ગુજરાત

gujarat

Solar rooftop : રાજકોટના નામે વધુ એક સિદ્ધિ, તમામ ગ્રામ પંચાયતનું લાઈટ બિલ શૂન્ય થશે

By ETV Bharat Gujarati Team

Published : Jan 9, 2024, 3:36 PM IST

રાજકોટ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતનું લાઈટ બિલ ટૂંક સમયમાં શૂન્ય થવા જઈ રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયત તંત્ર દ્વારા આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી ગ્રામ પંચાયતને વધારાની આવક થવાનો પણ અંદાજ છે. જાણો રાજકોટ જિલ્લા પંચાયત તંત્રનો મહત્વનો નિર્ણય શું ?

Solar rooftop
Solar rooftop

તમામ ગ્રામ પંચાયતનું લાઈટ બિલ શૂન્ય થશે

રાજકોટ :રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતી તમામ ગ્રામ પંચાયતોમાં સોલાર પેનલ એટલે કે સોલાર રૂફટોપ લગાવવામાં આવશે. આ સોલાર રૂફટોપના કારણે ગ્રામ પંચાયતમાં આવતો લાખો રૂપિયા લાઈટ બિલનો ખર્ચ ટળશે તથા ગ્રામ પંચાયતોને નવી આવક પણ થશે. અત્યાર સુધીમાં લગભગ 100 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં સોલાર પેનલ લાગી ચૂકી છે. તેમજ આગામી દિવસોમાં જિલ્લાની તમામ ગ્રામ પંચાયતનું લાઈટ બિલ શૂન્ય થઈ જશે.

વહીવટી તંત્રનો નિર્ણય : આ અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ 594 જેટલી ગ્રામ પંચાયતો છે. જ્યારે અમે આ ગ્રામ્ય પંચાયતનો અભ્યાસ કર્યો ત્યારે સામે આવ્યું કે દર વર્ષે અંદાજે ત્રણથી ચાર કરોડ રૂપિયા ગ્રામ પંચાયતનું લાઈટ બિલ આવે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજ્ય સરકારની મળતી ગ્રાન્ટનું પ્લાનિંગ કર્યું હતું. ત્યારબાદ રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે આ મામલે બેઠક કરી હતી.

લાઈટ બિલ શૂન્ય થશે :દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવ્યો કે, આગામી દિવસોમાં રાજકોટ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં 100 ટકા સોલર રૂફટોપ લગાવવામાં આવશે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં 100 કરતા વધુ ગ્રામ પંચાયતોમાં સોલાર પેનલ લાગી ગઈ છે. જેમાં કેટલીક ગ્રામ પંચાયતમાં હાલ લાઈટ બિલ શૂન્ય આવે છે. આ સાથે જ સોલર રૂફટોપ લગાવવાના કારણે ગ્રામ પંચાયતોને નવી આવકનો સ્ત્રોત મળ્યો છે.

વધારાની આવકનો સ્ત્રોત : જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષના એપ્રિલ માસ સુધીમાં રાજકોટ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ જશે. આ માટે અંદાજે રૂપિયા 8.8 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સોલાર સિસ્ટમથી વીજળી મળવાના કારણે વીજ બિલમાં જિલ્લા પંચાયતને વર્ષે રુ. 4 કરોડનો ફાયદો થશે. હાલમાં એક પંચાયતમાં ત્રણ કેવીના સોલાર લગાવવાનો ખર્ચ રૂપિયા 1.20 લાખથી 1.40 લાખ જેટલો થાય છે.

  1. Rajkot News: મનપા બેઠકમાં પ્રદ્યુમ્ન પાર્ક ઝુ રામવન સહિતના સ્થળોએ ટિકિટના ભાવવધારાની દરખાસ્ત ફગાવાઈ
  2. Unique celebration : રાજકોટમાં 31stની અનોખી ઉજવણી, વિદ્યાર્થીઓએ વસ્ત્રોનું દાન કર્યું

ABOUT THE AUTHOR

...view details