ગુજરાત

gujarat

નવસારીમાં મેઘાની પધરામણી, વરસાદ બાદ બફારામાં લોકો શેકાયાં

By

Published : Jun 10, 2021, 2:01 PM IST

નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ પડું પડું થઈ રહ્યો છે, જેની સાથે ક્યાંક મેઘાની મહેર વરસી છે. આજે સવારે પણ નવસારી શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ બપોરે આકાશમાંથી કાળા વાદળો વિખેરાતા લોકો બફારા સાથે ગરમીમાં શેકાયા હતાં. જેથી નવસારીજનો ઉનાળો અને ચોમાસુ બે ઋતુઓનો અનુભવ કરી રહ્યાં છે.

નવસારીમાં મેઘાની પધરામણી, વરસાદ બાદ બફારામાં લોકો શેકાયાં
નવસારીમાં મેઘાની પધરામણી, વરસાદ બાદ બફારામાં લોકો શેકાયાં

  • નવસારી સહિત જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતાં ગરમીથી મળી મુક્તિ
  • વરસાદ બાદ બફારો વધતા લોકો થયા પરસેવે રેબઝેબ
  • સવારે વરસાદ અને બપોરે ગરમીથી બે ઋતુઓનો અનુભવ
  • નવસારી અને ચીખલીમાં પડ્યો ધોધમાર વરસાદ

    નવસારીઃ સામાન્ય રીતે નવસારી જિલ્લામાં જુનના પ્રારંભે ચોમાસાનો આરંભ થતો હોય છે. વાતાવરણમાં આવતા બદલાવને કારણે આ વખતે ચોમાસું 11 જૂનથી શરૂ થાય, એવી હવામાન વિભાગની આગાહી છે. જોકે એ પૂર્વે મેઘરાજા તેમના આવવાના અણસાર આપી રહ્યા છે. બે દિવસો અગાઉ વાંસદામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આજે નવસારીમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જેની સાથે શહેરમાં ક્યાંક ઝરમર વરસાદ તો શહેર અને નવસારી તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેની સાથે ચીખલીમાં પણ મેઘાએ મહેર કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે સવારનો સમય હોવાથી નોકરિયાતોને વરસાદે હેરાન કર્યા હતા. ઘણી જગ્યાએ રસ્તામાં ઝાડના ઓથા નીચે લોકો વરસાદથી બચતા જણાયા હતાં.
    કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો

આ પણ વાંચોઃ 11 જૂનથી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના દ્વાર ભાવિકો માટે ખૂલશે

ધરતીનો તાત વાવણીલાયક વરસાદની આશાએ

નવસારી જિલ્લામાં મુખ્યત્વે ડાંગર પાકે છે. ચોમાસુ ડાંગર માટે ખેડૂતોએ ધરૂ વાડિયું તૈયાર કરી, વાવણીની તૈયારી કરી છે. હાલમાં છૂટો છવાયો વરસાદ પડતા ખેડૂતો રાજી થયાં છે. પરંતુ હજુ વાવણીલાયક વરસાદ વરસી રહ્યો નથી. જેથી ખેડૂતો વાવણી લાયક સારો વરસાદ થાય એવી આશા સેવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ કપરાડાના મનાલા ગામમાં વરસાદના કારણે કુવા ધસી પડયો

ABOUT THE AUTHOR

...view details