ગુજરાત

gujarat

નવસારીમાં થર્ટી ફર્સ્ટે નશો કે પાર્ટી કરી તો ખેર નહી, પોલીસ રાખશે ચાંપતી નજર

By

Published : Dec 31, 2020, 7:46 AM IST

કોરોનાને કારણે વર્ષ 2020 ને લોકો એક ખરાબ સપનાની જેમ ભુલી જવા માંગે છે. જોકે વર્ષના અંતિમ મહિનામાં નવસારી જિલ્લામાં કોરોના થોડો શાંત થયો છે.ત્યારે નવસારીવાસીઓ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે નવા વર્ષને આવકારવા થનગની રહ્યા છે. જોકે નવા વર્ષને આવકારવામાં લોકો ભાન ન ભુલે અને દારૂ કે અન્ય નશો કરી ન ફરે એ હેતૂથી જિલ્લા પોલીસ એક્ટીવ બની છે.

નવસારી
નવસારી

જિલ્લામાં આવેલા 96 ફાર્મ હાઉસ ઉપર પોલીસની રહેશે નજર

પાર્ટી અને ડીજે વગાડવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ

ગુરૂવારે સાંજે 6 થી રાતે 12 વાગ્યા સુધી પોલીસ રહેશે એક્ટીવ

નવસારીમાં થર્ટી ફર્સ્ટે નશો કે પાર્ટી કરી તો ખેર નહી
નવસારી : વર્ષ 2020નો ગુરૂવારે અંતિમ દિવસ છે, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લોકો ઉત્સાહથી વિદાય આપી, હરખ સાથે નવા વર્ષને આવકારતા હોય છે. જેને લઇને પાર્ટીઓનું આયોજન પણ થતુ હોય છે. ત્યારે પોલીસે જિલ્લામાં આવેલા 96ફાર્મ હાઉસ શોધી કાઢ્યા છે અને અલગ-અલગ ટીમ બનાવી સાંજે 6 થી રાતે 12 વાગ્યા સુધી એક્ટીવ રહી, થર્ટી ફર્સ્ટે નવા વર્ષની ઉજવણી ઉપર ચાંપતી નજર રાખવાની યોજના ઘડી કાઢી છે.

ફાર્મ હાઉસમાં કરી છે પાર્ટી, તો જવું પડી શકે છે જેલ

નવસારી પોલીસે થર્ટી ફર્સ્ટે ન્યુ યર પાર્ટી કરનારાઓને શોધી કાઢવાની યોજના ઘડી કાઢી છે. જેમાં જિલ્લાના તમામ પોલીસ મથકોમાં બીટ અને ચોકી અનુસાર પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યુ છે. સાથે જ જિલ્લાના 6 તાલુકામાં આવેલા કુલ 96 ફાર્મ હાઉસને પોલીસે શોધ્યા છે.જેના પર પીએસઆઇ કક્ષાના અધિકારીની આગેવાનીમાં બનાવેલી ટીમ નજર રાખશે. જયારે સાંજે 6 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધીના સમયમાં નેશનલ હાઇ-વેથી લઇ જિલ્લાનાં આંતરિક માર્ગો પર પેટ્રોલિંગ સાથે જ દારૂ કે અન્ય નશો કરી છાકટા બની ફરનારાઓ પર ચાંપતી નજર રાખશે.

ત્રણ નાયબ પોલીસ અધિક્ષકના નિરિક્ષણ હેઠળ જિલ્લો વહેંચાયો

જિલ્લામાં 2020ના અંતિમ દિવસે પાર્ટી કરનારાઓ પર રોક લગાવવા જિલ્લા પોલીસ સતર્ક બની છે. સમગ્ર જિલ્લો ત્રણ નાયબ પોલીસ અધિક્ષકના નિરિક્ષણ હેઠળ વહેંચવામાં આવ્યો છે. જેમાં ડીવાયએસપી એસ. જી. રાણા નવસારી, જલાલપોર, નવસારી અને વિજલપોર શહેર, મરોલી વિસ્તારમાં કાર્યરત રહેશે, ડીવાયએસપી બી. એસ. મોરી નવસારી ગ્રામ્ય, ગણદેવી, બીલીમોરા, મરીન વિસ્તારમાં તેમજ ડીવાયએસપી આર. સી. ફળદુ ચીખલી, ખેરગામ અને વાંસદા વિસ્તારનો મોરચો સંભાળશે. જેમની સાથે નવસારી એલસીબી, એસઓજી, બે સીપીઆઇ સહિત પોલીસ મથકોના પીઆઇ, પીએસઆઇ તેમજ પોલીસ જવાનોની ટીમ સતત કાર્યરત રહેશે.

કોરોનાને ધ્યાને રાખી શાંતિપૂર્ણ રીતે નવા વર્ષને આવકારવા અપીલ

કોરોનાને કારણે તમામ તહેવારો સાદગીથી ઉજવવા પડ્યા છે, ત્યારે જિલ્લામાં પાર્ટી અને ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, સાથે જ જિલ્લામાં વિભિન્ન પોઈન્ટો બનાવી પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ કરવામાં આવશે. ખાસ કરીને 2020ની વિદાય અને 2021ને આવકાર પણ સાદાઇથી અને કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાને રાખીને ઉજવવામાં આવે એવી અપીલ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નવસારી જિલ્લાના તાલુકાઓમાં આવેલા ફાર્મ હાઉસોની આંકડાકિય માહિતી

તાલુકા વિસ્તાર ફાર્મ હાઉસ (સંખ્યામાં)

  • નવસારી (ગ્રામ્ય) 18
  • મરોલી 16
  • જલાલપોર 10
  • વિજલપોર 08
  • ગણદેવી 29
  • ચીખલી 13
  • વાંસદા 02
  • કુલ 96




ABOUT THE AUTHOR

...view details