ગુજરાત

gujarat

Porbandar Crime : પોરબંદર લોકમેળામાં ફાયર સેફટી ઓફિસર પર હુમલો કરનાર ટોળકીની કરાઇ અટકાયત

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 5:35 PM IST

પોરબંદરમાં થોડા દિવસ પહેલાં પાથરણા ધંધાર્થીઓને જન્માષ્ટમી મેળામાંથી હટાવાયાં હતાં. ત્યારે આ વાતનો ખાર રાખી કેટલાક લોકોએ ફાયર ઓફિસરને માર મારવાનો બનાવ બન્યો હતો. આ ઘટનાને લઇને નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ સાત હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યાં હતાં.

Porbandar Crime : પોરબંદર લોકમેળામાં ફાયર સેફટી ઓફિસર પર હુમલો કરનાર સાતની અટકાયત
Porbandar Crime : પોરબંદર લોકમેળામાં ફાયર સેફટી ઓફિસર પર હુમલો કરનાર સાતની અટકાયત

સાત હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યાં

પોરબંદર : પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જન્માષ્ટમી લોકમેળામાં ફાયર સેફટી ઓફિસર પર ટોળાએ હુમલો કર્યો હતો. ફાયર સેફ્ટી ઓફિસર મેળામાં કાર લઈ નીકળતા હતા ત્યારે ટોળાએ માર મારવાની ઘટના બની હતી. ગંભીર રીતે ઘવાયેલ ફાયર સેફ્ટી ઓફિસરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આ બાબતમાં સાત લોકોની પોલીસે અટકાયત કરી છે. જોકે પકડાયેલા હુમલાખોરે ફાયર સેફટી ઓફિસર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે. જેની પણ તપાસ કરવામાં આવશે.

પોરબંદરના લોકમેળામાં ફાયર સેફ્ટી ઓફિસર રાજવીર ગોહેલ પર હુમલો થયો ત્યારે તે પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ હુમલો કરનારાઓએ કર્યો છે. આ બાબતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. પરંતુ આ તમામ બાબતે તપાસ કરવામાં આવશે.. વિજયસિંહ પરમાર (પીઆઈ, કમલાબાગ પોલીસ મથક)

ફાયર સેફટી ઓફિસર પર હુમલો : પોરબંદરના લોકમેળામાં શરૂઆતમાં જ પાથરણા ધંધાર્થીઓને બેસવા દેવા માટે વિવાદ થયો હતો. પોરબંદરના મેળા ગ્રાઉન્ડમાં ફાયર ઓફિસર રાજવીર ગોહેલ અને તેની ટીમ દ્વારા પાથરણા ધંધાર્થીઓને હટાવવામાં આવ્યા હતાં. જે બાબતનું મનદુઃખ રાખી બે દિવસ અગાઉ ફાયર સેફટી ઓફિસર રામદેવજી મંદિર પાસેથી પસાર થયા હતાં ત્યારે ફાયર સેફ્ટી ઓફિસરની ગાડી રોકાવી ટોળાએ હુમલો કર્યો હતો.

કમલાબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી : આ હુમલામાં ફાયર ઓફિસર રાજવીર ગોહેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓનેે તાત્કાલિક પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ ઘટનામાં ફાયર સેફટી વિભાગની કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતાં અને કમલાબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.

પોરબંદર જન્માષ્ટમી મેળામાં પાથરણા ધંધાર્થીઓને જગ્યા ફાળવવામાં ન આવતા રોષે ભરાયા હતાં. પ્રથમ દિવસે જ તંત્ર દ્વારા હટાવવાની કામગીરીમાં જોડાયા હતાં જેનો ખાર રાખી ફરી ત્યાંથી નીકળ્યા ત્યારે પાથરણાધારકોને સાઈડમાં બેસવા ટકોર કરતાં આ એજ વ્યક્તિ છે જેને આપણને હટાવ્યા હતાં તેમ કહી ટોળા એ હુમલો કર્યો હતો... રાજવીર ગોહેલ(ફાયર સેફ્ટી ઓફિસર, પોરબંદર)

હુમલો કરનાર સાત શખ્સો ઝડપાયા : પોરબંદર ફાયર ઓફિસર રાજવીર ગોહિલ પર હુમલો કરનાર સાત શખ્સોને કમલાબાગ પોલીસે ઝડપી લીધા હતાં. જેમાં પોરબંદરની વિવિ બજારમાં રહેતા લખમણ ભીખુ ચુડાસમા તથા મનીષ હરદાસ મોકરીયા અને ચેતન ભાવેશ સોલંકી તથા કેતન ભાવેશ સોલંકી ઉપરાંત ચાંદીગઢ પાટીયા કેશોદના રહેવાસી સુભાસ સૂરજગીરી ગોસ્વામી, મુકેશ બીજગિરી ગોસ્વામી, ગૌતમગીરી સુરેશગીરી ગોસ્વામીની અટકાયત કરવામાં આવી છે.

  1. Surat Crime: પાથરણા બાબતે બે જુથ વચ્ચે પથ્થરમારો, ચૌટા બજાર સંવેદનશીલ
  2. Porbandar Janmashtami Mela : પોરબંદર જન્માષ્ટમી મેળો શરૂ થાય તે પહેલાં જ વિવાદ, પાથરણાંવાળાને હટાવતાં કોંગ્રેસે વિરોધ કર્યો
  3. Porbandar News : વિધાર્થીઓને સમયસર બસ નહિ મળતા પોરબંદર NSUI કાર્યકર્તાઓએ એસ.ટી બસોમાં લીંબુ-મરચા બાંધી કર્યો વિરોધ

ABOUT THE AUTHOR

...view details