ગુજરાત

gujarat

Cyclone Biparjoy: તૌકતે વાવાઝોડા બાદ ફરી વખત દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધજા ફરકાવાઈ

By

Published : Jun 11, 2023, 4:44 PM IST

દેશમાં કોઈ દુર્ઘટના બને તો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો રિવાજ છે, પરંતુ તૌકતે વાવાઝોડા બાદ આજે ફરી એકવાર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધજા ફરકાવવામાં આવે છે. અવિરત વરસાદને પગલે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. તંત્રની સલાહને લઈને નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

cyclone-biparjoy-dwarkadhish-temple-again-half-saddled-after-storm-cyclone-tauktae
cyclone-biparjoy-dwarkadhish-temple-again-half-saddled-after-storm-cyclone-tauktae

દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધજા ફરકાવાઈ

દ્વારકા:યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર ધ્વજાનું અનેરું મહત્વ છે. ભગવાનના ભક્તો ખૂબ ધામધૂમથી ધજા ચડાવવા પહોંચે છે. આજ રોજ વાવાઝોડાની સંભાવનાને લઈ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા મંદિરના શિખર પર ધ્વજદંડના બદલે અડધી કાઠીએ ધજા ફરકાવવામાં આવે તેવું સૂચન કર્યું છે. મહત્વનું છે કે વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારીઓ રખાઈ રહી છે. દ્વારકાના જગત મંદિર પર ફરકાવવામાં આવતી ધજાને શિખર પરના ધ્વજદંડના બદલે શિખર પર અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે.

મંદિરની વર્ષોથી પરંપરા: દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચઢે. નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીઓ હોય છે પરંતુ દ્વારકા મંદિરનું એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનુ કામ કરે છે.

અબોટી બ્રાહ્મણો ચઢીને જ ધજા ચઢાવે છે:જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધ્વજા ચઢાવવાનુ કામ કરે છે, તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટુ સાહસ છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચઢાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછુ નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનુ ક્યારેય ચૂકતા નથી.

પરંપરા અકબંધ:ખાસ કરીને ચોમાસું અને ભારે પવન હોય ત્યારે આ કામમાં મોટુ જોખમ રહેલું છે. જોકે આવા સમયે પણ પ્રથા તો બંધ કરાતી જ નથી. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનુ ચુકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા તો ચઢે છે. પરંતુ તેની ઊંચાઈ કરતા ઓછી હાઈટ પર ચઢાવાય છે. જેથી અબોટી બ્રાહ્મણનો જીવ જોખમાય નહિ.

કોઈ પણ સેફટી વગર ચઢાવાય છે ધજા:મંદિરમાં અડધી કાઠીએ ધજા ચઢાવવા જેવો કોઈ શબ્દ જ નથી. કારણ કે, પરંપરા મુજબ વર્ષોથી ધજા ચઢે જ છે. અડધી કાઠી એટલે કંઈ બન્યુ હોય તો આવો શબ્દ વપરાત પરંતુ દ્વારકા મદિરમાં જે ધ્વજા અડધે ચઢે છે તેને અડધી પાટલીએ ધજા કહેવાય છે. લોકો તેનુ અર્થઘટન ખોટુ કરે છે. ધજા ચઢે તો છે પણ પાંચ ફૂટ નીચે છે. કારણ કે ધ્વજા ચઢાવવા ન તો કોઈ સીડી છે, ન તો કોઈ સાધન છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે 150 ફૂટ ઊંચે ચઢે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. તેમની આસ્થા છે કે તેઓ પાતાના હાથથી ધજા ચઢાવે છે. અત્યાર સુધી માત્ર એક જ વાર અકસ્માત થયો હતો કે, ધજા ચઢાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફ્ટીના સાધનો પણ આપવામા આવ્યા છે. છતા એ લોકો કોઈ સેફ્ટીનો ઉપયોગ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે, પ્રભુ તેમની રક્ષા કરે છે. માત્ર એક જ વાર અકસ્માત થયો છે. તે જોખમી કહેવાય પણ વિષય આસ્થાનો છે. પરંપરા અટકતી નથી, ગમે તેવા તોફાનમાં પણ દિવસે પાંચ દિવસ ધજા નિયમિત ચઢે જ છે. ધજા ચઢાવતા સમયે અબોટી બ્રાહ્મણ લસરી ન જાય તે માટે થોડી નીચે ધજા ચઢાવાય છે.

તૌકતે બાદ ફરી અડધી કાઠીએ ધજા: લોકો અડધી કાઠીથી ખોટુ અર્થઘટન કરે છે. દ્વારકા મંદિર માટે અડધી કાઠીએ ધજા એ શબ્દ યોગ્ય ન કહેવાય. આ શબ્દ સોશિયલ મીડિયાથી ફેલાયો છે. જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે. 2001 માં આવેલા ભૂકંપ અને ગત વર્ષે તૌકતે સમયે પણ મંદિરમાં ધજા તો ચઢી જ હતી. નોંધનીય છે કે, એક વર્ષ અગાઉ તૌકતે વાવાઝોડામાં દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. આજે ફરી વખત દ્વારકાધીશ મંદિર પર અડધી કાઢીએ ધજા ફરકાવવામાં આવી છે.

દરરોજ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે:દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધજા ફરકાવવામાં આવે છે. જેની પછાળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લાગતા હતા. અન્ય 52 પ્રકારના યાદવોનાં પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે. ઉપરાંત 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. એટલે 52 ગજની ધજા ચડાવાય છે. આમ અનેક માન્યતાઓ પ્રચલિત છે.

અબોટી બ્રાહ્મણો જ હકદાર:દ્વારકાધીશની મંગલા આરતી સવારે 7.30 વાગે, શ્રૃંગાર સવારે 10.30 વાગે, ત્યાર બાદ સવારે 11.30 વાગે, તથા સાંજની આરતી 7.45 વાગે અને શયન આરતી 8.30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે. દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે નવી ધ્વજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હકદાર હોય છે અને તે કપડાંથી ભગવાનનાં વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.

  1. Cyclone Biparjoy: 15 જૂને વાવાઝોડું ગુજરાતને હિટ કરી શકે, 6 જિલ્લાની શાળામાં પ્રવેશોત્સવ મોકુફ
  2. Cyclone Biparjoy: માત્ર ગુજરાત જ નહીં આ રાજ્યો ઉપર પણ ભારે વરસાદનું મોટું જોખમ

ABOUT THE AUTHOR

...view details