ગુજરાત

gujarat

લોકડાઉનમાં વાપીનો TRB જવાન 1 પેટી દારૂ સાથે ઝડપાયો

By

Published : Apr 23, 2020, 3:58 PM IST

વલસાડ જિલ્લામાં કોરોના મહામારીને કારણે સરહદો સિલ કરી છે. ત્યારે, વાડ જ ચિભડા ગળતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાપી GIDC પોલીસ મથક વિસ્તારમાં ફરજ બજાવતો TRB જવાન દમણથી એક પેટી દારૂ લઈ નીકળ્યો હોવાની બાતમી આધારે ઝડપાઇ જતા ટાઉન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

વાપીનો TRB જવાન 1 પેટી દારૂ સાથે ઝડપાયો
વાપીનો TRB જવાન 1 પેટી દારૂ સાથે ઝડપાયો

વાપીઃ ટાઉન વિસ્તારમાં પોલીસ જિલ્લાની સરહદ પર તૈનાત છે. એવી જ રીતે દમણ બોર્ડર પણ સંપૂર્ણ સીલ છે. લોકડાઉનનામાં ચારે તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. આવા સંજોગોમાં જો ચોકીદાર જ ચોરી કરે તો કોને કહેવા જવું. એવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં વાપી ટાઉન પોલીસે બાતમીના આધારે એક કાર ચાલકને ઝડપી તેની કારમાં તપાસ કરતા કારમાંથી એક પેટી દારૂ મળી આવ્યો હતો.

પોલિસની પૂછપરછમાં આ દારૂની ખેપ મારનારો વાપી GIDC પોલીસ મથક વિસ્તારમાં ફરજ બજાવતો TRB જવાન હતો. પોલીસે TRB જવાન મયુર સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી કારમાંથી ઝડપાયેલા 1 પેટી દારૂ (48 બોટલ) જેની કિંમત 2400 રૂપિયા અને સેન્ટ્રો કાર જેની કિંમત 1.50 લાખ મળી તમામ મુદ્દામાલ સાથે જવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દમણમાં અને ગુજરાતમાં લોકડાઉનને કારણે દારૂ, બિયરનો ભાવ આસમાને પહોંચ્યો છે. ત્યારે લોકડાઉન દરમિયાન સરકારી કર્મચારીઓ પણ જલ્દી પૈસા કમાવાની લાલચમાં પોતાની ફરજને ભુલી આવી પ્રવૃત્તિમાં જોડાયા છે.

ABOUT THE AUTHOR

...view details