મોંમાં આવેલો કોળીયો છીનવાયો પાટણ : પાટણ જિલ્લામાં થયેલ પાછોતરા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયાને છીનવ્યો છે જેથી ખેડૂતોની માઠી દશા થઈ છે વરસાદને કારણે હારીજ પંથકના ખેતરો બેટમાં ફેરવાતા કઠોળ અડદ કપાસ ઘાસચારા સહિતના પાકો મોટાભાગે નિષ્ફળ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ઉધાડ બાદ પણ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી.
પાકને નુકસાન : પાટણ જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને પવનને કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે અડદ, મગ, તલ જેવા પાકો લણવાની તૈયારીઓ પર આવેલા હતા. અને કેટલાક ખેડૂતોના ખેતરોમાં કઠોળ પાક કાપણી કરેલા પડ્યા હતા તે સમયે જ વરસાદ વરસતા કઠોળ અડદ સહિતના પાક નિષ્ફળ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો હોવા છતાં ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી જેને લઇને ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
ખેડૂતોએ કરેલ ખર્ચ એળે ગયો :ખેડૂતોએ એક વિગે 10,000 નો ખર્ચો કર્યો છે અને સારા પાકની આશાઓ ઉઠવા પામી હતી પરંતુ પાછોતરા થયેલા વરસાદે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું છે. હારીજ પંથકમાં 31000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ સારી ઉપજની આશાએ વિવિધ ચોમાસુ પાકોનું વાવેતર કર્યું હતું. પણ આછોતરા વરસાદે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું છે અને મોટાભાગના પાકો નિષ્ફળ ગયા છે.
વરસાદે ખેતરોને પાણીથી ભરી મૂક્યાં ખેડૂતોએ સહાયની કરી માંગ :ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકો સુકાવા લાગ્યા છે. હારીજ તાલુકાના બોરતવાડા ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને ખેડૂતોએ આ પાકોને સળગાવી હોળી કરી હતી. ત્યારે ખેડૂતો ઉપર આવેલી આ કુદરતી આફતને દૂર કરવા સરકાર ખેડૂતોનો સહયોગી બની નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે.
રાધનપુરમાં તમામ ચોમાસુ પાકો નિષ્ફળ : તો રાધનપુર તાલુકામાં પણ પાછોતરા વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે. વરસાદને કારણે 500 હેકટરથી વધુ જમીનમાં કપાસ સહિતના અન્ય પાકોના વરસાદ અને પવનને કારણે ખેતરોમાં કપાસના આડા પડી ગયા છે. તો કેટલાક ખેતરોમાં પાણી ભરાઇ રહેવાને કારણે ઉભા પાકો પાણીમાં ગરકાવ થયા છે. આમ રાધનપુર તાલુકામાં પણ કપાસ સહિતના તમામ ચોમાસુ પાક નિષ્ફળ ગયા છે.
આ વિસ્તારમાં 32 હજાર હેક્ટર વીઘામાં વિવિધ પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. સારું ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતોને બંધાઈ હતી. પહેલા વરસાદ ખેંચાયો હતો, ત્યારબાદ ભાદરવા માસમાં થયેલ પાછોતરા વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે. વરસાદના કારણે ખેડૂતોની દિવાળી બગડી છે. માટે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ છે... માયાભાઈ ચૌધરી (ખેડૂત બોરતવાડા)
કોંગ્રેસના બે ધારાસભ્યોએ સહાયની માંગ કરી : પાટણ જિલ્લાના પાટણ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે પાછોતરા વરસાદથી ખેતીના પાકોને થયેલ નુકસાની બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક ધોરણે પાક નુકસાની સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.
સરકારની મદદની રાહ :હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લામાં થયેલા વરસાદે જગતના તાત એવા ખેડૂતોને રોવડાવ્યા છે. હાલ તો ખેડૂતો નિરાધાર બન્યા છે, ત્યારે હવે સરકાર ખેડૂતોની વ્હારે આવી નિષ્ફળ ગયેલ પાકોનો સર્વે કરાવી સહાય ચૂકવે છે કે નહીં તે જોવું રહ્યું.
- Bhavnagar Rain : ભાવનગરમાં કડાકા ધડાકા સાથે અનરાધાર વરસાદ, થોડી મિનિટના વરસાદે પાણી પાણી કર્યું
- Gujarat Government: નર્મદા પૂર મામલે સરકારે પાણી પહેલા પાળ બાંધી, મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર
- Weather Forecast Gujarat: મેઘરાજા થશે મહેરબાન, જાણો આજે ક્યાં પડી શકે છે વરસાદ?