ગુજરાત

gujarat

Gujarat Assembly : વિધાનસભા સત્રમાં કાયદા-વ્યવસ્થા પર જામી ચર્ચા, પ્રતિ 30 દિવસે 45 મહિલાઓ પર બળાત્કારના કેસ

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 4:45 PM IST

આજે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરુ થયું છે. આજે વિધાનસભા ગૃહમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે ભારે ચર્ચા જામી હતી. કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં થયેલા ક્રાઈમના ડેટા રજૂ કરી સરકાર પર આકરા સવાલો કર્યા હતા. જેની સામે રાજ્ય ગૃહપ્રધાને જવાબો આપ્યા હતા.

Gujarat Assembly
Gujarat Assembly

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક એવા ગૃહ વિભાગને લઈને કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી અને શૈલેષ પરમારે પ્રશ્નો કર્યા હતા. જેમાં તુષાર ચૌધરીએ કેન્દ્ર સરકારના ડેટાના આધારે વિધાનસભા ગ્રુપમાં નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં પ્રતિ 30 દિવસે 45 જેટલી મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. ત્યારે સરકારે પણ અનેક ગુનેગારોને ફાંસીની સજા અને આજીવન સજા અપાવી હોવાનો જવાબ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યો હતો.

વિપક્ષના આકરા પ્રશ્ન :કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રશ્નોત્તરીમાં નેશનલ ક્રાઇમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલ બળાત્કાર અને મહિલા અત્યાચારના ડેટા ગૃહમાં રજૂ કર્યો હતો. તેના મુજબ તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં પ્રતિ વર્ષે 550 જેટલી મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. રાજ્યમાં પ્રતિ 30 દિવસે રાજ્યમાં 45 મહિલાઓ પર બળાત્કાર થાય છે અને 100 મહિલાઓ પર હુમલા થાય છે. આ મહિલાઓના સુરક્ષા માટે રાજ્ય સરકાર કોઇ કમિટી બનાવી છે કે નહીં અથવા રાજ્ય સરકાર કમિટી બનાવવા માગે છે કે નહીં તેવા પ્રશ્નો વિધાનસભા ગૃહમાં કર્યા હતાં. ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મહિલા સુરક્ષા માટે કમિટી ક્યારે બનાવશો તેની માહિતી સરકાર પાસે માંગી હતી.

સરકારે આપ્યો જવાબ :રાજ્યમાં મહિલા સુરક્ષા અને કમિટી બનાવવા બાબતે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહમાં જવાબ આપતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં બળાત્કારના 11 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. બળાત્કાર જેવા ગુના સાથે જોડાયેલા 68 આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. રાજ્ય પોલીસે બળાત્કાર જેવા ગુનામાં 24 કલાકમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. સુરત જિલ્લા અને શહેરમાં બળાત્કારના ગુનામાં આરોપીને 60 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં બળાત્કાર જેવી એક પણ ગુનો ન નોંધાય તે માટે પોલીસ રાતદિવસ કામગીરી કરી રહી છે.

મહિલા સુરક્ષા સમિતિ :રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, દેશમાં અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ક્રાઈમ રેટ ખુબ ઓછો છે. તમે કોઈ પણ રાજ્યના ક્રાઈમ રેટ સાથે કંપેર કરી શકો છો. જ્યારે દેશમાં બળાત્કારનો ક્રાઈમ રેટ 4.8 છે અને ગુજરાતનો ક્રાઇમ રેટ 1.8 છે. મારુ માનવું છે કે, ગુજરાતનો ક્રાઈમ રેટ 1.8 વધુ છે. ગુજરાતમાં એક પણ બળાત્કાર ગુનો નોંધાય તો સદનમાં બેઠેલા બધા માટે શરમજનક બાબત છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતુ કે, મહિલા સુરક્ષા સમિતિ મામલો 27 વર્ષથી પેન્ડિંગ નથી. કમિટી 2014 અને 2017માં બનાવામાં આવી હતી પણ સમય પૂર્ણ થઇ ગયો છે. જ્યારે હવે મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપથી બનાવીશુ.

  1. Monsoon Session Of Gujarat Assembly: ચોમાસું સત્ર હંગામેદાર રહેવાના સંકેતો, જાણો શું રહેશે કોંગ્રેસની રણનીતિ?
  2. Gujarat e Assembly : ઓનલાઈન MLA પ્રેઝન્ટ, આઈ ડિટેક્શન સિક્યુરિટી, 2 સર્વરથી સજ્જ હશે ગુજરાત ઈ-વિધાનસભા

ABOUT THE AUTHOR

...view details