ગુજરાત

gujarat

Kutch Gulabpak Mithai: કચ્છને વિશેષ ઓળખ આપતી શાહી મીઠાઈ; જાણો કેવી રીતે બને છે ગુલાબપાક ?

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 6:56 PM IST

કચ્છમાં બનતી શાહી મીઠાઈનો ટેસ્ટ આજે દેશ જ નહિ પરંતુ વિદેશમાં પણ લોકો માણી રહ્યા છે. અત્યાર સુધી તમે ગુલાબમાંથી બનતું શરબત પીધું હશે પરંતુ આજે અમે લઈને આવ્યા છીએ ગુલાબની પાંદડીઓમાંથી બનતી મીઠાઈ કે જે ગુલાબ પાકના નામે ઓળખવામાં આવે છે. જાણો શું છે આ મીઠાઈની ખાસિયતો

કચ્છ શાહી મીઠાઈ
કચ્છ શાહી મીઠાઈ

કચ્છમાં બનતી શાહી મીઠાઈ

કચ્છ:પ્રવાસન ક્ષેત્રે વિકસી રહેલા કચ્છના પ્રવાસે આવતા લોકો કચ્છી વાનગીઓ કે જેમાં કચ્છી દાબેલી, કચ્છી પેંડા, કચ્છી કવો, કચ્છી અડદિયા, કચ્છી પકવાન અને કચ્છી ગુલાબ પાકનો સ્વાદ માણતા હોય છે. જો કે, પેંડા સિવાય માવા અને ગુલાબની પાંખડીઓ વડે બનતી મીઠાઈ ગુલાબપાકનો સ્વાદ પણ લોકોના દાઢે વળગ્યો છે. અંદાજિત 100 વર્ષ પહેલાં કચ્છના કંદોઈઓએ બનાવેલો ગુલાબપાક આજે ન માત્ર કચ્છ પરંતુ દેશ વિદેશમાં પણ કચ્છની લોકપ્રિય મીઠાઈ તરીકે ખૂબ પ્રખ્યાત થયો છે.

કચ્છમાં બનતી શાહી મીઠાઈ - ગુલાબ પાક

કેવી રીતે પડ્યું આ મીઠાઈનું નામ:રાજાશાહીના સમયથી જ કચ્છમાં માવામાંથી બનેલી કચ્છી મીઠાઈઓ ખાવાનું ચલણ હતું અને કચ્છના કંદોઈઓ પણ બન્ની વિસ્તારના ચોખ્ખા દૂધના માવામાંથી અનેક મીઠાઈઓ બનાવતા હતા. આ મીઠાઈનું નામ ગુલાબપાક કંઈ રીતે પડ્યું તે અંગે વાત કરવામાં આવે તો રાજાશાહી સમયમાં જ કચ્છના કંદોઈઓએ માવાની મીઠાઈમાં ગુલાબની પાંખડીઓ ઉમેરી અને એક વિશેષ મીઠાઈ તૈયાર કરી હતી અને તે સમય જતાં ગુલાબપાકના નામે ઓળખાવી લાગી. વર્ષ 1947માં સિંધથી કચ્છના ખાવડા ગામે આવેલા અનેક કંદોઈઓએ કચ્છની મીઠાઈને એક વિશેષ ઓળખ અપાવી છે.

'કચ્છી મીઠાઈઓ અહીંના બન્ની વિસ્તારમાં ચોખ્ખા દૂધમાંથી બનેલા માવાના કારણે વિશેષ હોય છે. તેમાં પણ ગુલાબ પાકને શેકેલા ડ્રાય ફ્રુટ અને શુદ્ધ દૂધના માવાના કારણે તેને અન્ય મીઠાઈઓથી અલગ પાડે છે તેની બનાવટ અને તેનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ છે. - રાજેશભાઈ ઠક્કર, મીઠાઈના વેપારી

કેવી રીતે બને છે ગુલાબ પાક:

ઉલ્લેખનીય છે કે અન્ય મીઠાઈઓ ફકત માવામાંથી બનાવવામાં આવે છે જ્યારે કચ્છી ગુલાબપાક બનાવવા માવા અને દૂધ બન્નેનો ઉપયોગ કરવામાં આવે છે. ગુલાબપાક બનાવવા માટે સૌપ્રથમ દૂધને ગરમ કરી તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈ બનાવતી સમયે દૂધને પણ એટલી હદ સુધી જ ગરમ કરાય છે કે એ માવો ન બની જાય અને ત્યાર બાદ તેમાં દૂધનો માવો ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ આ મિશ્રણને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેમાં દાણી ન પડે. કારણ કે ગુલાબ પાકની ઓળખાણ જ દાણીના કારણે છે. અંતે આ મિશ્રણમાં ગુલાબની સુકાયેલી પાંદડીઓ મિક્સ કરવામાં આવે છે. જેથી માવામાં પણ ગુલાબનો મીઠો સ્વાદ આવે છે અને ત્યારબાદ તેને ફ્રીઝ કરતાં ગુલાબપાક તૈયાર થઈ જાય છે.

