ગુજરાત

gujarat

Vadodara Crime News : વડોદરામાં તસ્કરને ચોરી કરવી પડી મોંઘી, રહીશો ચોરને પકડીને મેથીપાક ચખાડ્યો

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 1:31 PM IST

વડોદરાના મનીષા ચાર રસ્તા પાસે આવેલા કોમ્પલેક્ષના એક ઘરમાં ગતરાત્રીએ ચોર ઘુસ્યો હતો. પરંતુ આ ચોરને ઘરમાં રહેલી મા-દીકરીએ પકડી લીધો હતો. જોકે, તસ્કરે ચાકુથી મા પર જીવલેણ હુમલો કરી ચાંદીની થાળી લઈ નાસ્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા રહિશોએ ચોરને દબોચી મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

Vadodara Crime News
Vadodara Crime News

વડોદરા :વધતી જતી મોંઘવારી વચ્ચે તસ્કરો ચોરી માટે નવા નુસખા અપનાવી રહ્યા છે. ત્યારે શહેરના મનીષા ચાર રસ્તા પાસે આવેલ તક્ષ કોમ્પલેક્ષમાં રહેતા શુક્લા પરિવારના ઘરમાં મોડી સાંજે તસ્કર ઘૂસી ગયો હતો. અચાનક મહિલાની નજર ઘરમાં ઘૂસી આવેલા તસ્કર ઉપર પડતા તેણે બુમરાણ મચાવી દીધી હતી. બૂમાબૂમ થતા દીકરીએ દોડી આવી તસ્કરનો હાથ પકડી લીધો હતો. મા-દીકરીના સકંજામાં આવી ગયેલા તસ્કરે મા-દીકરી ઉપર જીવલેણ હુમલો કરી ચાંદીની થાળીની લૂંટ ચલાવી ફરાર થઈ રહ્યો હતો. સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશોએ આ તસ્કરને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો.

મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો : વડોદરા શહેરમાં મનીષા ચાર રસ્તાથી વાસણા ભાયલી રોડ ઉપર આવેલ તક્ષ કોમ્પ્લેક્ષના બીજા માળે મકાન નંબર 202 માં શુક્લા પરિવારના 53 વર્ષીય સુમિત્રાબેન શીવરામ શુક્લા અને 32 વર્ષીય દીકરી નિશા રહે છે. શિવરામભાઇ શુક્લ ટ્રાન્સફોર્મર બનાવવાનો વ્યવસાય કરે છે. તેમનો મોટો દીકરો વિપીન પુના ખાતે નોકરી કરે છે. નિશા માતા-પિતા સાથે રહીને બેંગ્લોરની કંપનીમાં વર્ક ફોર્મ હોમ નોકરી કરે છે. બનાવની મળતી વિગત અનુસાર ગત મોડી રાત્રે શુક્લા પરિવારના ઘરમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરે મા-દીકરી ઉપર હુમલો કરી ચાંદીની થાળી સહિતનો સામાન લૂંટી ભાગ્યો હતો. જોકે, મા-દીકરીએ હિંમતભેર તસ્કરનો સામનો કર્યો હતો.

હુમલો કરી ભાગ્યો : જાણવા મળતી માહિતી મુજબ તસ્કરની નજર સુમિત્રાબહેન ઉપર પડતાં તે તેમની તરફ ધસી ગયો અને તેઓનું ગળું પકડી લીધું હતું. બાજુના શો-કેસ પર પડેલ માટીની વજનદાર લાફીંગ બુધ્ધાની મૂર્તિથી તેઓના માથામાં હુમલો કરી દીધો હતો. માથામાં બુધ્ધાની મૂર્તિ વાગતા જ તેઓ લોહીલૂહાણ થઇ ગયા અને બુમરાણ મચાવી મૂકી હતી. માતાની બુમો સાંભળી દીકરી નિશા બેઠક ખંડમાં દોડી આવી હતી. જોકે, તે પહેલાં તસ્કરે પોતાની કમરમાંથી છરી કાઢી હુમલાનો પ્રયાસ કરતા નિશાએ તેનો હાથ પકડી લીધો હતો. તે સાથે ઇજાગ્રસ્ત સુમિત્રાબહેને પણ તસ્કરને પકડી લીધો હતો. મા-દીકરીના સકંજામાં આવી ગયેલા તસ્કરે છૂટવા માટે ઝપાઝપી કરી હતી.

રહિશોએ ચોરને દબોચ્યો : માં-દીકરીની બૂમાબૂમનો અવાજ સાંભળતા જ તક્ષ કોમ્પ્લેક્ષના લોકો અને કોમ્પ્લેક્ષના દુકાનદારો એકત્રિત ગયા હતા. રહિશોએ સૂઝબૂઝથી આ તસ્કરને દબોચી લીધો હતો. સ્થાનિક લોકોએ પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાજાદાસ નબાદાસ હોવાનું જણાવ્યું હતું. જોકે, તસ્કર સમજીને ઝડપી પાડવામાં આવેલા રાજાદાસે પોતે ચોર ન હોવાનું લોકોને જણાવ્યું હતું. તેણે લોકોને જણાવ્યું કે, તે તક્ષ કોમ્પ્લેક્ષમાં કામ માટે આવ્યો હતો.

ચોરનો ખુલાસો : આ બનાવ અંગે સુમિત્રાબહેન શુક્લાએ જે. પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, મોડી સાંજના 8 વાગ્યાના સુમારે સુમિત્રાબહેન ઘરના બેડરૂમમાં રાખેલ મંદિરમાં પૂજા કરતા હતા. ત્યારે ઘરની લાઈટ ન હતી. જેથી તેઓ દિવાની થાળી લઈને ઘરના બેઠક ખંડમાં ગયા હતા. તે સમયે તેઓએ એક અજાણ્યા વ્યક્તિને જોતા ચોંકી ઉઠ્યા હતા. અજાણી વ્યક્તિ ડાઇનીંગ ટેબલ ઉપર મૂકેલી ચાંદીની થાળી ચોરી રહ્યો હતો.

પોલીસની કાર્યવાહી : સમગ્ર બનાવની જાણ જે. પી. રોડ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે શંકાસ્પદ ચોર રાજાદાસની અટકાયત કરી પોલીસ મથકમાં લઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી એક ધારદાર છરી પણ કબજે કરી હતી. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. પોલીસે ઈજાગ્રસ્ત સુમિત્રાબેન અને માતાની સારવારમાં રોકાયેલી દીકરી નિશા દ્વારા આરોપીની ઓળખ કર્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે શકમંદ આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી.

  1. Drunk and drive case: વડોદરામાં દારુ પીને કારથી ટક્કર માર્યા બાદ યુવતીએ પોલીસ કર્મીને થપ્પડ મારી, ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
  2. Vadodara Crime : વડોદરામાં બે દીકરીની હત્યા કરનાર માતાને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા...

ABOUT THE AUTHOR

...view details