ગુજરાત

gujarat

સાત વર્ષ પહેલા અકસ્માત સર્જી છ લોકોની જિંદગી છીનવી લેનાર આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 1:22 PM IST

Updated : Nov 29, 2023, 3:13 PM IST

પોરબંદરમાં સાત વર્ષ પહેલા એક ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક રોંગ સાઈડમાં બસ ચલાવી એક કારને અડફેટે લેતાં છ વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા હતા. જે મામલે પોરબંદર સેશન કોર્ટે વાહનચાલક આરોપી ધર્મેન્દ્રસિંહને 10 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકાર્યો છે.

સાત વર્ષ બાદ અકસ્માતના આરોપીને 10 વર્ષની સજા
સાત વર્ષ બાદ અકસ્માતના આરોપીને 10 વર્ષની સજા

સાત વર્ષ બાદ અકસ્માતના આરોપીને 10 વર્ષની સજા

પોરબંદર: શહેરમાં 18 મેના રોજ સાંજના સાડા ચાર વાગ્યે ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે રાણાવાવ નજીક હનુમાનગઢની ગોળાઈ પાસે બેદરકારીપૂર્વક રોંગ સાઈડમાં બસ ચલાવી એક કારને અડફેટે લેતા કારમાં સવાર છ વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા હતા અને એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બાબતે પોરબંદર સેશન કોર્ટે ચૂકાદો આપતાં વાહનચાલક આરોપીને 10 વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ક્યારે બની હતી ઘટના:પોરબંદરમાં સાત વર્ષ પહેલા પોરબંદરના રાણાવાવથી ભાણવડ જતા રસ્તા પર હનુમાન ગઢ ગામે સાજણવાળી નેશના રસ્તા પર એક ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાએ 18 મે 2017ના રોજ સાંજે 4:30 કલાકે બેદરકારીપૂર્વક બસ ચલાવી સામેથી આવતી કારને અડફેટે લીધી હતી. જેમાં કારમાં સવાર જયદીપ સિસોદિયા, પુરીબેન સિસોદિયા, અંકિત સિસોદિયા, લાખીબેન સિસોદિયા તથા અશ્વિનભાઈ સિસોદિયા તથા સવધીબેન સિસોદિયાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે સંજય વાળોતરીયાને શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી. અકસ્માત બાદ ટ્રાવેલ્સ ચાલક નાસી ગયો હતો. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની અટકાયત કરવામાં આવી હતી.

સરકારી વકીલની રજૂઆતો:પોરબંદર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં સરકાર તરફથી એડિ. પબ્લિક પ્રોસિક્યુટર વકીલ અનીલ .જે. લીલાએ આ બાબતે ધારદાર રજૂઆતો કરી હતી અને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં કારમાં સવાર સાત જેટલા વ્યક્તિઓ ત્રણ સ્ત્રીઓ, બે યુવાનો અને એક સગીર બાળક હતો. જેમાંથી છ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને એકને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં પોરબંદરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરસી સિસોદિયાનો પરિવાર ધાર્મિક પ્રસંગે જતા હતા તે સમયે આ ઘટના બની હતી. નામદાર કોર્ટમાં અમારી દલીલો અને જરૂરી દસ્તાવેજી મૌખિક પુરાવાઓ ધ્યાને લઈને અમદાવાદના વિશ્મય શાહ કેસનો ચુકાદો ટાંકેલો હતો. જેમાં અકસ્માત સર્જનાર અકસ્માતમાં ગંભીર ઘવાયેલાઓને છોડીને નાસી ગયો હતો.

નામદાર કોર્ટના જજ આર ડી પંચાલે સમગ્ર ઘટનાને ધ્યાને લઈ મોટર વ્હિકલ એક્ટની કલમો 183, 184, 177, 134, તેમજ IPC 304, 337, 338, 279 તથા ઇ.પી.કો કલમ 304 મુજબ આરોપી ધર્મેન્દ્રસિંહને 10 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે જે એક ઐતિહાસિક ચૂકાદો છે.

  1. ગુજરાત હાઈકોર્ટે મસ્જિદોમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધની PIL ફગાવી
  2. મહીસાગરના સોનેલા પાસે બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, બે સગા ભાઈઓ મોતને ભેટ્યા
Last Updated :Nov 29, 2023, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details