ગુજરાત

gujarat

Ration Shop Owners Strike: સસ્તા અનાજના દુકાનદારોની હડતાળથી ગરીબોને મળતું અનાજ અટકી નહીં જાયઃ કુંવરજી બાવળિયા

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 3:28 PM IST

રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો રાજ્ય સરકાર પાસે વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. જો કે રાજ્ય સરકાર આ વખતે સસ્તા અનાજના દુકાનદારોને તાબે થવા ન માંગતી હોય તેવું વલણ અપનાવ્યું છે. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ હડતાળ થશે તો પણ ગરીબોને મળતા અનાજ નહીં અટકે તેવું જણાવ્યું છે. વાંચો આ મુદ્દે રાજ્ય સરકારના વલણ વિશે વિગતવાર.

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળથી ગરીબોને મળતું અનાજ અટકી નહીં જાયઃ બાવળિયા
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળથી ગરીબોને મળતું અનાજ અટકી નહીં જાયઃ બાવળિયા

રાજ્ય સરકારનું વલણ

ગાંધીનગરઃ ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો અત્યારે રાજ્ય સરકાર સમક્ષ વિવિધ પડતર માંગણીઓ પૂરી કરવા મુદ્દે રજૂઆત કરી રહ્યા છે. આ દુકાનદારોએ પડતર માંગણીઓ ઝડપથી પૂરી નહિ કરવામાં આવે તો હડતાળની પણ ચીમકી ઉચ્ચારી છે. જો કે રાજ્ય સરકાર આ વખતે આ દુકાનદારોને તાબે નહી થાય તેવુ વલણ દર્શાવી રહી છે. રાજ્ય સરકારના પ્રધાન કુંવરજી બાવળિયાએ વૈકલ્પિક વ્યવસ્થાનો દાવો કર્યો છે. તેમણે ગરીબોને તહેવાર સમયે મળતા અનાજનો જથ્થો સમયસર મળી રહેશે તેવી હૈયાધારણ પણ આપી છે.

રાજ્ય સરકારનું વલણઃ સસ્તા અનાજના દુકાનદારોની પડતર માંગણીઓ માટે રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર 2022ના રોજ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દુકાનદારોને કમિશન ચૂકવવા માટે સરકાર સંમત થતા સમાધાન થયું હોવાથી મામલો થાળે પડી ગયો હતો. હવે દિવાળીના તહેવારોમાં સસ્તા અનાજના દુકાનદારો ફરીથી સરકાર સામે પડ્યા છે. રાજ્ય સરકાર આ દુકાનદારોને કોઈ ગેર સમજ થઈ હોય તો તેમની સામે બેઠક કરવા તૈયાર છે. જો કે રાજ્ય સરકાર આ વખતે દુકાનદારોને તાબે થવાના મૂડમાં નથી. રાજ્ય સરકારે ગરીબોના શોષણ થકી દુકાનદારોની માંગણીઓ ન સંતોષવાનો અભિગમ જાહેર કર્યો છે. એસોસિયેશન વારંવાર માંગણીઓ કરીને રાજ્ય સરકાર પર દબાણ ઊભુ કરવાનો પ્રયત્ન કરે છે. જો એસોસિયેશન નહિ સુધરે તો સસ્તા અનાજની દુકાનોના લાયસન્સ પણ કેન્સલ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે.

વૈકલ્પિક વ્યવસ્થાઃ રાજ્ય સરકારે તહેવાર ટાણે ગરીબોને કોઈપણ ભોગે અનાજનો જથ્થો મળી રહેશે તેવી સગવડ હાથ ધરી છે. જો સસ્તા અનાજના દુકાનદારો ગાંઠશે નહિ તો સરકાર પાસે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. જે અંતર્ગત સહકારી મંડળીઓ, ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્રને સાથે રાખીને અનાજનો જથ્થો પહોંચાડવામાં આવશે. ઉપરાંત દિવાળી માટે રાજ્ય સરકારે જે જથ્થો સસ્તા અનાજની દુકાને પહોંચાડ્યો છે તે જથ્થાને પરત ખેંચીને સહકારી મંડળીને આપીને પણ કાર્ડ ધારકોને અનાજ પૂરુ પાડવામાં આવશે.

જો સસ્તા અનાજના દુકાનદારો ગાંઠશે નહિ તો સરકાર પાસે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. અમારી પાસે આજ સાંજ સુધી બધો ડેટા આવી જશે. અમે તહેવારોમાં ગ્રામ્ય અને અર્બન વિસ્તારોમાં ગરીબોને કોઈપણ ભોગે અનાજનો જથ્થો પહોંચાડવા તૈયાર છીએ. જેમાં અમે સહકારી મંડળી, દૂધ મંડળી, ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્રની મદદ લઈશું...કુંવરજી બાવળિયા(અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન, ગુજરાત સરકાર)

  1. પડતર માંગણીઓને લઇ સરકારી સસ્તા અનાજની 350 જેટલી દુકાનો એક દિવસ હડતાળ પર ઉતર્યા
  2. સુરત: સસ્તા અનાજની દુકાનના વેપારીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, અન્ય વેપારીઓમાં ભયનો માહોલ

ABOUT THE AUTHOR

...view details