ગુજરાત

gujarat

Rajkot Lok Mela: 'રસરંગ લોકમેળા-2023'ને લઈ તડામાર તૈયારી, સૌરાષ્ટ્રવાસીઓ ફરી હિલોળે ચડશે

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 9:42 AM IST

દર વર્ષે રાજકોટમાં લોક મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રનું માનવ મહેરામણ ભેગું થાય છે. આ વખતે પણ કરવામાં આવશે મેળાનું આયોજન. જાણો આવો છે રાજકોટના મેળાનો ઇતિહાસ

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો યોજાય છે રાજકોટમાં, જાણો આવો છે ઇતિહાસ
સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો યોજાય છે રાજકોટમાં, જાણો આવો છે ઇતિહાસ

રાજકોટ:રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ રેસકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે. ઉંચા ઉંચા ફજર, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ. એક અંદાજ મુજબ દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે. નાના બાળકોથી માંડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસીઓ માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે. જેમ શિયાળોએ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે. એમ પ્રત્યેક રાજકોટવાસીઓ માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે.

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો યોજાય છે રાજકોટમાં,

વર્ષ 1953 થી યોજાય છે લોકમેળો:રાજકોટના મેળાનો ઇતિહાસ જોઈએ તો 1953 સુધી શહેરના વિવિધ સંસ્થાઓ દ્વારા લોકમેળાનું શાસ્ત્રી મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે વર્ષ 1984માં રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે જ લોક મેળો યોજવામાં આવ્યો. તેમજ આ પ્રકારના આયોજનનું 1985 માં પણ પુનરાવર્તન કરાયું હતું. વર્ષ 1986 થી સરકારી અધિકારીઓની વિવિધ સમિતિ દ્વારા આયોજનબદ્ધ રીતે લોકમેળો યોજાવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી રાજકોટના આ લોકમેળો રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે.

3 દિવસનો મેળો પછી 5 દિવસનો કરાયો

2003થી રેસકોર્સ ખાતે યોજાયો લોકમેળો: રાજકોટમાં શરૂઆતથી જ લોકમેળો શાસ્ત્રી મેદાનમાં યોજાતો હતો. જ્યારે આ મેળો એટલો લોકપ્રિય બન્યો કે તેમાં વધુમાં વધુ લોકો દર વર્ષે આવતા ગયા અને ત્યારબાદ વર્ષ 2003થી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવે છે. જ્યારે આ લોકમેળાનો સમયગાળો ત્રણ દિવસથી વધારીને 5 દિવસનો કરવામાં આવ્યો હતો. કોરોનાની મહામારી દરમ્યાન 2 વર્ષ આ લોક મેળો યોજવામાં આવ્યો ન હતો. બે વર્ષ સુધી લોકમેળો નહીં યોજવામાં આવતા સહેલાણીઓમાં ભારે નિરાશા પણ જોવા મળી હતી. ત્યારે હવે કોરોના મહામારી ગયા બાદ ફરી લોકમેળો યોજવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે રોજગારી:વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવતા આ સાંસ્કૃતિક લોકમેળામાં પ્લોટ તથા સ્ટોલની ફાળવણી ડ્રો અને હરરાજી જેવી સિસ્ટમથી પારદર્શક રીતે થાય છે. ત્યારે આ વર્ષે તા. 05 થી 09 સપ્ટેમ્બર, 2023 એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 04 પ્લોટ, નાની ચકરડી 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવશે. જ્યારે ખાણીપીણીના 37 સ્ટોલ, યાંત્રિક 44 પ્લોટ, આઈસ્ક્રીમના 16 પ્લોટ, ફૂટ કોર્ટના 03 પ્લોટ, 01 ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવશે.

લોકમેળાનું A ટુ Z

1200 પોલીસ કર્મીઓ રહેશે ખડેપગે: લોકમેળામાં લોકોને મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકમેળામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 03 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ, 1047 પોલીસ, 77 એસ.આર.પી. સહિત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 100 ખાનગી સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે 18 વોચ ટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂપિયા 4 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે.

17 સ્થળોએ પાર્કિંગ સુવિધા ઉભી કરાઈ:આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી 17 જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજૂરી અપાશે. લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઈડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદી જુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણ ની કામગીરી કરશે.

સ્ટોલની ફાળવણી:લોકમેળા સમિતિ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરી પ્રદર્શન સ્ટોલ ફાળવાશે. જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પ્રદર્શિત કરવામાં આવશે. 13 જેટલી સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. મહિલા તથા નાના કારીગરોની રોજગારી તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા આર્થિક વિકાસ નિગમ અને ઇન્ડેક્ષ્ટ-સી ને સ્ટોલ ફાળવાયા છે.

10 લાખથી વધુની જનમેદની ઉમટી પડી હતી: રાજકોટ લોક મેળાની વાત કરવામાં આવે તો દર વર્ષે અંદાજે 10 લાખથી વધુ લોકો આ લોકમેળાની મુલાકાત લેતા હોય છે. એવામાં ગત વર્ષે માત્ર એક જ દિવસ એવા આઠમના દિવસે 3 લાખ કરતાં વધુ લોકોએ આ લોકમેળાની મજા માણી હતી. ત્યારે આ વર્ષે પણ 10 થી 12 લાખ લોકો સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ ખાતેના લોકમેળામાં ઉમટી પડે તેવી શક્યતા વહીવટી તંત્ર દર્શાવી રહ્યું છે. રાજકોટના લોકમેળાની તૈયારીઓને હવે વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એવામાં લોક મેળાની મજા માણવા માટે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રવાસીઓ પણ થનગની રહ્યા છે.

  1. Porbandar News: પોરબંદરમાં યોજાશે જન્માષ્ટમીનો લોકમેળો, તારીખ 6 થી 10 સપ્ટેમ્બર સુધીનો કાર્યક્રમ જાહેર
  2. Kumbh Mela : આઈ શ્રી ખોડીયારના આંગણે મીની કુંભ મેળાને લઈને તડામાર તૈયારીઓ

ABOUT THE AUTHOR

...view details