ગુજરાત

gujarat

નવસારીમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આરોગ્ય સુવિધાઓ પર એક નજર

By

Published : Apr 28, 2021, 9:30 PM IST

નવસારી જિલ્લામાં દિવસેને દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને જોતા Etv Bharatએ જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આરોગ્ય સુવિધાઓ ચકાસતા જિલ્લા તંત્રની પૂરતી વ્યવસ્થાની વાતોથી વેગડી જમીની હકિકત જણાઇ હતી.

Navsari news
Navsari news

  • નવસારીમાં અંદાજે 22 ટન ઓક્સિજનની રોજની જરૂરિયાત, મળે છે અંદાજે 18 ટન
  • રોજના અંદાજે 1,200થી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનની માગ, જે પણ પૂરી નથી થતી
  • જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલો મળી 1,500થી વધુ કોવિડ બેડની વ્યવસ્થા

નવસારી: જિલ્લામાં દિવસેને દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને જોતા Etv Bharatએ જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આરોગ્ય સુવિધાઓ ચકાસતા જિલ્લા તંત્રની પૂરતી વ્યવસ્થાની વાતોથી વેગડી જમીની હકિકત જણાઇ હતી. અત્રે મહત્વપૂર્ણ છે કે, કોરોનાને જીતવા દર્દીઓને પૂરતો ઓક્સિજન મળવો જોઈએ, પરંતુ જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ ન હોવાને કારણે જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોએ આજે પણ ઓક્સિજન મેળવવા માટે ઘણી મથામણ કરવી પડે છે. એ જ રીતે રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત પણ તંત્ર જેમ તેમ પૂરી કરી રહ્યુ છે.

નવસારીમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આરોગ્ય સુવિધાઓ પર એક નજર

જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા 1,585 સામે એક્ટિવ કોરોના સંક્રમિતોની સંખ્યા 963, છતાં બેડ નહીં

નવસારી જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે એક્ટિવ કેસોની સંખ્યા 1,000 નજીક પહોંચી ગઈ છે. જેને જોતા સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલો મળીને જિલ્લામાં કોરોનાની સારવાર માટે કુલ 1,585 બેડની વ્યવસ્થા જિલ્લા તંત્રે કરી છે. જેમાં 679 ઓક્સિજન બેડ છે. જેથી નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગના આંકડા અનુસાર એક્ટિવ કોરોના દર્દીઓ કરતા 50% વધુ કોરોના બેડની વ્યવસ્થા છે. પરંતુ હકીકતમાં જિલ્લામાં કોરોના દર્દીઓને હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી. નવસારી સિવિલ હોસ્પિટલમાં પણ 108 એમ્બ્યુલન્સ કે અન્ય એમ્બ્યુલન્સ દ્વારા આવતા દર્દીઓને અડધોથી એક કલાક વેઇટિંગમાં એમ્બ્યુલન્સમાં જ બેસી રહેવું પડે છે, જ્યારે જિલ્લામાં અંદાજે 4000 કોરોનાના દર્દીઓ ઘરે રહીને કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાની માહિતી છે.

નવસારી

ઓક્સિજન માટે પાડોશી જિલ્લાઓ પર આધાર, જેમ તેમ મળે છે ઓક્સિજન

નવસારી જિલ્લાની હોસ્પિટલો હાઉસફૂલ અને ઘરોમાં કોરોનાની સારવાર લોકો લઈ રહ્યા છે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં દર્દીને ઓક્સિજનની તાતી જરૂર પડે છે. પરંતુ જિલ્લામાં એક પણ ઓક્સિજન પ્લાન્ટ ન હોવાથી, નવસારી સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોએ પણ પાડોશના વલસાડ, સુરત, ભરૂચ જેવા જિલ્લાઓ ઉપર આધાર રાખવો પડે છે. નવસારી જિલ્લામાં વધતા કોરોના દર્દીઓને જોતા રોજના અંદાજે 22 ટન ઓક્સિજનની જરૂરિયાત રહે છે. જેની સામે જિલ્લાને હાલમાં અંદાજે 18 ટન કે તેનાથી ઓછો ઓક્સિજન મળી રહ્યો હોવાની વાત તંત્ર કરી રહ્યું છે. પરંતુ તેની સામે ખાનગી હોસ્પિટલોએ આજે પણ ઓક્સિજન મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે.

નવસારી

રેમડેસીવીર ઇન્જેક્શનની પણ જિલ્લામાં અછત વર્તાઈ રહી છે

સરકાર દ્વારા ઓક્સિજનના બાટલા રિફિલિંગ કરવા મુદ્દે પણ નવી ગાઇડલાઇન જાહેર કરી હોવાથી ઘણીવાર પૂરતા પ્રમાણમાં ઓક્સિજનના બાટલા ભરાતા નથી અને ખાનગી હોસ્પિટલઓએ જેમતેમ કરી પોતાના દર્દીઓને જીવાડવા માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવી પડે છે. બીજી તરફ કોરોનાની સારવારમાં કારગર સાબિત થયેલા રેમડેસીવીર ઇન્જેક્શનની પણ જિલ્લામાં અછત વર્તાઈ રહી છે.

