ગુજરાત

gujarat

Gir Somnath News: માસિયાઈ ભાઈની કથિત આત્મહત્યામાં નામ ખુલ્યા બાદ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિસ્તૃત તપાસની કરી માંગણી

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 5:28 PM IST

ગીર સોમનાથના કૉંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તેમના માસિયાઈ ભાઈની આત્મહત્યા બાબતે વિસ્તૃત તપાસની માંગણી કરી છે. ચુડાસમાએ મૃતકના મોબાઈલ શોધવા, કોલ ડિટેલ મેળવવા અને બીજા પણ અનેક પાસાની વિસ્તૃત તપાસની માંગણી કરી છે.

ધારાસભ્ય વિમલ ચુડાસમા
ધારાસભ્ય વિમલ ચુડાસમા

ગીર સોમનાથઃ કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ એક કથિત આત્મહત્યામાં બહાર આવ્યું છે. વિમલ ચુડાસમાના ચોરવાડ ખાતે રહેતા માસિયાઈ ભાઈ નીતિન પરમારે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યાના મામલે પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં 3 નામોને લીધે આત્મહત્યા કરી હોવાનું લખ્યું છે. જે પૈકી એક નામ ગીર સોમનાથના કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું પણ છે. આ નામ બહાર આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જો કે વિમલ ચુડાસમાએ આ આરોપને નકારી કાઢ્યો છે. તેમણે આ સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસની માંગણી કરી છે.

વિમલ ચુડાસમાની માંગણીઃ સ્યુસાઈડ નોટમાં પ્રાચીના રહેવાસી ભનુ કવા અને મનુ કવા ઉપરાંત વિમલ ચુડાસમા એમ કુલ 3 વ્યક્તિઓના નામ છે. આ ત્રણ જણના ત્રાસને લીધે મૃતકે આત્મહત્યા કરી હોવાનો નોટમાં ઉલ્લેખ છે. આ સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ગઈ છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતાના વિરુદ્ધ કોઈ ષડયંત્ર થઈ રહ્યું હોવાનું જણાવે છે. ચુડાસમાએ આ કથિત રીતે થયેલ આત્મહત્યામાં કેટલાક શંકાસ્પદ સવાલો પણ રજૂ કર્યા છે. જેમાં ઘટના સ્થળેથી મૃતકને કોણ હોસ્પિટલ સુધી પહોંચાડી ગયું તે મોટો કોયડો છે. સીસીટીવી ફૂટેજમાં અજાણ્યા સખ્શો મૃતદેહને હોસ્પિટલ લાવ્યા હોવાનું બહાર આવ્યું છે. તેમજ સ્યુસાઈડ નોટમાં કેટલીક વાતો અંગ્રેજીમાં લખી છે. મૃતકને અંગ્રેજી આવડતું જ નહતું તેવો દાવો ધારાસભ્ય કરી રહ્યા છે. મૃતકના શરીરના કેટલાક અંગો પર માર મારવાના નિશાન પણ જોવા મળ્યા છે. તેમજ મૃતકનો મોબાઈલ પણ લાપતા છે જેને પોલીસ શોધે અને કોલ ડિટેલ્સ તપાસે તેવી માંગણી વિમલ ચુડાસમા કરી રહ્યા છે. આ સમગ્ર મામલે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ 3થી 4 દિવસ બાદ આવશે. આ રિપોર્ટમાં મૃતકના મૃત્યુનું કારણ સામે આવશે.

સમગ્ર ઘટનાક્રમઃ મૃતક નીતિન પરમાર ધારાસભ્ય વિમલ ચુડાસમાની પ્રથમ ટર્મ દરમિયાન તેમની ઓફિસમાં કાર્યરત હતો. મૃતકના લગ્ન વિમલ ચુડાસમાએ પ્રાચી મુકામે કરાવ્યા હતા. જો કે વિમલ ચુડાસમા અને મૃતક વચ્ચે છેલ્લા 2 વર્ષથી કોઈ સંપર્ક ન હોવાનું ધારાસભ્ય જણાવી રહ્યા છે. આત્મહત્યાના થોડા દિવસ અગાઉ નીતિન પરમાર પ્રાચી ગયો હતો. ત્યાં પણ તેણે કંઈક કંકાસ કર્યો હતો. તે સમયે 181ની ટીમે નીતિનનું સમાધાન કરાવ્યું હતું. આ ઘટનાના બે દિવસ બાદ નીતિને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઈડ નોટમાં જે ત્રણ નામ છે તેમાં એક ધારાસભ્ય વિમલ ચુડાસમા અને બીજા તેમના સસરા ભનુ કવા અને કાકા સસરા મનુ કવાના નામનો ઉલ્લેખ છે.

  1. Gujarat High Court News : કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સજાની માફી માટે હાઇકોર્ટમાં અરજી કરી
  2. MLA Vimal Chudasma : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાના ગપગોળાને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પાયાથી નકાર્યા

ABOUT THE AUTHOR

...view details