ગુજરાત

gujarat

બારડોલીના પટેલ પરિવાર પર કોરોના કાળ થઈને ત્રાટક્યો, આઠ દિવસમાં ત્રણને ભરખી ગયો

By

Published : May 11, 2021, 8:10 PM IST

બારડોલીમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. મહામારીમાં અનેક પરિવારના માળા વિખેરાઇ ગયા છે. કોઈ બાળકે માતાપિતા ગુમાવ્યા છે તો કોઈ માતાપિતાએ પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે. આ બધા વચ્ચે બારડોલીના પટેલ પરિવાર માટે કોરોના જાણે આફત બનીને આવ્યો હોય તેમ એક સાથે 3 વ્યક્તિને ભરખી જતા વિસ્તારના લોકોમાં ભારે દુઃખની લાગણી ફેલાઇ ગઈ છે.

બારડોલીના પટેલ પરિવાર પર કોરોના કાળ થઈને ત્રાટક્યો, આઠ દિવસમાં ત્રણને ભરખી ગયો
બારડોલીના પટેલ પરિવાર પર કોરોના કાળ થઈને ત્રાટક્યો, આઠ દિવસમાં ત્રણને ભરખી ગયો

  • 8 દિવસ પહેલા પુત્રવધૂનું મોત થયું
  • પિતાપુત્રનું એક જ દિવસે મોત નીપજયું
  • પટેલ પરિવારમાં શોકની કાલિમા છવાઈ

સુરત : બારડોલીની હૂડકો સોસાયટી નજીક આવેલી બજરંગ વાડીમાં રહેતા કાછિયા પાટીદાર પરિવારમાં કોરોના કાળ બનીને ત્રાટક્યો હતો. કોરોના 8 દિવસમાં પિતા, પુત્ર અને પુત્રવધૂને ભરખી જતાં પરિવારનો માળો વિખેરાઇ ગયો હતો. 3જી મેના રોજ પુત્રવધૂના મોત બાદ 10મીએ બંને પિતા પુત્રના મોત નિપજતા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

માત્ર 8 દિવસમાં પરિવારનો માળો વિખેરાઇ ગયો

બારડોલીની હૂડકો સોસાયટી પાસે આવેલ બજરંગવાડીમાં રહેતા બાબુભાઇ મંગુભાઈ પટેલ તેમની પત્ની, પુત્ર મનીષકુમાર, પુત્રવધૂ પૂર્વીબેન તેમજ બે પૌત્રો વર્ષીલ અને દેવાંશુ સાથે રહેતા હતા. જ્યારે તેમનો નાનો પુત્ર જયેશ અને પુત્રી હાલ યુ.કે.માં સ્થાયી થયા છે. કોરોનાની મહામારીએ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે બારડોલીનો આ પટેલ પરીવાર પણ કોરોનાની ગંભીર બીમારીની ચપેટમાં આવ્યો હતો. પહેલા પુત્રવધૂ પૂર્વી ત્યારબાદ બાબુભાઈ પટેલ અને બાદમાં પુત્ર મનીષ કોરોનાની ચપેટમાં આવતા તેમને વારાફરતી અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર બાદ 3જી મેના રોજ પૂર્વીએ પોતાનો દેહ છોડી દીધો હતો. હજી આઠ દિવસ ન હતા થયા કે 10મીની સવારે બાબુભાઈ પટેલેનું નિધન થયું હતું અને એ જ રાત્રે તેમના પુત્ર મનીષનું પણ અવસાન થતાં સમગ્ર કાછિયાપાટીદાર સમાજ ઉપરાંત બારડોલીની સહકારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.

ઘરના મોભી બારડોલીની અલગ અલગ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા

બાબુભાઇ પટેલ બારડોલીની જે.એમ.પટેલ હાઈસ્કૂલના મંત્રી ઉપરાંત ગોવિંદાશ્રમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક સારા ખેડૂત હોવાની સાથે બારડોલી નગર ખેડૂત સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત બારડોલીની પ્રતિસ્થિત ગણાતી ધી બારડોલી નાગરિક સહકારી બેન્કના વાઇસ ચેરમેન પણ રહ્યા હતા. તેમજ કાછિયા પાટીદાર સમાજમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. આ ઉપરાંત તેમનો પુત્ર અને પુત્રવધૂ બારડોલીના સ્ટેશન વિસ્તારમાં પતંજલિ સ્ટોર ચલાવતા હતા. ત્રણેયના મોતથી હવે ઘરમાં બાબુભાઈના પત્ની અને બે પૌત્રો રહ્યા છે. જેઓ નાની ઉમરમાં કઠણ હ્રદયે એક સાથે માતા પિતા અને દાદાની વિધિ કરવી પડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details