રેમડેસીવીર ઇન્જેક્શન

હોસ્પિટલોને તેમની જરૂરિયાત કરતા 10થી 25 ટકા જ ઇન્જેક્શન મળે છે

નવસારી સિવિલ હોસ્પિટલમાં રોજના અંદાજે 700 રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે છે. જેમાંથી અંદાજે 200થી 250 ઇન્જેક્શન વધે છે. જેને ખાનગી હોસ્પિટલોને આપવામાં આવે છે. જ્યારે રેમડેસીવીર ઇન્જેક્શન માટે બનાવાયેલી કમિટી દ્વારા પણ રોજના 480 રેમડેસીવીર ઇન્જેક્શન ખરીદાય છે. જેને પણ હોસ્પિટલોની જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે. પરંતુ ઇન્જેક્શનની વહેંચણી મુદ્દે પણ હકીકત વેગડી છે. ખાનગી હોસ્પિટલોનું માનીએ તો હોસ્પિટલોને તેમની જરૂરિયાત કરતા 10થી 25 ટકા જ ઇન્જેક્શન મળે છે, જેથી કોરોનાના દર્દીઓને 6 ઇન્જેક્શનના કોર્સની સામે ઘણીવાર બ્રેક પડી જાય છે. બીજી તરફ તંત્ર પણ જરૂરિયાત કરતા અંદાજે 100થી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનની ઘટ રહેતી હોવાનું માની રહ્યુ છે.

નવસારી

આ પણ વાંચો : જામનગરની હોસ્પિટલોમાં કેટલો ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેક્શન અને કેટલા બેડ... જૂઓ અહેવાલ

જિલ્લાની 13 લાખથી વધુની વસ્તી સામે 2.35 લોકોએ લીધી કોરોના વેક્સિન

નવસારીમાં કોરોનાની પરિસ્થિતિ પર જરૂરી આરોગ્ય સુવિધાની હકીકત તપાસ્યા બાદ સારા સમાચાર પણ મળ્યા છે. 13 લાખથી વધુની વસ્તી ધરાવતા નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 2.35 લાખ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, જ્યારે 65,000થી વધુ લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ અપાઇ ચૂકયો છે. સાથે જ જિલ્લામાં અલગ- અલગ સમાજ અને સરકારી PHC, CHC સેન્ટરો પર પણ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે આજે બુધવારે સાંજથી 18 વર્ષથી ઉપરના યુવાનોને પણ કોરોના વેક્સિન માટેનું રજિસ્ટ્રેશન શરૂ થશે અને પહેલી મેથી જિલ્લામાં 18 વર્ષથી ઉપરના તમામને કોરોના વેક્સીન આપવાનું મહાઅભિયાન શરૂ થશે. જોકે આજની સ્થિતિમાં જિલ્લા વેક્સિન સેન્ટર ખાતે 25,000 ડોઝ ઉપલબ્દ્ધ છે. જેની સામે વેક્સિન લેનારાઓની સંખ્યા લાખોમાં છે, ત્યારે સરકાર અને તંત્ર વહેલી તકે કોરોના વેક્સિનના વધુ ડોઝ મેળવે, તો લોકો કોરોનાની વેક્સિન લઈ શકે અને કોરોના સંક્રમણને રોકવામાં પણ મદદ મળી શકશે.

આ પણ વાંચો : ભાવનગરમાં રોજના 300 કોરોના કેસ, સરકારી હોસ્પિટલમાં 126 અને ખાનગીમાં આશરે 50 જેટલા બેડ ખાલી

જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ સામે યોગ્ય વ્યવસ્થાપન જરૂરી

નવસારી જિલ્લામાં વકરતા કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયાસમાં Etv Bharatએ જે માહિતી મેળવી એમાં જિલ્લામાં જરૂરિયાત કરતાં સ્થિતિ કંઇક અલગ છે. તંત્ર જિલ્લામાં 1,585 કોવિડ બેડની વ્યવસ્થા સામે હોસ્પિટલોમાં જગ્યા નથી. રેમડેસીવીર ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોવાનો રાગ છે, પરંતુ હોસ્પિટલોની વ્યથા કંઇક અલગ છે. સાથે મહત્વપૂર્ણ જે પ્રાણવાયુ છે એ પણ દર્દીઓને મળવામાં વિલંબ થઈ જાય છે અને જિલ્લાએ ઓક્સિજન માટે પાડોશી જિલ્લાઓ પાસે કરગરવું પડે છે અને અંતે ઘણીવાર પ્રાણવાયુ વિના દર્દીઓના પ્રાણ પણ ઉડી જવાની સંભાવના વધે છે.

ABOUT THE AUTHOR

...view details