ગુજરાત

gujarat

Kutch News: ભીમાસર-ધર્મશાળા નેશનલ માર્ગ પર ઓવરબ્રિજમાં ગાબડું, લોકોને ભારે હાલાકી

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 4:30 PM IST

સરહદી જિલ્લા કચ્છના પાટનગર ભુજના સરહદી વિસ્તાર ખાવડા સાથે જોડતા ભીમાસર-ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 341ની હાલત બિસ્માર બની ગઈ છે. વેકરીયાના રણ નજીક એકાદ વર્ષ અગાઉ નવ નિર્માણ પામેલા બ્રીજમા ગાબડું પડતા તેમજ તેમાં સળિયા દેખાતા વધુ એક મુશ્કેલી સામે આવી છે.

there-was-a-gap-in-the-overbridge-on-the-bhimasar-dharamsala-national-highway-in-kutch
there-was-a-gap-in-the-overbridge-on-the-bhimasar-dharamsala-national-highway-in-kutch

ભીમાસર-ધર્મશાળા નેશનલ માર્ગ પર ઓવરબ્રિજમાં ગાબડું

કચ્છ:બે માસ અગાઉ ભુજ તાલુકાનો રૂદ્રમાતા બ્રીજ જર્જરિત જણાતા તંત્રએ સલામતી અંતર્ગત ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સમગ્ર વાહન વ્યવહાર માટે બન્ની તેમજ સરહદી વિસ્તાર ખાવડાના લોકો નાગોર માર્ગે અવરજવર કરી રહ્યા હતા. હવે ખાનગી કોન્ટ્રાક્ટ હેઠળ એકાદ વર્ષ અગાઉ નવ નિર્માણ પામેલા ભીમાસર-ધર્મશાળા નેશનલ માર્ગ પર લોરિયાથી ભીરંડીયારા ગામ વચ્ચેના વેકરીયા પાસેના ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું હતું. અન્ય એક બ્રીજમાં ગાબડાં પડતાં તેની ગુણવતા પર પ્રશ્નો ઊભા થયા છે.

લોકોને ભારે હાલાકી

ડામર ઉખડી ગયા: નેશનલ હાઇવે ડિવિઝન અંતર્ગત ખાનગી કોન્ટ્રાક્ટ હેઠળ બનેલા ભીમાસર-ધર્મશાળા ધોરીમાર્ગ પરના માર્ગની જમણી તરફ ડામર ઉખડી ગયા છે અને ગાબડાં પડતા નીચેના સળિયા બહાર જોવા મળી રહ્યા છે. નેશનલ હાઇવે પર ગાબડાં જણાતા લોકોએ આસપાસના અગ્રણીઓને જાણ કરી હતી અને ગાબડાં પડેલા વિસ્તારમાં આડસ મૂકીને લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી હતી. અંદાજીત 350 કરોડના ખર્ચે એક વર્ષ અગાઉ જ નવ નિર્માણ પામેલા બ્રીજની હાલત બિસ્માર બની જતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.

વીડિયો વાયરલ થયા:જિલ્લાના ઉદ્યોગ, પ્રવાસન અને સ્થાનીક 115 જેટલા ગામોની અવરજવર માટે મહત્વનો એવો રૂદ્રમાતા પુલ બે મહિના અગાઉ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો જેના લીધે અનેક ગામો અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પુલનું સમારકામ હજી ચાલી રહ્યું છે ત્યાં વધુ એક બ્રીજ પર મસમોટા ગાબડા પડતા ફરી લોકોને હાલાકી ભોગવવી પડશે. રસ્તા પર પડેલા ગાબડા અને બાંધકામના દેખાતા સળિયાના વીડિયો જે રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તે રીતે જોતાં ધોરીમાર્ગના કામની ગુણવત્તા સામે સવાલો પણ ઉભા થયા છે.

કાયદેસરની કાર્યવાહીની માંગ:ઉલ્લેખનીય છે કે આ ધોરીમાર્ગ પરથી જ બન્ની વિસ્તારના 115 જેટલા ગામો બીએસએફ કેમ્પ, અદાણી સોલાર પાવર પ્લાન્ટ અને નમક ઉદ્યોગ સહિતના વિસ્તારના લોકોની અવરજવર થતી હોય છે ત્યારે આ બ્રીજમા ગાબડાં પડતાં વાહનવ્યવહાર પર ફરી અસર થશે. સ્થાનિક લોકો દ્વારા સંબધિત તંત્ર દ્વારા આ બ્રીજનું સમારકામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે અને રસ્તો બનાવનાર કોન્ટ્રાકટરના કામની ગુણવતાની તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

'જવાબદાર અધિકારીઓ-કોન્ટ્રાકટર સાથે મળીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. દોઢ વર્ષ આગાઉ બનેલા માર્ગ પર આવડા મોટા ગાબડાં પડે અને સરહદને જોડતા મુખ્ય માર્ગ ઉપર આ રીતે ગાબડું પડે તે જરા પણ ચલાવી નહીં લેવાય. સતાધીશો અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.' -યજુવેન્દ્રસિહ જાડેજા, પ્રમુખ, કચ્છ જિલ્લા કોંગ્રેસ

સીબીઆઈ દ્રારા તપાસ કરવામાં આવે તેવી માંગ:પાવરપટ્ટી ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના ઉપપ્રમુખ અને ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાન વિરમ આહિરે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ પણ આ રસ્તાના નિર્માણ કાર્ય માટે નવેમ્બર 2022માં અરજી કરવામાં આવી હતી અને સમગ્ર રસ્તાના કામની સીબીઆઈ દ્રારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. ખાનગી કંપની અનીશ ઇન્ફ્રા કોન ઇન્ડીયા પ્રા.લી દ્રારા થયેલ ભષ્ટ્રાચાર આંગે અગાઉ પણ તપાસની માંગણી કરવામાં આવી હતી પરંતુ તે દિશામાં કોઈએ પણ તપાસ કરી નથી અને આજે પુલમાં ગાબડા પડતા વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ટૂંક સમયમાં રસ્તો ફરી શરૂ થઇ જશે:સમગ્ર બાબત અંગે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી મિલન વસાવડિયાએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રોડ પર ગાબડાં પડ્યા હોવાના બનાવની જાણ થતાં હાલમાં ખાનગી કોન્ટ્રાકટર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં રસ્તો ફરી શરૂ થઇ જશે. આ ઉપરાંત કામની ગુણવતા અંગે તેમજ નબળા કામ અંગે ખાનગી કોન્ટ્રાક્ટરના કામ અંગે તપાસ પણ કરવામાં આવશે.

  1. Rajkot News : રાજકોટ રેલનગર અંડર બ્રિજનું રુપિયા 50 લાખના ખર્ચે કરાશે રિનોવેશન
  2. Gujarat Traffic E Memo: જનતાને નથી ટ્રાફિક પોલીસનો ડર, પોલીસ દ્વારા રકમ વસૂલવામાં લાપરવાહી, ઇ-મેમો ઇસ્યુ થયા તો ઉઘરાણી બાકી

ABOUT THE AUTHOR

...view details