ગુજરાત

gujarat

Muslim Shiva Devotee : રાજકોટના મુસ્લિમ શિવભક્તે જીત્યા દિલ, દરરોજ 11 કિમી ચાલીને જાય છે શિવ મંદિર

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 12:13 PM IST

શ્રાવણ માસમાં મહાદેવની પૂજાનું ખાસ મહત્વ છે. ત્યારે રાજકોટના એક મુસ્લિમ શિવભક્તની આસ્થા લોકોના દિલ જીતી રહી છે. અહેસાનભાઈ છેલ્લા 25 વર્ષથી દરેક શ્રાવણ માસમાં દરરોજ 11 કિલોમીટર ચાલીને ઈશ્વરીયા મહાદેવના મંદિરે દર્શનાર્થે જાય છે. જાણો અહેસાનભાઈની અનોખી આસ્થાની કથા ETV BHARAT ના ખાસ અહેવાલ...

Muslim Shiva Devotee
Muslim Shiva Devotee

રાજકોટના મુસ્લિમ શિવભક્તે જીત્યા દિલ

રાજકોટ :હાલ શ્રાવણ મહિનો ચાલુ છે. એવામાં શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું અનેરૂ મહત્વ છે. ત્યારે રાજકોટના એક એવા મુસ્લિમ આગેવાનની આપણે વાત કરશું કે, જેઓ દર વર્ષે શ્રાવણ માસમાં દરરોજ 11 કિલોમીટર ચાલીને શિવજીને મંદિરે જાય છે. છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી તેઓ આવી અનોખી ભક્તિ શિવજી પ્રત્યે ધરાવે છે. રાજકોટના અહેસાનભાઈ ચૌહાણ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેઓને મહાદેવ પ્રત્યેનો લગાવ હતો. રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલા ઈશ્વરીયા મહાદેવ ખાતે તેઓ ચાલીને દર્શનાર્થે જતા હતા. હાલ 25 વર્ષ વિત્યા બાદ પણ તેઓ દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો ઈશ્વરીયા મહાદેવના દર્શન કરવા ચાલીને 11 કિલોમીટર ચાલીને જાય છે.

દરરોજ 11 કિમી ચાલીને જાય છે શિવ મંદિર

મુસ્લિમ શિવભક્ત :આ અંગે અહેસાનભાઈ ચૌહાણે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું સ્કૂલમાં અભ્યાસ કરતો ત્યારથી જ મારા મિત્રો મહાદેવજીના ભક્ત હતા. ત્યારથી હું પણ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરું છું. હું છેલ્લા 25 વર્ષથી દર વર્ષે શ્રાવણ માસમાં દરરોજ 11 કિલોમીટર ચાલીને ઇશ્વરિયા મહાદેવના દર્શને જાઉં છું. મારું ઘર ઈશ્વરીયા મહાદેવના મંદિરથી 11 કિલોમીટર દૂર છે. ત્યારે સવારે 6:30 વાગ્યાની આસપાસ હું ઘરેથી નીકળું છું અને મંદિરે પહોંચું છું.

જ્યારે મારું આમ કરવા પાછળનો મુખ્ય હેતુ દેશમાં હિન્દુ મુસ્લિમની કોમી એકતા જળવાઈ રહે અને લોકો ધર્મના નામે લડે નહીં તે છે. હું રમઝાન મહિનામાં રોઝા રાખીને નમાઝ પણ પડું છું અને શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા પણ કરું છું. -- અહેસાનભાઈ ચૌહાણ

નિસ્વાર્થ સેવા : અહેસાનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં લોકોએ જો વિરોધ કરવો હોય તો મોંઘવારી ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓ છે. પરંતુ કોમવાદના નામે એકબીજા સાથે લડવું ન જોઈએ. હું શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરે તો જાઉં છું. આ સાથે જ હું વૃદ્ધો અને દિવ્યાંગોને વિવિધ તીર્થ સ્થળોની મુલાકાત પણ નિશુલ્ક કરાવું છું. જેમાં ઘેલા સોમનાથ, ચોટીલા, વીરપુર સહિતના તીર્થ સ્થળોએ હું દિવ્યાંગો અને વૃદ્ધોને મુલાકાત કરાવતો હોઉં છું.

25 વર્ષની ભક્તિ : ઉલ્લેખનીય છે કે, અહેસાનભાઈ ચૌહાણ છેલ્લા 25 વર્ષથી ઈશ્વરીયા મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરવા માટે જાય છે. રમઝાન માસમાં તેઓ રોજા પણ રહે છે. ભગવાનને એક માત્ર પ્રાર્થના કરી છે કે, દેશમાં કોમી એકતા જળવાઈ રહે. ત્યારે શ્રાવણ માસ આવતા શિવજીના આ અનોખા ભક્ત ફરી ચર્ચામાં આવ્યા છે.

  1. Okheshwar Mahadev Mandir: સુરતમાં લંડનના શિવભક્ત પોલીસ અધિકારીએ કરી શિવપૂજા, સનાતન ધર્મની કરી પ્રશંસા
  2. Baba Kedarnath : 19 વર્ષીય યુવાન ધગધગતા તાપમાં સુરતથી સાઈકલ લઈને કેદારનાથ દર્શને નીકળ્યો

ABOUT THE AUTHOR

...view details