ગુજરાત

gujarat

Geographical Diversity in Kutch : ભુજમાં પાણીના ઘર્ષણના કારણે પથ્થરમાં નંદી મહારાજ જેવી કૃતિ સર્જાઈ

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 4:29 PM IST

પવિત્ર શ્રાવણ માસને લઇ મહાદેવજીની ભક્તિ કરી રહેલાં લોકો માટે કચ્છથી મળેલાં આ ખબર આનંદિત કરનારા બની શકે છે. ભુજના ધોસા મહાદેવ પાસે નદીના પટમાં રંગબેરંગી પથ્થરોની સુંદરતા નયનમનોહર છે સાથે મહાદેવજીની સવારી નંદીની આકૃતિનો ભાસ પણ કરાવી રહી છે.

Geographical Diversity in Kutch : ભુજમાં પાણીના ઘર્ષણના કારણે પથ્થરમાં નંદી મહારાજ જેવી કૃતિ સર્જાઈ
Geographical Diversity in Kutch : ભુજમાં પાણીના ઘર્ષણના કારણે પથ્થરમાં નંદી મહારાજ જેવી કૃતિ સર્જાઈ

ધોસા મહાદેવ પાસે નદીના પટમાં રંગબેરંગી પથ્થરોની સુંદરતા

અમદાવાદ : હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યું છે ત્યારે શિવાલયોમાં શિવભક્તોની ભીડ જામતી હોય છે ત્યારે સમગ્ર માહોલ શિવમય બને છે. ત્યારે કચ્છની આ નદીમાં કુદરત પણ જાણે શિવમય બની હોય તેમ નંદી મહારાજ જેવી આકૃતિ ધરાવતો પથ્થર જોવા મળી રહ્યું છે. લાલ રંગના વિવિધ રંગોમાં જોવા મળતા વિશાળ પથ્થરો વચ્ચે આવેલ આ એક પથ્થર એવો આભાસ કરાવે છે જાણે શિવલિંગની સામે નંદી મહારાજ બેઠા હોય અને જાણે કે તે કુદરતી ચમત્કાર છે. ભુજના એક પર્યટન સ્થળ પાસે પાણીના ઘર્ષણના કારણે પથ્થરમાં નંદી મહારાજ જેવી આકૃતિ સર્જાઇ છે.

કચ્છની જમીનમાં ધરબાયેલી ખનીજ સંપદા : સરહદી જિલ્લો કચ્છ તેની ભૌગોલિક વૈવિધ્યતા માટે જાણીતો છે. કચ્છની જમીનમાં ધરબાયેલી ખનીજ સંપદા થકી કચ્છના અનેક વિસ્તારોમાં આકર્ષિત કરતા રંગબેરંગી પથ્થરો જોવા મળે છે. જંગલ જેવા વિસ્તારોમાં વિશાળ પથ્થરો પર નદીના વહેણ અને પવનની થપાટો થકી સુંદર કોતરણી જોવા મળે છે. આ કોતરણી થકી પથ્થરો પર અવનવી કૃતિઓ પણ સર્જાતી હોય છે.

"કચ્છના પ્રખ્યાત કડિયા ધ્રો સમાન વિવિધ આકારના પથ્થરો અહીઁ જોવા મળ્યા હતા. હજારો વર્ષોથી વહેતા નદીના પાણીના કારણે કડિયા ધ્રોમાં જે રીતે પથ્થરોમાં પણ વિવિધ કોતરણી જોવા મળે છે તેવા જ પ્રકારની કોતરણી આ મિની કડિયા ધ્રો ખાતે પણ જોવા મળે છે. રંગબેરંગી નદીનું પટ અહીં જોવા મળે છે. તે દરમિયાન વિડીયો લેતી વખતે અચાનકથી આ બધા જ પથ્થરો વચ્ચે એક પાંચ ફૂટથી પણ ઊંચો અને અઢી ફૂટ પહોળો પથ્થર સાક્ષાત નંદી મહારાજના દર્શન કરાવે છે તેવો આભાસ થયો હતો. પ્રસિદ્ધ ધોસા મહાદેવ મંદિર પાસે આ પ્રકારની કૃતિ ભાવિકોને પણ ખૂબ આકર્ષે છે. કુદરતી રીતે પાણી અને હવાના કારણે આવી કૃતિ રચાઈ છે."અભિષેક ગુસાઇ (પર્યટક)

ધોસા મહાદેવ પાસે નદીના પટમાં રંગબેરંગી પથ્થરોની સુંદરતા : ભુજ શહેર નજીક આવેલા ધોસા મહાદેવ પાસે પણ એક આવો વિસ્તાર આવેલો છે. જ્યાં નદીના પટ પર આવેલા રંગબેરંગી પથ્થરો પર સુંદર નક્શીકામ થયું હોય તેવી આકૃતિઓ જોવા મળે છે. ધોસા મહાદેવ મંદિરથી આગળ કોઈ પાકો રસ્તો નથી, પરંતુ કાચા રસ્તાઓ પરથી પસાર થઈ આ નદીના પટ સુધી પહોંચી શકાય છે જ્યાં આ લાલ અને ભૂરા રંગના પથ્થરો વિશાળ માત્રામાં જોવા મળે છે. ભુજના યુવાનો અવારનવાર આ સ્થળે ફરવા માટે જતા હોય છે.

કુદરતનો કરિશ્મા : કચ્છની જુદી જુદી જગ્યાઓ એક્સપ્લોર કરતા ભુજના અભિષેક ગુસાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે,"હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો સાથે ધોસા મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતાં ત્યારે આ વિસ્તારમાં પણ ગયા હતાં. ત્યાં પગદંડી પર ગયા અને ત્યાં નદીનું પટ અમને જોવા મળ્યું કે જેને મીની કડિયા ધ્રો કહી શકાય તેવો વિસ્તાર જોવા મળ્યો હતો."

  1. Kutch News : કચ્છના ધીણોધર ડુંગરનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, નયનરમ્ય નજારા સાથે પ્રવાસીઓનું માઈન્ડ ફ્રેશનું કેન્દ્ર
  2. kutch News : કચ્છની ભૂમિ પરથી મળ્યો રંગોનો વિસ્મિત કરતો નજારો, ધીણોધર નાની અરલ સુંદર દ્રશ્યોનો બર્ડ વ્યૂ જૂઓ
  3. જાણો Matana Madh પાસે આવેલ Planet Mars જેવી 3થી 4 વર્ગ કિલોમીટરની રંગીન ભૂમિ વિશે

ABOUT THE AUTHOR

...view details