કચ્છમાં બનતી શાહી મીઠાઈ - ગુલાબ પાક

શરૂઆતમાં ગુલાબપાક ફક્ત માવા અને દૂધમાંથી બનતું હતું. પરંતુ સમયની સાથે અમે ગુલાબપાકમાં પણ વેરાયટી લાવવામાં આવી છે. મુખ્ય ગુલાબપાકમાં વિશેષ સ્વાદ આપવા તેમાં શેકેલા માવાના પેંડાની જેમ રોસ્ટેડ ગુલાબપાક બનાવવામાં આવ્યું છે. જે ભૂરા રંગનું હોય છે અને ત્યારબાદ હવે ગુલાબપાકને લાંબા સમય સુધી ટકાવવા શાહી ગુલાબ લાવવામાં આવ્યું છે કે જેમાં શેકેલા ડ્રાય ફ્રુટના ટુકડા તેમજ ગુલાબની શેકેલી સૂકી પાંદડીઓનો અદભુત સ્વાદ હોય છે.

45-50 દિવસ સુધી બગડતી નથી આ મીઠાઈ: ગુલાબ પાકની શોધને આજે લગભગ 100 વર્ષ થઈ ગયાં છે. આ એક સદીમાં આ મીઠાઈના ચાહકોની સંખ્યા સતત વધતી જાય છે. લોકો કચ્છના રહેતા સગા સબંધીઓ પાસેથી આ મીઠાઈ મંગાવે છે. માવામાંથી બનતાં આ ગુલાબપાકમાં સમય જતાં અનેક ફેરફારો પણ આવ્યા છે. દૂધના માવાને શેકી રોસ્ટેડ ગુલાબ પાક પણ આજે લોકોનો મનપસંદ બન્યો છે. તો પ્રીમિયમ ગુલાબપાક તરીકે હવે શાહી ગુલાબ પણ બજારમાં આવ્યું છે. જેમાં ગુલાબપાક લાંબો સમય સુધી ટકી રહે છે અને 45-50 દિવસ સુધી બગડતું નથી અને તેને કારણે હવે કચ્છની આ વિશેષ મીઠાઈ ગુલાબપાક શાહી મીઠાઈ તરીકે વિદેશમાં પણ પહોંચી રહી છે.

કચ્છમાં બનતી શાહી મીઠાઈ - ગુલાબ પાક

દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે આ મીઠાઈ:

આ કંદોઈઓની જ ચોથી પેઢીના દર્શન ઠક્કરે ગુલાબપાક વિશે જણાવ્યા કહ્યું હતું કે, કચ્છના દૂધ અને માવાની ગુણવત્તા વિશેષ છે અને તે કારણે જ અહીંની મીઠાઈઓ પણ વિશેષ બને છે. ગુલાબપાક પણ તે કારણે જ એક વિશેષ મીઠાઈ બની છે કારણ કે તેને બનાવવા માટેનો ઉત્તમ ચોખ્ખું દૂધ કચ્છમાં મળે છે. આજે દેશના ખૂણે ખૂણેથી લોકો કચ્છ આવતા હોય છે ત્યારે તેઓ તેમના સગા સંબંધીઓ માટે ગુલાબપાક લઈ જતા હોય છે. કચ્છમાં વસતા કચ્છી સગા સબંધીઓ પાસેથી કચ્છી ગુલાબપાક મંગાવતા પણ હોય છે.

  1. Food Recipe : પૌરાણિક પંડોલી વાનગી બનાવતા શીખો, વરસાદી માહોલમાં લસણની ચટણી સાથે અફલાતુન સ્વાદ
  2. Food Recipe : શારીરિક તાકાત પ્રદાન કરતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી "કરાંચી ચણા"

ABOUT THE AUTHOR

...view details