ગુજરાત

gujarat

શંખેશ્વરને જોડતો રૂની મુજપુર માર્ગ ખખડધજ હાલત તો જૂઓ, તંત્ર આળસ ખંખેરે તેવી સ્થાનિકોની માગ

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 3:11 PM IST

જૈનોના તીર્થ સ્થળ શંખેશ્વરથી રૂની મુજપુર માર્ગ ઘણા વર્ષોથી બિસ્માર બન્યો છે. અનેક રજૂઆતો છતાં કોણ જાણે કેમ તંત્ર નિંભર રહ્યું છે. વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ વાહનચાલકો બની રહ્યાં છે.

શંખેશ્વરને જોડતો રૂની મુજપુર માર્ગ ખખડધજ હાલત તો જૂઓ, તંત્ર આળસ ખંખેરે તેવી સ્થાનિકોની માગ
શંખેશ્વરને જોડતો રૂની મુજપુર માર્ગ ખખડધજ હાલત તો જૂઓ, તંત્ર આળસ ખંખેરે તેવી સ્થાનિકોની માગ

વહીવટી તંત્રની બેદરકારીનો નમૂનો

પાટણ : પાટણ જિલ્લાનું શંખેશ્વર ધામ જૈન સમાજનું તીર્થ ધામ છૅ અને આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થાનકે વર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં જૈન સમાજ સહિત અન્ય લોકો પણ દર્શનાર્થે આવતા જતા હોય છે. ત્યારે હારીજથી મુજપુર -રૂની થઇ શંખેશ્વર જતો માર્ગ વાહનચાલકો મોટા ભાગે પસંદ કરે છે. જેને લઇ આ માર્ગ પર વાહનોની ખૂબ જ અવરજવર રહે છે. પણ આ સિંગલ પટ્ટી રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. માર્ગ પર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે જેને લઇ આ માર્ગ પરથી નાના વાહનોથી લઇ મોટા વાહનો પર સવાર થઇ જવું પણ હવે જોખમી બનવા પામ્યું છે.

માર્ગ બન્યો મગરની પીઠ :મુજપુરથી રૂની તરફનો 10 કિલો મીટરનો રસ્તો બિલકુલ બિસ્માર અને ખખડધજ હાલતમાં છે. જે માર્ગ પરથી લોકો જીવના જોખમે પસાર થઇ શંખેશ્વર ધામ ખાતે પહોંચે છે.

નવીન રોડ બનાવવા માંગ ઉઠી :હારીજથી શંખેશ્વર જવા માટે આ સિંગલ પટ્ટી રોડ જે મુખ્ય માર્ગ કરતા કિલોમીટર ઓછા કાપી શંખેશ્વર પહોંચી શકાય તેમ હોઈ આ રસ્તાનો ઉપયોગ લોકો વધુ કરી રહ્યા છે. પણ હાલ આ રોડ બિસ્માર હાલત બની જતા વાહનચાલકો જીવના જોખમે પણ આ રોડ પરથી પસાર થવા મજબૂર બનવા પામ્યા છે. આ માર્ગ પર આવતા ગામોના લોકોને તો રોજે રોજ આ જ માર્ગનો ઉપયોગ કરવાનો હોઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બિસ્માર માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

નવીન રોડ માટે દરખાસ્ત કરાઈ છે :શંખેશ્વરથી રૂની મુજપુર અંગે પાટણ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના અધિકારી એસ.જી. વાયડાએ જણાવ્યું હતું કે રૂનીથી રણોદ અને રૂનીથી મુજપુર રસ્તો માર્ગ મકાન વિભાગ પંચાયત પાટણ હસ્તકનો છે.

રૂની રણોદ રસ્તા પર સરકાર દ્વારા રીસરફેસિંગની કામગીરી મંજૂર કરવામાં આવી છે. જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત રૂનીથી મુજપુર માર્ગ ઉપર રસ્તો નવીન બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. કામ મંજૂર થાય ત્યાં સુધી આ રસ્તા ઉપર ટ્રાફિક અને વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે મરામત કરવાની કામગીરી આગામી સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે...એસ.જી. વાયડા (પાટણ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ અધિકારી )

વાહનચાલકોની પરેશાન સામે તંત્ર ઉદાસીન : માર્ગ મકાન વિભાગ દ્વારા દ્વિમાર્ગી અને ચાર માર્ગે રોડ બનાવવામાં આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલા રોડની મરામત પણ કરતા નથી. ત્યારે હવે આ માર્ગ ક્યારે બનશે તેની રાહ જોઈને સ્થાનિકો તેમજ વાહનચાલકો બેઠા છે.

  1. Navsari News: જૈન તીર્થ ધામ શંખેશ્વર જવા માટે નવસારીથી બસ સેવાનો પ્રારંભ
  2. Kutch News : હાડકાંપાંસળા એક કરે તેવા રસ્તાઓને લઇ નગરજનો હાલાકીમાં, ભુજ નગરપાલિકાએ આપ્યું આવું આશ્વાસન

ABOUT THE AUTHOR

...view details