ગુજરાત

gujarat

Surendranagar: બુટલેગરો બેફામ, ઝીંઝુવાડામાં પોલીસ ટીમ પર હુમલો, PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 10:13 PM IST

Updated : Jan 5, 2024, 11:02 PM IST

પોલીસ ટીમ પર હુમલો

સુરેન્દ્રનગર:ગુજરાતમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. આ ચિત્રને રજૂ કરતી ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે. ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનની ટીમ બુટલેગરને પકડવા ગઈ હતી. દારૂના કેસમાં છેલ્લા ઘણા સમયથી આરોપી વોન્ટેડ હતો. આ દરમિયાન પી.એસ.આઈ સહિત અન્ય એક કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પી.એસ.આઈ. કે.વી.ડાંગરને સારવાર અર્થે પ્રથમ પાટડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ધ્રાંગધ્રા dysp જે. ડી.પુરોહિત, LCB, SOG સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. હુમલો કરી આરોપીઓ પોતાની કાર લઈ નાસી છૂટતાં સુરેન્દ્રનગરની પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. 

કેવી રીતે બની ઘટના:પાટણના સમી પોલીસ મથકના પ્રોહીબીશનના આરોપી જાલમસિંહ ઝાલાને ખાનગી ડ્રેસમાં પકડવા ગયા હતા. પાટડી જૈનાબાદ રોડ પરથી આ વોન્ટેડ આરોપીને એની જ ક્રેટા ગાડીમાં ઝબ્બે કરી એ જ ક્રેટા ગાડીમાં એને લઈને ઝીંઝુવાડા પોલીસ મથકે આવી રહ્યાં હતા. ત્યારે ઝીંઝુવાડા ગામમાં પ્રવેશતા જ લોકોના ટોળાએ પીએસઆઇ કે.વી.ડાંગર પર છરી સહિતના સાધનો વડે ઘાતક હુમલો કરતા પીએસઆઇ સહિત અન્ય બે પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજાઓ પહોંચતા એમને પ્રાથમિક સારવાર અર્થે તાકીદે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા. ઝીંઝુવાડા પીએસઆઇ કે.વી.ડાંગરની હાલત નાજુક જણાતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પ્રોહીબીશનનો આરોપી જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ક્રેટા ગાડી લઈને નાસી છૂટવામાં સફળ થયા હતા. ઝીંઝુવાડા પીએસઆઇ કે.વી.ડાંગરની ગઈકાલે જ ઝીંઝુવાડાથી ધ્રાંગધ્રા dysp કચેરીમા રીડર ટુ તરીકે બદલી કરવામાં આવી હતી. 

Last Updated : Jan 5, 2024, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details