ગુજરાત

gujarat

ખેડાના બે ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 7:57 PM IST

Kheda
Kheda

ખેડા જિલ્લાના બે ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોતનો મામલો હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે. મળતી માહિતી અનુસાર આયુર્વેદિક સીરપ પીધા બાદ આ બનાવ બન્યો હતો. સમગ્ર મામલે સરકારના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ બાદ આ લઠ્ઠાકાંડનો મામલો હોવાની આશંકા છે.

ખેડામાં લઠ્ઠાકાંડની આશંકા

ખેડા :ખેડા જિલ્લાના બિલોદરા અને બગડું ગામમાં બે દિવસમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થવા પામ્યા છે. પાંચ વ્યક્તિના શંકાસ્પદ મોત થતા વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. મોતના પગલે કથિત લઠ્ઠાકાંડ હોવાની આશંકાને લઈ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનિય છે કે, આયુર્વેદિક સીરપ પીધા બાદ લોકોને માથામાં દુખાવો, મોંમાંથી ફીણ આવવા જેવી તકલીફ થઈ હતી. જે બાદ તેમના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

નશીલા સીરપનો કારોબાર : મળતી માહિતી અનુસાર ગામમાં કરિયાણાની દુકાન ચલાવતો નારાયણ ઉર્ફે કિશોર સોઢા આયુર્વેદિક સીરપનું વેચાણ કરે છે. ત્યારે નશીલા સીરપનો કાળો કારોબાર પણ જિલ્લાના અંતરિયાળ ગામો સુધી ફેલાયો હોવાનું અને તેનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હોવાનું પણ આ ઘટનાથી સામે આવ્યું છે.

લઠ્ઠાકાંડની આશંકા : શંકાસ્પદ લઠ્ઠાકાંડની આશંકાને લઈ ઉચ્ચ અધિકારીઓ પણ ખેડા દોડી આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય, અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ તેમજ રેન્જ આઈજી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં સમગ્ર મામલે જાણકારી મેળવી અધિકારીઓને દિશાનિર્દેશ કર્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ બિલોદરા ગામની મુલાકાત લઈ મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

5 લોકોના શંકાસ્પદ મોત : મેઘાસવ આયુર્વેદિક પીણું પીવાના કારણે પાંચ લોકોના મોત નિપજ્યા હોવાની પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સીરપમાં 11 ટકા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ હોવાનું એના કન્ટેન્ટમાં જણાવાયુ છે. જોકે બનાવ બાદ ગામમાં હાલ આ કિશન કિરાણા સ્ટોર બંધ છે. પોલીસ દ્વારા કિશન સોઢાની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી રહી છે. કિશન સોઢાના પિતા દ્વારા પણ સીરપ પીવામાં આવી હતી. અમદાવાદમાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હોવાની જાણકારી મળી રહી છે.

મહેફિલ માતમમાં ફેરવાઇ :બિલોદરા ગામમાં દેવ દિવાળીના દિવસે માતાજીની માંડવીનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં કેટલાક યુવાનો દ્વારા મહેફિલ માણવામાં આવી હતી. જે નશો જીવલેણ પુરવાર થતા મહેફિલ માતમમાં ફેરવાઇ ગઇ હતી. મોટી સંખ્યામાં યુવાનો દ્વારા આ સીરપ પીવામાં આવી હતી એમ જાણવા મળી રહ્યું છે. યુવાનોના મોત થતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગ્રામજનો દ્વારા ગામમાં આવો બનાવ ફરી ન બને તે માટે લોકોને જાગૃત કરવા સાથે આવી વસ્તુનું ગામમાં વેચાણ ન થાય તે માટે તેનો વિરોધ કરવાનો નિર્ણય લેવાયો છે.

તંત્ર પર જનતાનો આક્ષેપ : લોકચર્ચા અનુસાર આ સમગ્ર મામલામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીની નિષ્ફળતા વધુ એક વખત છતી થવા પામી છે. જિલ્લામાં અગાઉ પણ મરચું, હળદર, ઘી સહિતના બનાવટી ખાદ્ય પદાર્થોનો પોલીસ દ્વારા પર્દાફાશ કરાયો છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લામાં કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. સીરપ પીવાથી મોતની આ ઘટનાના પગલે આયુર્વેદિક સિરપના નામે જિલ્લામાં નશીલા પદાર્થોનું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઉંઘતુ ઝડપાતા વિભાગની બેજવાબદારીનો લોકો ભોગ બન્યા છે.

સમગ્ર મામલે સઘન તપાસ : હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા જણાવાયું હતું કે, આયુર્વેદિક સીરપનો નમુનો સાયન્ટિફિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેમજ હાલ જિલ્લા પોલીસ દ્વારા એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કયા તબક્કે સીરપમાં નશીલા પદાર્થો ભેળવ્યા તેની પણ હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સીરપ વેચનાર અને જ્યાંથી લાવીને વેચવામાં આવી રહ્યુ હતું તેની પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.

  1. નડિયાદ આયુર્વેદિક સીરપથી મોત મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરે આપ્યું નિવેદન
  2. બે દિવસમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, આયુર્વેદિક સિરપ પીધા બાદ 3 લોકોના મોત, 55થી વધુ લોકોએ ખરીદી હતી આર્યુવેદિક સિરપ: DGP વિકાસ સહાય

ABOUT THE AUTHOR

...view details