ગુજરાત

gujarat

સિધ્ધપુરના કાત્યોકના મેળામાં ચગડોળનું પાંજરું ખુલી જતાં માતા અને બાળકો ઇજાગ્રસ્ત, ફિટનેસ સર્ટિફિકેટ તપાસ થઇ હતી?

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 3:47 PM IST

સિધ્ધપુરના કાત્યોકના મેળામાં ચકડોળનું પાંજરું ખુલી જવાથી માતા સહિત બે બાળકો બહાર ફંગોળાયાં હતાં. ઈજાગ્રસ્ત માતા અને તેમના બે બાળકો પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ રાઇડ્સની ફિટનેસની ચકાસણી જવાબદાર સત્તાધીશોએ કરી હતી કે નહીં તેને લઈ લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે.

સિધ્ધપુરના કાત્યોકના મેળામાં ચગડોળનું પાંજરું ખુલી જતાં માતા અને બાળકો ઇજાગ્રસ્ત, ફિટનેસ સર્ટિફિકેટ તપાસ થઇ હતી?
સિધ્ધપુરના કાત્યોકના મેળામાં ચગડોળનું પાંજરું ખુલી જતાં માતા અને બાળકો ઇજાગ્રસ્ત, ફિટનેસ સર્ટિફિકેટ તપાસ થઇ હતી?

પાટણ : સિધ્ધપુરના કાત્યોકના મેળામાં ગત રાત્રે ટોયાટોયા ચકડોળનું પાંજરું ખુલી ગયું હતું. જેના કારણે માતા સહિત બે બાળકો બહાર ફંગોળાયાં હતાં. આ દુર્ઘટનાને પગલે મેળામાં દોડધામ સાથે ભારે બૂમરાણ મચી ગઇ હતી. ઈજાગ્રસ્ત માતા અને તેમના બે બાળકોને તાત્કાલિક સારવાર અર્થે સિદ્ધપુરની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. ચકડોળમાંથી બહાર ફેંકાવાની આ દુર્ઘટનાને પગલે રાઇડ્સની ફિટનેસની ચકાસણી જવાબદાર સત્તાધીશોએ કરી હતી કે નહીં તેને લઈ લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે.

માતા સહિત બે બાળકો બહાર ફંગોળાયાં

મેળામાં પ્રથમવાર બની દુર્ઘટના : અમદાવાદના કાંકરિયા ખાતે રાઇડ્સમાં સર્જાયેલ દુર્ઘટના બાદ જાગેલી સરકારે લોકોના મનોરંજન માટે ભરાતા મેળાઓમાં આવી રાઈડસો લગાવાય તે પહેલા તેની ચકાસણી કરવા જવાબદાર અધિકારીઓને સૂચનો કરવામાં આવેલાં છે અને કડક કાયદાઓ બનાવ્યાં છે. છતાં મેળાના સંચાલકો અને જવાબદાર અધિકારીઓ લોકોના જીવને જોખમમાં મૂકી રાઈડસોની ચકાસણી વગર મંજૂરી આપતા હોવાની પ્રતીતિ કરાવતો બનાવ ગત રાત્રે સિદ્ધપુરના પ્રસિદ્ધ અને લાખોની માનવ મેદનીવાળા કાત્યોકના મેળામાં બન્યો છે.

ચકડોળનું પાંજરું ખુલીને બહાર પડ્યું :મેળામાં માતા સાથે આનંદ માણવા આવેલ માતા અને બાળકો સામાન્ય પરિવારના છે. માતા અને તેંના બે સંતાનો સિદ્ધપુરના કાત્યોક મેળામાં ગતરાત્રે ગયા હતા અને ત્યાં ટોયાટોયા નામની ડિસ્કો ચગડોળમાં બેઠા હતાં. આ ચગડોળ ચાલુ થયા બાદ આ પરિવાર જે પાંજરામાં બેઠું હતું તે પાંજરું અચાનક ખુલી જતા માતા અને બે નાના બાળકો બહાર ફંગોળાયાં હતાં.

ગરદન, પગે અને છાતીના ભાગે ફેક્ચર : માતા અને બાળકો બહાર ફેંકાયા હતાં તેની જાણ થતાં જ મેળામાં ભારે અફરાતફડી મચી હતી અને મેળામાં લગાવેલી અન્ય ચકડોળો પણ ફટાફટ બંધ કરી દેવામાં આવી હતી. જેને લઇ ભારે ઉત્તેજના છવાઈ હતી. ઇજાગ્રસ્ત બનેલ માતા અને બે બાળકોને તાત્કાલિક 108 મારફતે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતાં.અહીંથી ત્રણેયને પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ત્રણે જણાંને ગરદન, પગે અને છાતીના ભાગે ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.

રાઇડ્સની પરવાનગીને લઈ અનેક ચર્ચાઓ : આ દુર્ઘટના બાદ લોકોમાં એવી ચર્ચાઓ જાગી રહી છે કે મેળા પૂર્વે જગ્યાની ફાળવણી સમયે વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં જાહેર હરાજી રાખવામાં આવે છે અને નીતિનિયમો પ્રમાણે નાની અને મોટી રાઇડ્સના ધંધાર્થીઓને મંજૂરી અપાય છે. જે તે રાઇડ્સની ફિટનેસની પણ ચકાસણી કરવાની હોય છે. ત્યારે સિદ્ધપુરના મેળામાં જવાબદાર અધિકારીઓ દ્વારા આ નીતિનિયમોનું પાલન કરવામાં આવ્યુ છે કે નહીં? રાઇટ્સની ફિટનેસની ચકાસણી કરી છે કે નહીં? તેવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે.

પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા: સિદ્ધપુરના કાત્યોક મેળામાં સર્જાયેલી આ દુર્ઘટના મામલે સિદ્ધપુર પ્રાંત અધિકારીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દુર્ઘટના મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા છે અને મારી ટીમ દ્વારા પણ થર્ડ પાર્ટી ચકાસણી કરવામાં આવી રહી છે. તો પોલીસ પણ આ દિશામાં ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. દુર્ઘટનામાં માનવ સર્જિત ભૂલ છે કે ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની છે. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં મિકેનિકલ ખામી સામે આવશે તો તેના સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

  1. કાંકરિયા રાઇડમાં જીવ ગુમાવનાર યુવકને 4 લાખની સહાય
  2. Ahmedabad Corporation decision : ફરી શરૂ થશે રાઈડ્સ, ફરી એ જ કોન્ટ્રાક્ટરને સોંપાઈ કામગીરી

ABOUT THE AUTHOR

...view details