ગુજરાત

gujarat

નવસારી સિવિલના ઉપરી અધિકારીઓના ત્રાસથી નર્સે જીવન ટૂંકાવ્યું, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટની અટકાયત

By

Published : Oct 26, 2020, 3:35 PM IST

Updated : Oct 26, 2020, 9:29 PM IST

નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પીડિતાએ ઉપરી અધિકારીઓ દ્વારા અપાતા ત્રાસ તેમજ શોષણથી કંટાળીને અને સાસરિયા દ્વારા દહેજના દબાણથી તેમણે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટની અટકાયત કરવામાં આવી છે.

નવસારી સિવિલ હોસ્પિટલ
નવસારી સિવિલ હોસ્પિટલ

  • નવસારી સિવિલ હોસ્પિટલમાં હતી નર્સ કોરોના વોરિયર
  • સિવિલ સર્જન સાથે શારીરિક સબંધો બાંધવા હતું દબાણ
  • પતિ અને સાસુ પણ દહેજ માંગતા હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ

નવસારી : નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પીડિતાએ ઉપરી અધિકારીઓ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. મેઘાએ અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષામાં સ્યૂસાઇડ નોટ લખી તેમાં પોતાને મેટ્રન અને ઓટી ઇન્ચાર્જ દ્વારા વધુ કામ કરાવી હેરાન કરવામાં આવતી હોવાનો તેમજ સિવિલ સર્જન સાથે શારીરિક સબંધો બાંધવા દબાણ કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

પરિવારજનોએ કરી ન્યાયની માગ

વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પીડિતાએ ગત 22 ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી. કોરોના વોરિયર નર્સે અચાનક ભરેલા આ અંતિમ પગલાથી તેના પરિવારજનો આઘાતમાં છે. તેણે આત્મહત્યા પૂર્વે એક ગુજરાતીમાં અને એક અંગ્રેજીમાં સ્યૂસાઇડ નોટ્સ લખી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના મેટ્રન તારા ગામીત અને ઓટી ઇન્ચાર્જ વનિતા પટેલ સામે વધુ કામ આપવા તેમજ પોતે બીમાર હોવા છતાં તેને રજા ન આપી તોછડું વર્તન કરી અપમાનિત કરાતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેની માતાએ પણ આ અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને દિકરીને ન્યાય મળે તેવી માગ કરી છે.

સાસરિયા દ્વારા પણ અપાતો હતો ત્રાસ

પીડિતાએ સ્યૂસાઇડ નોટમાં તેની મેટ્રન દ્વારા સિવિલ સર્જન ડૉ. અવિનાશ દુબે સાથે શારીરિક સંબંધો રાખવા દબાણ કરાતું હોવાના પણ તેણે આક્ષેપો કર્યા છે. મહિલા હોવા છતાં મેટ્રન તારા દ્વારા કરાતા દબાણથી કંટાળેલી તેણે પોતાની ઇજ્જત બચાવવા માટે અંતિમ પગલુ ભર્યું છે તેમ જણાવ્યું હતું. બીજી તરફ તેના પતિ અંકિત ખંભાતી અને સાસુ પણ દહેજ માંગીને તેને હેરાન કરી રહ્યા હોવાની વાત જણાવી હતી.

સિવિલ સર્જન ડૉ. અવિનાશ દુબેનો લુલો બચાવ

આ અંગે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ. અવિનાશ દુબેને સવાલો કરતા, તેઓ જવાબ આપવાને બદલે અકળાઈને ચાલતા થયા હતા. જ્યારે હોસ્પિટલના RMO ડૉ. શાહએ પીડિતાનું અપમૃત્યુ થયું હોવાની વાત સાથે હોસ્પિટલમાં બધા કોરોના વોરિયર તરીકે એક ટીમ છે અને રજા મુદ્દે એડજસ્ટમેન્ટ કરાતું હોવાનું જણાવી હોસ્પિટલનો લુલો બચાવ કર્યો હતો. જ્યારે શારીરિક શોષણ મુદ્દે હોસ્પિટલની જાતીય સતામણી સમિતિમાં પણ તેણે કોઈ ફરિયાદ કરી ન હોવાનો રાગ આલાપ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી

સમગ્ર મુદ્દે પોલીસે સ્યૂસાઇડ નોટ્સને આધારે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ. અવિનાશ દુબે, મેટ્રન તારા ગામીત, ઓટી ઇન્ચાર્જ વનિતા પટેલ સહિત તેના પતિ અંકિત ખંભાતી અને તેની માતા દેવકીબેન ખંભાતી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા, દહેજ સહિતની ધારાઓ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Last Updated : Oct 26, 2020, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details