ગુજરાત

gujarat

ડાંગમાં જિલ્લા અને તાલુકા પંચાયતની 48 સીટો ઉપર જંગ જામશે

By

Published : Jan 26, 2021, 12:49 PM IST

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરતા ડાંગ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચાર પ્રસારમાં લાગ્યાં છે. ચૂંટણીની જાહેરાત બાદ જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે.

ડાંગ જિલ્લા પંચાયત
ડાંગ જિલ્લા પંચાયત

  • ડાંગમાં જિલ્લા પંચાયતની કુલ 18 સીટો છે.
  • આહવા,વઘઇ અને સુબિર ત્રણે તાલુકા દીઠ 16 સીટો
  • કોંગ્રેસમાં નવાનિશાળીયા ઉમેદવારોને મેદાનમાં

ડાંગ : સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીમાં દરેક બેઠકો ઉપર બરોબરની જંગ યોજાશે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગત 23-01-2021નાં રોજ રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્થાનિક સ્વરાજ્યનાં એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણી યોજવા જાહેરાત કરતાની સાથે જ ડાંગ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.

ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપનેસરખી સીટો


ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની બેઠકોની વાત કરીએ તો ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો છે. ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનાં ફાળે 9 બેઠકો જ્યારે ભાજપાનાં ફાળે 9 બેઠકો હાથ લાગતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ ભાજપા પક્ષ દ્વારા સામ, દામ અને દંડની નીતિ અખત્યાર કરી કોંગ્રેસનાં 1 જિલ્લા સદસ્યને પ્રથમ સભામાં જ ગેરહાજર રાખતા અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતનાં પ્રમુખ પદ સહિત વિવિધ પદો ઉપર ભાજપાએ શાસન સંભાળ્યુ હતુ.

ગત અઢી વર્ષની ટર્મ ભાડપ કોંગ્રેસ બંન્નેએ સાથે સંભાળી હતી

ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અઢી વર્ષની ટર્મ માટે જિલ્લા પંચાયતનાં પ્રમુખપદ માટે ભાજપાનાં જ સદસ્ય દ્વારા બળવો કરી કોંગ્રેસ સાથે હાથ મિલાવતા આખરે ડાંગ જિલ્લા પંચાયતનની અઢી વર્ષની ટર્મ માટે બીબીબેન રમેશભાઈ ચૌધરીની પ્રમુખ પદ માટે વરણી કરાઈ હતી. જ્યારે ઉપપ્રમુખ પદ સહિત વિવિધ સમિતિઓ કોંગ્રેસનાં ફાળે આવતા ડાંગ જિલ્લા પંચાયત ભાજપા અને કોંગ્રેસ દ્વારા આપણે બે ભાઈ સરખાની નીતિથી સંભાળી હતી.


ગત તાલુકા પંચાયતની ત્રણે તાલુકામાં ભાજપ હતી

ત્રણેય તાલુકા પંચાયતની વાત કરીએ તો આહવા તાલુકા પંચાયત ઉપર પાંચ વર્ષ સુધી ભાજપાએ સત્તા સંભાળી હતી. જ્યારે કોંગ્રેસની ગઢ સમાન વઘઇ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનાં બાગી સભ્યોએ ભાજપા સાથે મળી કોંગી મહિલા પ્રમુખ સામે બે વખત અવિશ્વાસનીય દરખાસ્ત મૂકી સીટ છીનવી લીધી હતી. જ્યારે નવરચિત સુબિર તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ભાજપાએ ધુરા સંભાળી હતી. અહીં પણ છેલ્લા અઢી વર્ષનાં ટર્મમાં ભાજપી સભ્યોએ કોંગ્રેસ સાથે હાથ મિલીવીને શાશન સંભાળ્યુ હતુ.

ડાંગ કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ

હાલમાં જ ડાંગ 173 વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપાનાં વિજય પટેલે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. સાથે કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓમાં મંગળ ગાવીત, ચંદર ગાવીત, બાબુભાઇ બાગુલ સહિત અન્ય નેતાઓ હાલમાં જ કોંગ્રેસને રામ રામ કરી કેસરિયો ધારણ કરી લીધો છે. જેનાં પગલે ડાંગ કોંગ્રેસમાં હાલનાં તબક્કે કોઈ કદાવર નેતાન રહેતા ડાંગ કોંગ્રેસ પાર્ટી પોતાનાં અસ્તિત્વને બચાવવા માટે ઝઝૂમી રહી છે.


કોંગ્રેસ પક્ષનાં આગેવાનો ભાજપમાં જોડતા, ભાજપનાં જુના નેતાઓમાં નારાજગી

ડાંગ કોંગ્રેસમાંથી મોટાગજાનાં નેતાઓએ ભાજપામાં પ્રવેશ કરી કેસરીયો ધારણ કરતા ભાજપાનાં જુના જોગીઓનાં પત્તા કપાતા અમુક જગ્યાએ નારાજગીનાં સુર પણ સંભળાઈ રહ્યા છે. હાલ ડાંગમાં કોંગ્રેસ પક્ષમાં પીઢ નેતાઓનો અભાવ હોવાથી નવાનિશાળીયા ઉમેદવારોને મેદાનમાં ઉતારાશે તેવી ચર્ચા થઇ રહી છે. સાથે ત્રીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ ઝાડુ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને ઉતારવાનું બ્યુગલ ફૂંકતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details