આવતીકાલે મંદિર બંધ રેહશે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર જેમાં શ્રી અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.