ગુજરાત

gujarat

હે રામ ! ખેરાલુમાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 3:59 PM IST

મહેસાણાના ખેરાલુમાં અમાનવીય કૃત્યની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી ગયો છે. ખેરાલુના અલકા હોસ્પિટલ નજીક એક નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી છે. પોલીસે તાત્કાલિક મૃતદેહનો કબજો લઈ આ મામલે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં થયેલી ડિલિવરીના રિપોર્ટની પણ તપાસ થઈ રહી છે.

ત્યજી દેવાયેલ નવજાત બાળકીનો મૃતદેહ
ત્યજી દેવાયેલ નવજાત બાળકીનો મૃતદેહ

મહેસાણા :ખેરાલુમાંથી હૃદય હચમચાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. ખેરાલુમાં આવેલ અલકા હોસ્પિટલ નજીકમાં કરલીવાસના નાકા પાસેથી ત્યજી દેવાયેલ હાલતમાં એક નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો છે. મૃત હાલતમાં નવજાત મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. કોઈએ પોતાનું પાપ છુપાવવા બાળકીને ત્યજી દેતા ખેરાલુ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

નવજાતનો મૃતદેહ મળ્યો : આ અંગે મળતી માહિતી અનુસાર ખેરાલુની અલકા હોસ્પિટલ નજીકમાં આવેલ કરલીવાસના નાકે અવાવરું જગ્યા પરથી 23 નવેમ્બરના રોજ સાંજના સમયે એક નવજાત બાળકી જમીન પર મૃત હાલતમાં પડી હોવાની જાણ રાહદારીઓને થઈ હતી. ત્યજી દીધેલ નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવને પગલે લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.

પોલીસ તપાસ શરૂ : બનાવની માહિતી મળતા ખેરાલુ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ઉપરાંત આરોગ્ય ટીમે બાળકીને મૃત જાહેર કરતા પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે સ્થાનિક નાગરિકોની ફરિયાદ આધારે પોલીસે ખેરાલુ પોલીસ મથકે નવજાત બાળકીને ત્યજી મોત નીપજાવવા મામલે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

અમાનવીય કૃત્ય : સમગ્ર મામલે પોલીસ સૂત્રો દ્વારા આ ઘટના મામલે હોસ્પિટલમાં થયેલી ડિલિવરીના રિપોર્ટ મેળવવા અને ઘટના સ્થળ સહિતના વિસ્તારોમાં CCTV ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જ્યારે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે.

  1. મોરબી જિલ્લાના મેઘપર ગામ નજીક મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી
  2. મહેસાણાના બેચરાજીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

ABOUT THE AUTHOR

...view details