ગુજરાત

gujarat

મહેસાણા: કડી હત્યા, લૂંટ અને અપહરણ સહિતના ગંભીર ગુન્હાઓના કારણે બન્યું ક્રાઈમ ઝોન

By

Published : Jun 11, 2021, 6:49 PM IST

સરકાર રાજ્યમાં સબ સલામત હોવાની વાત કરી રહી છે ત્યાં મહેસાણાના કડીમાં અનેક ગંભીર ગુન્હાઓ વધી રહ્યાં છે. પોલીસ ઘણાં કેસ ઉકેલી શકી છે જ્યારે અનેક ગુન્હાઓ હજી વણઉકેલાયેલા છે.

કડી હત્યા, લૂંટ અને અપહરણ સહિતના ગંભીર ગુન્હાઓના કારણે બન્યું ક્રાઈમઝોન
કડી હત્યા, લૂંટ અને અપહરણ સહિતના ગંભીર ગુન્હાઓના કારણે બન્યું ક્રાઈમઝોન

  • મહેસાણામાં કડી હત્યા, લૂંટ અને અપહરણ સહિતના ગંભીર ગુન્હાઓ અંગે ક્રાઈમ ઝોન બન્યું
  • છેલ્લા 3 મહિનામાં 557 ફરિયાદો નોંધાઇ
  • કડી વિસ્તારમાં કુલ 3 પોલીસ મથકો છતાં ક્રાઈમની ઘટનાઓનો રાફડો ફાટ્યો

મહેસાણા: ગુજરાત રાજ્યમાં એક તરફ જ્યાં ગૃહવિભાગ અને સરકાર રાજ્યમાં શાંતિ, સેવા અને સલામતીની વાતો કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને સાથે હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમટાઉન મહેસાણા જિલ્લા સહિત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હોમ ટાઉન કડીમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ દિન પ્રતિદિન લૂંટ, હત્યા, અપહરણ, હાફ મર્ડર, ચોરી, મારામારી અને હુમલો સહિતની ગંભીર પ્રકારની ગુનાહિત ઘટનાઓ વધતી જઈ રહી છે. જેને જોતા કડીમાં ક્યાંકને ક્યાંક બિહારવાળી સ્થિતિ વચ્ચે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. કડી તાલુકા અને શહેર વિસ્તારમાં કડી, બાવલું અને નંદાસણ મળી કુલ 3 પોલીસ સ્ટેશનો આવેલા છે છતાં અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી જોવા મળી રહી છે


કડીમાં છેલ્લા 3 મહિનામાં નાની-મોટી 557 ફરિયાદો નોંધાઇ
ક્રાઈમ ઝોન તરીકે ઉભરી આવેલા મહેસાણા જિલ્લાના કડી તાલુકા અને શહેર વિસ્તારમાં કુલ 3 પોલીસ મથક આવેલા છે, જ્યાં કડી પોલીસ સ્ટેશને પોલીસ ઇન્સ્પેકટર જ્યારે નંદાસણ અને બાવલું પોલીસ મથકે પોલીસ સબ ઇન્સ્પેકટર ચાર્જ સંભાળી રહ્યાં છે તો આ ત્રણે પોલીસ સ્ટેશનની તમામ કામગીરી મહેસાણા Dysp અને Dspના માર્ગદર્શન અને નજર હેઠળ ચાલી રહ્યાં છે. જો કે કડી વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને ઉપરી અધિકારીઓની નજર હોવા છતાં અહીં ગુનેગારો બેફામ બની રાત હોય કે દિવસ પોતાના ગુનાહિત કૃત્યોને બેખોફ બની પુરા કરી રહ્યા છે. કડી શહેર અને તાલુકાના મળી કુલ 3 પોલીસ મથકમાં માત્ર છેલ્લા 3 મહિનામાં કુલ 557 નાના મોટા ગુન્હાઓની ફરિયાદ નોંધાઇ છે. જેમાં સૌથી વધુ કડી પોલીસ મથકે 341, નંદાસણ પોલીસ મથકે 131 અને બાવલું પોલીસ મથકે 85 મળી કુલ 557 કેસો નોંધાયા છે જે કડી વિસ્તાર માટે મોટો ગુનાહિત રેશિયો દર્શાવી રહ્યાં છે.


કડીના કેટલાક ગંભીર ગુન્હાઓની દાસ્તાન
કડીમાં વર્ષોથી બનતી આવતી હુમલો અને લૂંટની ઘટનાઓમાં આજે પણ પોલીસને કેટલાક ગુન્હાઓ ઉકેલવામાં સફળતા મળી નથી. ધોળેદિવસે હત્યાની ઘટનાઓ કડી વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ રહેલો છે. અહીં પોલીસ પર હુમલો, રાજ્ય વ્યાપી રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ અને જાહેરમાં મારામારી, અપહરણ, લૂંટ, બળાત્કાર, દેશી-વિદેશી દારૂના મસ મોટા કાટિંગ,પારિવારિક કલેશ, ક્યાંક માતાપિતાએ પુત્રીની હત્યા કરી તો ક્યાંય મિલ્કત મામલે પુત્રોએ પિતાની હત્યા કરી આવા અનેક બનાવો બાદ કડી પોલીસને કેટલાક ગુન્હાઓ ઉકેલવામાં સફળતા મળી છે તો કેટલાક ગુન્હાઓ આજે પણ વણઉકેલાયેલા પડ્યા છે. જેની સાથે કડીમાં વધતા જતા ગુનાહિત કૃત્યો કડી વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતા અને પોલીસ વિભાગમાં ચાલી રહેલી ગેરરીતિઓ પોલ ખોલી રહ્યાં છે.

ETV Bharatના સવાલો પર અધિકારીઓનું મૌન
કડીમાં ક્રાઈમ રેટ હાલમાં એક્ટિવ થઈ વધી રહ્યો છે ત્યારે ઈટીવી ભારત દ્વારા કડી વિસ્તારમાં ક્રાઈમની આંકડાકીય માહિતી અને પોલીસની સફળતા - અસફળતા પર માહિતી પૂછવામાં આવતા મહેસાણા Dyspએ આવું કોઈ ફોર્મેટ ન હોવાનું કહી ફોન કાપી નાખ્યો હતો. તો મહેસાણા DSP પોતાના કામમાં વ્યસ્ત હોઈ તેમને મેસેજ દ્વારા પૂછવામાં આવતા તેઓએ પણ હાલના તબક્કે આ મામલે કોઇ પ્રત્યુતર ન આપી મૌન સેવી લીધું હતું ત્યારે કડીમાં છાસવારે બનતી ગુન્હાહિત ઘટનોઓ અને લોકોમાં વ્યાપેલા ભયને અંકુશમાં લાવવા પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે કાબુમાં કરશે તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details