ગાંધીનગર: તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કોઈ વિસ્તારમાં ભારે વરસાદ તો કોઈ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોના પાકને નુકશાની થઈ હતી. ત્યારે આ સમયે નર્મદા નદીમાં ભારે પુર આવ્યું હતું. જેના કારણે નર્મદા જિલ્લામાં બાગાયતી પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે સરકારે આ વિસ્તારની આસપાસના જિલ્લાના બાગાયતી પાકને થયેલા નુકસાન બાબતનું રાહત પેકેજ જાહેર કર્યું છે.
રાજ્ય સરકારના કૃષિ વિભાગે આપી માહિતી: તાજેતરમાં તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ 3 જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકને વ્યાપક નુકસાન તેમજ ખેતરમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા હતા. વધુમાં જણાવ્યું કે," અંદાજ અહેવાલોના સંદર્ભમાં રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોને થયેલા નુકસાન સામે સહાય રૂપ થવા માટે SDRF ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે. જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.
સંપૂર્ણ સહાય કેટલી ?: કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર બાગાયતી પાકના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાથી કે પછી વરસાદના કારણે કોઈ પણ રીતે નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા 22,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500 ની સહાય મળીને કુલ રૂપિયા 1,25,000 ની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં અપાશે.
DBT થી સહાય ચુકવવામાં આવશે: પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જ્યારે આવી અરજી VCE કે VLE મારફતે કરવાની રહેશે. તેમ જ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં, આવી અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ 31 ઓક્ટોબર 2023 સુધીમાં કરવાની રહેશે. આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBT થી ચૂકવવામાં આવશે.