સુરતઃ રાજ્યના શિક્ષણ વિભાગ તેમજ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારણાની મોટા મોટા બણગાં ફુંકવામાં આવી રહ્યા છે. આ દરમિયાન શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં સરકાર તરફથી ઉદાનીસતા દાખવવામાં આવી રહી છે. 17 માસ જેટલો લાંબો સમય થવા છતાં હજુ સુધી તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે કંટાળીને શિક્ષકોએ સરકારના બહેરા કાન ખોલવા માટે અનોખો વિરોધ નોંધાવ્યો છે. રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યુ છે. સુરત શહેરની એક્સપરિમેન્ટલ સ્કૂલના શિક્ષકો પણ થાળી વગાડવાના કાર્યક્રમને સફળ બનાવવાના ઉદ્દેશ્યથી આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.
Granted School's Teachers Protest: રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ 'બહેરી સરકાર'ના કાન ખોલવા થાળી વગાડી કર્યુ વિરોધ પ્રદર્શન
સુરત જેવા મહાનગરો સહિત રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ પડતર માંગણીઓ પૂરી કરવા અનોખો વિરોધ નોંધાવ્યો છે. બહેરી સરકારના કાને અનેકવાર રજૂઆતો કર્યા છતા કોઈ નક્કર ઉકેલ ન આવતા આજે શિક્ષકો આકરાપાણીએ થયા છે. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ સવારથી જ થાળીઓ વગાડી વગાડીને રાજ્ય સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ છે. શિક્ષકોની પડતર માંગણીઓમાં જૂની પેન્શન યોજના, સી.પી.એફ.માં સરકારનો હિસ્સો અને ઉચ્ચતર પગાર ધોરણના લાભ જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. શિક્ષકોના સરકાર વિરુદ્ધના પ્રદર્શન વિશે વાંચો વિસ્તારપૂર્વક
Published : Sep 11, 2023, 3:32 PM IST
જ્યારે અભણ નેતાઓ અને બહેરી સરકાર હોય અને શિક્ષકો ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ જ્ઞાન સહાયક યોજનામાં દાખલ કરવામાં આવે છે. શિક્ષકોને અન્ય કામગીરી સોંપવામાં આવે છે. આ તમામ બાબતોનું ઝડપથી નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે. નહિ તો શિક્ષણ પડી ભાંગશે. સરકારને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવે એટલા માટે થાળી વગાડવા જેવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે...રજત પટેલ(ગ્રાન્ટેડ શાળાના શિક્ષક)
17 માસ પહેલા કરાઈ હતી રજૂઆતઃ વર્ષ-2022માં શિક્ષણપ્રધાને રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત કરી હતી. શિક્ષણપ્રધાને તમામ પ્રશ્નોના ઉકેલ માટે બાંહેધરી આપી હતી. જેને પરિણામે રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓમાં એક પ્રકારનો ઉત્સાહ પ્રસરી ગયો હતો. બાંહેધરી અપાયાને 17 માસ જેટલો લાંબો સમય થવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા આ રીતે અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.