ગુજરાત

gujarat

મહેસાણામાં રસ્તા પર ખાડારાજ, ગોકળગાય ગતિએ ચાલતું રીપેરીંગ કામ

By

Published : Aug 28, 2020, 2:16 PM IST

મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને પગલે માર્ગ મકાન વિભાગ દ્વારા નિર્મિત અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે મહેસાણા માર્ગ મકાન વિભાગના અધિકારીઓને રીપેરીંગ કામગીરી અંગે પુછવામાં આવતા તેમણે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો.

મહેસાણાના રસ્તા પર ખાડારાજ, ગોકળગાય ગતિએ ચાલતું રીપેરીંગ
મહેસાણાના રસ્તા પર ખાડારાજ, ગોકળગાય ગતિએ ચાલતું રીપેરીંગ

મહેસાણા: મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓ પાણીમાં ધોવાયા છે. જિલ્લાના મુખ્ય માર્ગો એવા બેચરાજી રોડ, વિસનગર રોડ, વિજાપુર રોડ, મહેસાણા-અમદાવાદ હાઇવે, મહેસાણા-ઊંઝા હાઇવે સહિતના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી જતા અનેક વાહનચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

મહેસાણાના રસ્તા પર ખાડારાજ, ગોકળગાય ગતિએ ચાલતું રીપેરીંગ
મહેસાણા જિલ્લામાં જૂના બનેલા 148 પ્રાદેશિક રસ્તાઓમાંથી 46 રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. જ્યારે નવા બનેલા 27 જેટલા માર્ગો ગેરન્ટી સમયમર્યાદામાં હોવા છતા તેમાંથી 8 જેટલા રસ્તાઓ ભ્રષ્ટાચારની સાક્ષી પૂરતા હોય તેમ કફોડી હાલતમાં જોવા મળ્યા છે. જીવના જોખમે વાહન ચલાવતા સ્થાનિકો ખાડારાજને પગલે રોષે ભરાયા છે. તંત્રના પાપે પ્રજાને ડામ જેવી પરિસ્થિતિમાં મહેસાણા માર્ગ મકાન વિભાગ દ્વારા ગોકળગાય ગતિએ સમારકામ જોવા મળી રહ્યુ છે.

મહેસાણા જિલ્લો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો વિધાનસભા બેઠકનો મતવિસ્તાર હોઈ તેમણે પણ સમીક્ષા મુલાકાત લઈ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને રસ્તાઓના સમારકામ માટે ટકોર કરી હતી. જો કે ઈટીવી ભારતે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને આ અંગે પ્રશ્નો કરતા તેમણે કેમેરા સામે કંઈપણ બોલવાનો ઇનકાર કર્યો હતો અને બેદરકારી પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details