ગુજરાત

gujarat

National High Way 48 : વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર પડેલા ખાડાઓનું 48 કલાકમાં પુરાણ કરવામાં આવશે

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 4:06 PM IST

નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર દ્વારા નેશનલ હાઈવે નંબર 48ની સ્થળ મુલાકાત લેવામાં આવી છે. સમગ્ર રોડની બિસ્માર હાલતના કારણે મોટા પ્રમાણમાં અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. ત્યારે ઉદ્યોગકારોની રજૂઆતો અને નાણાંપ્રધાનના આગ્રહ બાદ પીડી સંજય યાદવે નેશનલ હાઇવે નંબર 48નું નિરીક્ષણ કર્યું છે.

National High Way 48 : વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર પડેલા ખાડાઓનું 48 કલાકમાં પુરાણ કરવામાં આવશે
National High Way 48 : વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર પડેલા ખાડાઓનું 48 કલાકમાં પુરાણ કરવામાં આવશે

પીડી સંજય યાદવે મુલાકાત લીધી

વાપી : એનએચઆઈના સુરત ખાતેના પ્રોજેકટ ડાયરેકટર સંજય યાદવે સોમવારે વાપીમાં નેશનલ હાઇવે નંબર 48ની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન વાપીના ઉદ્યોગકારો અને નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેનની રજૂઆતને ધ્યાને લઇ હાઇવે પર પડેલા ખાડાઓનું 48 કલાકમાં પુરાણ કરવાની તેમજ સર્વિસ રોડની પહોળાઈ માટે જરૂરી મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી છે.

પ્રોજેકટ ડિરેક્ટરે ખાતરી આપી : વાપી વલસાડ જિલ્લો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ધરાવતો જિલ્લો છે. અહીં વાપી જીઆઈજીસી જેવી 5 જીઆઈડીસી આવેલ છે. જેના માટે નેશનલ હાઇવે નંબર 48 જીવાદોરી સમાન ગણાય છે. જો કે હાલમાં હાઇવે પર પડેલા ખાડાવાળો બિસ્માર માર્ગ ટ્રાફિક સમસ્યા અને વાહનોમાં નુકસાની માટે જવાબદાર બન્યો છે. ત્યારે આ હાઇવેના ખાડાઓને 48 કલાકમાં પુરી દેવાની એનએચઆઈના પ્રોજેકટ ડિરેક્ટરે - PD - ખાતરી આપી છે.

નેશનલ હાઇવે નંબર 48નું નિરીક્ષણ: અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 દેશનો સૌથી વધુ વાહનોની અવરજવર ધરાવતો નેશનલ હાઇવે છે. આ હાઇવે હાલ ચોમાસાના કારણે બિસ્માર બન્યો છે. તો, હાઇવે સાથે નજીકના રહેણાંક વિસ્તારને અને ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને કનેક્ટિવિટી પુરી પાડવા અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ ની કામગીરી હાથ ધરાઈ હોય ખાડાવાળા હાઇવે પર ટ્રાફિક સમસ્યાએ માઝા મૂકી છે. જે અંગેની રજૂઆતો બાદ એનએચઆઈના પ્રોજેકટ ડિરેકટર સંજય યાદવે વાપી નજીક ટૂકવાડા ખાતે નવા નિર્માણ થનારા અન્ડરબ્રિજની અને આ વિસ્તારમાં હાઇવે પર પડેલા ખાડાઓનું નિરીક્ષણ કર્યું હતું.

અન્ડરબ્રિજ રીડિઝાઇન અવરજવરવાળી બનાવશે :નેશનલ હાઇવે નંબર 48ની અને તેને સમાંતર સર્વિસ રોડની સ્થિતિનો ખ્યાલ મેળવવા તેમજ ટૂકવાડા ખાતે નિર્માણ થનાર અન્ડરબ્રિજની ડિઝાઇનને રીડિઝાઇન કરી ટ્રાફિક રહિત મોટા ભારે વાહનોની અવરજવર લાયક બનાવવાની રજૂઆત બાદ સ્થળ નિરીક્ષણ કરવા આવેલા સંજય યાદવને વાપી નોટિફાઇડના ચેરમેન હેમંત પટેલ, ઉદ્યોગપતિ યોગેશ કાબરીયા, મિલન દેસાઈ, VIA પ્રમુખ સતીશ પટેલે આવકાર્યા હતાં. બિસ્માર માર્ગની તેમજ અન્ડરબ્રિજ નિર્માણની ડિઝાઇનમાં ફેરફારની રજૂઆત કરી હતી. PD સંજય યાદવે આગામી 48 કલાકમાં હાઇવેના ખાડાઓનું પુરાણ કરવાની અને સર્વિસ રોડની પહોળાઈ વધારવાની મંજૂરી મેળવી કામગીરી હાથ ધરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.

