ગુજરાત

gujarat

Gametha Atrocity Case : પાદરાના ગામેઠા ગામમાં થયેલી બબાલ બાદ ગ્રામજનોમાં ભય, પોલીસ પ્રોટેક્શનની માંગ

By

Published : Aug 16, 2023, 7:25 PM IST

પાદરા તાલુકાના ગામેઠા ગામમાં છેલ્લા 15 દિવસથી ભારે તંગદિલીનો માહોલ સર્જાયો છે. બે સમાજ વચ્ચેની બબાલમાં એટ્રોસિટીની ફરીયાદ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમ છતાં હજુ પણ ગ્રામજનોમાં ડરનો માહોલ છે. ત્યારે આજે ગામેઠા ગામના તમામ સમાજના લોકો જિલ્લા SP કચેરીએ વિવિધ રજૂઆત સાથે પહોંચ્યા હતા. જાણો શું છે સમગ્ર મામલો...

Gametha Atrocity Case
Gametha Atrocity Case

પાદરાના ગામેઠા ગામમાં થયેલી બબાલ બાદ ગ્રામજનોમાં ભય

વડોદરા :જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં ગતરોજ રાત્રે ભયંકર ઘર્ષણનો બનાવ બન્યો હતો. આ મામલે આજે ગામેઠાના તમામ સમાજના લોકોએ ભેગા મળીને બહારથી આવતા તત્વો સામે ગ્રામ્ય SP ને રજૂઆત કરી હતી. ગ્રામજનોએ પોલીસ તંત્ર દ્વારા પ્રોટેક્શન આપવાની માંગણી કરી હતી. આ મામલે ગ્રામ્ય SP એ શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે બેઠક પણ યોજી છે. ઉપરાંત આ મામલે કાર્યવાહી ચાલી રહી છે તેવું જણાવ્યું હતું.

શું હતો મામલો ? પોલીસમાંથી મળતી બનાવની સત્તાવાર માહિતી અનુસાર ગઈકાલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં એક બનાવ બાદ ભારે તંગદિલી સર્જાઈ હતી. ગામની દલિત સમાજની પંચાયત સભ્ય સહિત મહિલાઓને ગામના તળાવમાં કપડાં ધોતા અટકાવતા ઘર્ષણ થયું હતું. પંચાયત ઓફિસે સરપંચને રજૂઆત કરવા ગયેલા દલિત સમાજ અને પઢીયાર સમાજના લોકો આમને-સામને આવી ગયા હતા. પોલીસે ટોળાને વિખેરી મામલો થાળે પાડી દીધો હતો. ઘટના બાદ જિલ્લા પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 15 દિવસ પહેલા દલિત વૃધ્ધના અંતિમ સંસ્કાર કરવા બાબતે પણ ઘર્ષણ થયું હતું.

ગામેઠા ગામમાં બપોરે એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હતી. બાદમાં સાંજે એક સમાજના અગ્રણીઓ પંચાયતની ઓફિસે પહોંચ્યા હતા. તે સમયે બંને પક્ષના લોકો સામ-સામે આવ્યા હતા. જોકે આ બનાવના પગલે તે દરમિયાન પોલીસ બંદોબસ્ત પહેલાથી જ ગામમાં હતો. પોલીસે પોતે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી કરી છે. ગઈકાલે સવારે 4 વાગ્યા સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગામમાં હાજર હતા.-- રોહન આનંદ (SP, વડોદરા જિલ્લા)

24 કલાકમાં બે ફરિયાદ :ઉલ્લેખનિય છે કે, ગામમાં છેલ્લા 20-25 વર્ષથી અત્યાર સુધી કોઈ એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ ન હતી. જ્યારે છેલ્લા 24 કલાકમાં બે ફરિયાદ દાખલ થઈ છે. ગામમાં જઈને જે અસામાજીક તત્વો ઉશ્કેરી કરી રહ્યા છે તેના પર પોલીસની નજર છે. આ મામલે પોલીસ PI પોતે ફરિયાદી બની 250 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસની હાજરીમાં હુલ્લડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમાંથી લોકોની પોલીસને ઓળખ થઈ હતી તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

ગામની શાંતિ ન ડોહળાય તે માટેની અમે માંગણી કરી છે. બહારના લોકો આવીને હુમલો કરશે તેવી અમને ભીંતી છે. જેથી ગ્રામજનોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે અને ગામમાં ખોટા તત્વો ઘુસે નહીં તેની પોલીસે તકેદારી રાખવી જોઇએ. અમને પોલીસ તરફથી સંતોષકારક જવાબ મળ્યો છે. અમે આજે હજાર માણસો ભેગા થઈને આવ્યા છીએ. પરંતુ કોઇ ઉશ્કેરણીજનક વાત કરી નથી. આજે તમામ સમાજના લોકોએ મળીને શાંતિપૂર્વક રજૂઆત કરી છે.-- જગદીશભાઈ પઢિયાર (માજી સરપંચ, ગામેઠા ગામ)

ગ્રામજનોની રજૂઆત :આ અંગે ગામના અગ્રણી જગદીશભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, અમારા ગામમાં દલિત સમાજ દ્વારા ભેગા થઈને રજૂઆત કરીને ખોટી ખોટી ફરિયાદ કરવામાં આવે છે. જેને લઇને આજે અમારા ગામના લોકો અહીં SP ઓફિસ આવ્યા છીએ. આવી ફરિયાદ જોઈ વિચારીને લેવા બાબતે અમે SP ને રજૂઆત કરી છે. અમારા ગામમાં છૂત અછૂતનો કોઈ ભાવ નથી. પરંતુ બહારના લોકો આવીને ઉશ્કેરણીજનક વાતો કરે છે.

શાંતિ જાળવવા અપીલ : પોલીસે પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન રાઠોડની ફરિયાદના આધારે તળાવમાં કપડાં ધોવા બાબતે અપશબ્દો બોલનાર માનસિંગ પઢીયારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે સાંજના સમયે બનેલી ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી છે. 15 દિવસ પહેલા દલિત સમાજના વૃધ્ધના અંતિમ સંસ્કાર બાબતે બનેલી ઘટના બાદ મંગળવારે તળાવમાં કપડાં ધોવા બાબતે બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી મૂકી છે. પોલીસ ગામમાં આજે ફરી શાંતિ સમિતિની બેઠક યોજશે.

  1. Vadodara Crime : ગામેઠા ગામમાં દલિત વૃદ્ધના અંતિમ સંસ્કાર અટકાવવાનો મામલો, સરપંચના પતિ સહિત 13ની ધરપકડ
  2. Ahmedabad News : ગુજરાતમાં દલિત યુવાનોની જ હત્યાને લઇને મેવાણીએ સરકાર પર કર્યા આક્ષેપો

ABOUT THE AUTHOR

...view details