ગુજરાત

gujarat

કાગવડ ખાતે આવેલું ખોડલધામ મંદિર 8 જૂનથી ભક્તો માટે ખુલ્લું મૂકાશે

By

Published : Jun 7, 2020, 8:02 PM IST

કોરોના વાઇરસની મહામારીના કારણે થયેલા તબક્કાવાર પાંચ લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા અનલોક-1ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમુક સાવચેતીના નિયમોનું પાલન કરવાની સાથે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આથી આગામી સોમવારથી સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે ખોલવામાં આવશે.

રાજકોટ: કાગવડ ખાતે આવેલુ ખોડલધામ મંદિર સોમવારથી ખોલવામાં આવશે
રાજકોટ: કાગવડ ખાતે આવેલુ ખોડલધામ મંદિર સોમવારથી ખોલવામાં આવશે

રાજકોટ: અનલોક-1માં સરકાર દ્વારા અમુક છૂટછાટ આપવામાં આવી છે. જેના ભાગરૂપે આગામી સોમવારથી દેશભરમાં મંદિરો ખોલવામાં આવશે. આથી રાજકોટમાં આવેલું સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર એવું ખોડલધામ મંદિર પણ દર્શનાર્થી માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીમંડળ દ્વારા તમામ ગાઈડલાઈન્સના પાલન સાથે મંદિર પરિસર ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટ્રસ્ટનાના નિર્ણયને ભકતો પણ આવકારી રહ્યા છે.

ગત ૨૦ માર્ચથી ખોડલધામ મંદિર કોરોના વાઇરસ મહામારીના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. હવે જ્યારે 80 દિવસ બાદ 8 જૂનથી ખોડલધામ મંદિર ખુલી રહ્યું છે ત્યારે દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

જો કે, હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. ભક્તો માટે સવારના ૬-૩૦થી સાંજના ૬-૩૦ સુધી જ મંદિર પરિસર દર્શન માટે ખુલ્લું રહેશે. મંદિરમાં સવારે અને સાંજે થતી આરતીના દર્શન હાલ કોઈ ભક્ત નહીં કરી શકે.

મંદિરના પ્રવેશદ્વાર પર થર્મલ ગનથી તમામ ભક્તોના શરીરનું તાપમાન માપવામાં આવશે અને જો વધુ તાપમાન જણાય તો મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઈઝરથી ધોવડાવીને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પરિસરમાં પ્રવેશનાર દરેક ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને અંદર પ્રવેશ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવું પડશે.

આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા પણ મંદિર પરિસરમાં ભકતો વધુ સંખ્યામાં એકઠા ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને દર્શન ગૃહમાં દર્શનાર્થી વચ્ચે જરૂરી અંતર જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે. હાલ મંદિરે થતાં ધ્વજારોહણ કાર્યક્રમમાં ફક્ત પાંચ લોકો જ ઉપસ્થિત રહીને ધ્વજારોહણ કરે તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિરના અન્નપૂર્ણાલય અને પ્રસાદઘર હાલ નહીં ખુલે.

આગામી સમયમાં સરકાર દ્વારા જે નિયમો જણાવવામાં આવશે અને ટ્રસ્ટી મંડળ દ્વારા જે નિર્ણય લેવાશે તે પ્રમાણે મંદિરનું સંચાલન થશે.

ABOUT THE AUTHOR

...view details