હાઇવે પર ટ્રાફિક સમસ્યાએ માઝા મૂકી છે

એનએચઆઈ અધિકારીની વિઝિટ :હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભરૂચ ખાતેની ટીમ સાથે ટુકવાડા ખાતે સ્થળ મુલાકાત માટે આવેલા પ્રોજેકટ ડાયરેકટર સમક્ષ થયેલ રજુઆત અંગે વાપી નોટિફાઇડના ચેરમેન હેમંત પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈના અગ્રહથી તેમજ ગાંધીનગર સ્થિત NHAI ના અધિકારીના માર્ગદર્શન હેઠળ PD સંજય યાદવ તેમની ટીમ સાથે આવ્યા હતાં.

48 કલાકમાં મરામત પૂર્ણ કરવા બાંહેધરી : ટૂકવાડા નજીક નિર્માણ થનાર અન્ડરબ્રિજ પ્રોજેકટ અવધ ઊથોપિયા ટાઉનશીપ માટે તેમજ પરિયામાં વિકસી રહેલ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને માટે અતિ મહત્વનો પ્રોજેકટ છે. આ અન્ડરબ્રિજની પહોળાઈ અને ઊંચાઈ વધારવામાં આવે તો ભારે વાહનોની અવરજવરમાં સુગમતા રહેશે. તેમજ હાઇવે પર બલિઠા નજીક પડેલા ખાડાઓ તેમજ સર્વિસ રોડની પહોળાઈ અંગે રજુઆત કરતા તે બંને રજૂઆત હેઠળની કામગીરી આગામી 48 કલાકમાં પૂર્ણ કરી દેવાની બાંહેધરી આપી છે.

સર્વિસ રોડને 10.5 મીટર પહોળો બનાવશે : ટૂકવાડા નજીક જ્યાં આ અંડરબ્રિજનું નિર્માણ થવાનું છે ત્યાં જ હાઇવે ખૂબ જ ખરાબ દશામાં છે. એ ઉપરાંત ટૂકવાડાથી ભિલાડ સુધીમાં ઠેરઠેર હાઇવે પર અને સર્વિસ રોડ પર અનેક ખાડાઓ પડ્યા છે. જેનું PD ની ટીમે નિરીક્ષણ કર્યું હતું. બલિઠા નજીક ગુંજન તરફ હાઇવેના સર્વિસ રોડની પહોળાઈ માત્ર 7.5 મીટર હોઇ ટ્રાફિક સમસ્યામાંથી રાહત અપાવવા આ સર્વિસ રોડને 10.5 મીટર પહોળો બનાવવા, વાપી ચાર રસ્તાથી બીલખાડી સુધી હાઇવે સમાંતર હાથ ધરાયેલ વરસાદી પાણીની ગટરનું કામકાજ ઝડપી પૂર્ણ કરવા તેનું સ્થળ નિરીક્ષણ કરી ભરૂચથી આવેલ ટીમને સૂચના અપાઈ હતી.

વાહન નુક્સાનીમાંથી રાહત મળશે : ઉલ્લેખનીય છે કે આ કામગીરી પૂર્ણ થશે તો આગામી ચોમાસામાં હાઇવે પર વરસાદી પાણી ભરાવાની અને માર્ગ તૂટવાની સમસ્યામાંથી રાહત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. ત્યારે હવે PD એ આપેલી 48 કલાકની મહોલતમાં જો હાઇવે પરની તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે તો, ટ્રાફિકની સમસ્યા, ખાડાવાળા માર્ગો પર વાહનોમાં થતી નુક્સાનીમાંથી લોકોને પણ રાહત મળશે.

  1. Karajan Toll Plaza : નેશનલ હાઇવે નંબર 48 ઉપર ઇમરજન્સી કોલિંગ બૂથ શોભાના ગાંઠીયા સમાન
  2. જાણો આણંદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48ની પરિસ્થિતિ
  3. ભિલાડ હાઇવે-48 પર રેલવે ક્રોસિંગ નજીક અકસ્માતનો સિલસિલો યથાવત

ABOUT THE AUTHOR

...view details