ગુજરાત

gujarat

Wildlife Week 2023 : જૂનાગઢમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી, સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 6:38 PM IST

2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય દ્વારા આજે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જોકે વિદ્યાર્થીનીઓની સંખ્યાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ તમામની વચ્ચે મણિપુરથી અભ્યાસ માટે આવેલા એક વિદ્યાર્થીએ માત્ર પેન્સિલની મદદથી કાગળ પર સિંહનું આબેહૂબ ચિત્ર બનાવ્યું હતું.

Wildlife Week 2023
Wildlife Week 2023

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન

જૂનાગઢ :દર વર્ષની માફક આ વર્ષે પણ 2 ઓક્ટોબરથી લઈને 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના સંયુક્ત ઉપક્રમે શાળા કોલેજમાં અભ્યાસ કરતા બાળકો માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાની શાળાઓના 250 કરતાં વધુ બાળ ચિત્રકારોએ ભાગ લીધો હતો.

વન્યજીવ પર ચિત્ર સ્પર્ધા :બાળકોએ વન્યજીવ સૃષ્ટિને કાગળ પર કંડારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા સૌથી વધારે ધ્યાન આકર્ષિત કરી રહી હતી. આ તમામની વચ્ચે અભ્યાસ માટે જૂનાગઢ આવેલા મણીપુરના એક વિદ્યાર્થીએ માત્ર પેન્સિલના ઉપયોગથી જંગલના રાજા સિંહને કાગળ પર આબેહૂબ ઉપસાવવાનો પ્રયાસ કર્યો હતો. શાળામાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી જે રીતે કાગળ પર સિંહને કંડારી રહ્યો હતો, તે જોતા એવું ચોક્કસ કહી શકાય કે સિંહ કાગળમાંથી જીવતો થઈને બહાર આવશે. આ પ્રકારના અદભુત કલા વારસાના દર્શન આજે વન્યજીવ સપ્તાહ અંતર્ગત આયોજિત ચિત્ર સ્પર્ધામાં સામે આવ્યા હતા.

સિંહનું અદ્ભુત ચિત્ર :ચિત્ર સ્પર્ધાને લઈને મણીપુરના વિદ્યાર્થીએ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે પાછલા પાંચ વર્ષથી ચિત્રકલાને લઈને ખૂબ જ ઉત્સાહ સાથે કામ કરી રહ્યો છે. અભ્યાસની સાથે ચિત્રકલામાં પણ તે ખૂબ નિપુણ બનવા માંગે છે. સ્પર્ધામાં તેણે સિંહના ચિત્રને લઈને પણ તેનો પ્રતિભાવ આપ્યો અને જણાવ્યું હતું કે, સિંહ સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાત અને ભારતમાં જ જોવા મળે છે. જેને કારણે સિંહને કાગળ પર કંડારીને આ પ્રકારની ચિત્ર સ્પર્ધામાં કંઈક અનોખું આપી શકાય તે માટેનો તેણે પ્રયાસ કર્યો હતો. સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી ભવિષ્યમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતીય સેનામાં કામ કરવા માંગે છે. ઉપરાંત એક સારા ચિત્રકાર તરીકે અલગ ઓળખ ઊભી થાય તે માટે અત્યારથી જ કામ કરી રહ્યો છે.

વન્યજીવ સપ્તાહની ઉજવણી : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર નીરવ મકવાણાએ ઈટીવી ભારતને આપેલી વિગતો અનુસાર દર વર્ષે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી થતી હોય છે. તે દરમિયાન વિવિધ સ્પર્ધા અને વિદ્યાર્થીઓમાં અનેક નવા ગુણ કેળવાય તે માટેનું આયોજન થતું હોય છે. આગામી અઠવાડિયા દરમિયાન આ જ પ્રકારે શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં વન્યજીવ સૃષ્ટિની સાથે સમાજ જીવન અને એક ઉત્તમ નાગરિકનું નિર્માણ થઈ શકે તે પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓની સાથે સામાન્ય નાગરિકો પણ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે.

  1. વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત સકરબાગ ઝૂમાં વિનામૂલ્યે પ્રવેશ
  2. junagadh wild wolves : સક્કરબાગમાં જન્મેલા વરુઓ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે

ABOUT THE AUTHOR

...view details