ગુજરાત

gujarat

જમીન અને પાણી જીવનનો સ્ત્રોત થીમ પર વિશ્વ જમીન દિવસની ઉજવણી

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 6:20 PM IST

આજે પાંચમી ડીસેમ્બરે વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આધુનિક ખેતીમાં વપરાતાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વપરાશને લઇને કૃષિ વૈજ્ઞાનિકો શા માટે ચિંતા જતાવે છે તે જોઇએ.

જમીન અને પાણી જીવનનો સ્ત્રોત થીમ પર વિશ્વ જમીન દિવસની ઉજવણી
જમીન અને પાણી જીવનનો સ્ત્રોત થીમ પર વિશ્વ જમીન દિવસની ઉજવણી

કૃષિ વૈજ્ઞાનિકોની ચિંતા

જૂનાગઢ : જમીન અને પાણી જીવનના સ્ત્રોત તેવી થીમ સાથે આજે વિશ્વ જમીન દિવસની ઉજવણી થઈ રહી છે. આધુનિક યુગમાં ખેતી પણ આધુનિક બની રહી છે પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધેલા વપરાશને કારણે જમીનની ફળદ્રુપતાની સાથે તેની ગુણવત્તા અને કૃષિ પેદાશોના ઉત્પાદન પર ખૂબ માઠી અસર થાય છે.

કૃષિ ઉત્પાદનોમાં ખૂબ મોટી ઘાત : ત્યારે આજના દિવસે ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની જગ્યા પર પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવો સમય આવી પહોંચ્યો છે. સતત જમીનનું બંધારણ બગડી રહ્યું છે જેને કારણે પણ કૃષિ ઉત્પાદનોમાં ખૂબ મોટી ઘાત જોવા મળે છે.

આજે વિશ્વ જમીન દિવસ : દર વર્ષે પાંચમી ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી થાય છે. ત્યારે આ વર્ષની ઉજવણી જમીન અને પાણી જીવનના સ્ત્રોત થીમ પર થઈ રહી છે. આધુનિક સમયમાં ટેકનોલોજીના વ્યાપની વચ્ચે ખેતી પણ હવે આધુનિક ઢબે થવા જઈ રહી છે. જેને કારણે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓનો સતત અને અતિરેક પૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે. જેને કારણે જમીનની ગુણવત્તા નબળી પડી રહી છે, સાથે સાથે દર વર્ષે કૃષિ ઉત્પાદનમાં પણ ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની પાછળ બેફામ રીતે ઉપયોગ કરવામાં આવતા રાસાયણિક ખાતરો અને દવાઓને ઘટાડીને જમીન દિવસની ઉજવણી કરવી જોઈએ તેવું વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે.

જમીનમાંથી પોષક તત્વો ઘટ્યાં : આજની ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખાતર અને દવાઓનું ઉપયોગ સતત થઈ રહ્યો છે જેને કારણે જમીનમાંથી પોષક તત્વોનું પ્રમાણ નહીવત સ્તરે જોવા મળે છે. કોઈ પણ વનસ્પતિને તેના સંપૂર્ણ સાયકલ દરમિયાન જમીનમાંથી 17 જેટલા પોષક તત્વો મળવા જોઈએ. પરંતુ રાસાયણિક ખાતર અને દવાઓની આડઅસરને કારણે જમીન પોષક તત્વ વિહોણી બની ગઈ છે. જેથી વનસ્પતિ અને ખાસ કરીને કૃષિ ઉત્પાદનો નબળા બની રહ્યા છે. સેન્દ્રીય ખાતરનો ઉપયોગ આજે નહીંવત જોવા મળે છે, જેને કારણે પણ જમીનની ગુણવત્તા બગડી રહી છે. રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ થવાને કારણે જમીનમાંથી સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ પણ ખૂબ જ નહીવત સ્તરે જોવા મળે છે જેની વિપરીત અસરો ઉત્પાદન પર પણ જોવા મળી છે.

જમીનના સૂક્ષ્મ જીવોનું પ્રમાણ ઘટ્યું :કોઈપણ કૃષિ પાકો માટે ખાતર કરતાં પણ સૌથી વધારે મહત્વના સૂક્ષ્મ જીવાણુઓ માનવામાં આવે છે. જે જમીનમાં રહેવાને કારણે કૃષિ પાકોને મદદરૂપ બનતા હોય છે. સૂક્ષ્મ જીવોનો ખોરાક સેન્દ્રીય કાર્બન છે. જે સેન્દ્રીય ખાતરમાંથી સૂક્ષ્મ જીવાણુઓને મળતો હોય છે. આ સૂક્ષ્મ જીવાણુઓ સેન્દ્રીય કાર્બનને રૂપાંતરિત કરીને વનસ્પતિને ઉપયોગી એવા રૂપમાં પરિવર્તિત કરે છે. હવે જ્યારે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ નહિવત થયો છે. જેને કારણે સેન્દ્રીય કાર્બનને ખોરાક તરીકે ઉપયોગ કરીને તેમાંથી વનસ્પતિને સીધું સેન્દ્રીય કાર્બન પૂરો પાડતા જીવાણુઓની સંખ્યા પણ ઘટી છે. જેથી વનસ્પતિને કે કોઈપણ કૃષિ પાકોને જીવન ચક્ર દરમિયાન મળતાં 17 પોષક તત્વોનો પણ નાશ થયો છે જેથી કૃષિ પાકોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે.

દરિયાઈ ખારાશ પણ એક મુદ્દો :જે રીતે રાસાયણિક ખાતરો અને દવાઓ જમીનને બિનઉપજાઉ બનાવી રહી છે, તેવી જ રીતે સતત આગળ વધતું દરિયાનું પ્રમાણ પણ ખેતીલાયક ઉપજાઉ જમીનને ફ્લોરાઈડયુક્ત બનાવી રહી છે. જેથી પણ કૃષિ ઉત્પાદન ખૂબ નબળું થઈ રહ્યું છે. વધુમાં આજના સમયમાં કૃષિ પાકો માટે ખેડૂતો રાસાયણિક ખાતરની સાથે જંતુનાશક ફૂગ નાશક અને નિંદામણનાશક અલગ અલગ દવા અને રસાયણનો ઉપયોગ કરે છે. જે જમીનમાં સીધા ભળવાની સાથે ઉત્પાદિત થતા કૃષિ પેદાશોમાં પણ જોવા મળે છે. જેને કારણે પણ કેટલાક અસાધ્ય રોગો આજે સામાન્યપણે જોવા મળી રહ્યા છે. તે તમામના મૂળમાં જમીનમાંથી ઉત્પાદિત થયેલ રાસાયણિક ખાતર અને દવાયુક્ત કૃષિ પેદાશોને માનવામાં આવે છે.

  1. ખેતીની સાથે પર્યાવરણની જાળવણી કરવા શંખેશ્વર પંથકના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા
  2. Course of natural farming : બાળકો ભણશે પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમ, કયા ધોરણથી શરુ થશે અને શું ભણાવાશે તે જાણો

ABOUT THE AUTHOR

...view details