ગુજરાત

gujarat

ડાંગ જિલ્લામાં સૌથી વધુ 70.32 ટકા મતદાન થયું

By

Published : Feb 28, 2021, 10:11 PM IST

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદારોએ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં મતદાન કર્યું હતુ. મતદાર જાગૃતિનાં સ્ટેટ આઇકોન સરિતા ગાયકવાડ સહિત યુવા મતદારો અને વયસ્ક મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ડાંગ
ડાંગ

  • જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધાયુ સરેરાશ 70.32 % મતદાન
  • 2015માં ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયતનું કુલ 71.46% મતદાન થયું
  • ડાંગ જિલ્લાની જાખના બેઠક પર સૌથી વધુ મતદાન 78.91%

ડાંગઃ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગનાં મતદાર જાગૃતિ કાર્યક્રમનાં સ્ટેટ આઇકોન એવા આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે આજે તેના માદરે વતન એવા ડાંગ જિલ્લાનાં કરાડીઆંબા ગામે બપોરે પરિવાર સાથે મતદાન કરીને, યુવા મતદારો સહીત સૌ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.

જિલ્લાનાં યુવા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો

સરિતા ગાયકવાડ સહિત ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમા ખાસ કરીને યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સમયની ચૂંટણીમાં મરાઠા ક્રિકેટ લીગનો યુવા ક્રિકેટર જીત ગાંગુર્ડે કે જે ડાંગ જિલ્લાના વઘઈનો રહેવાસી છે. તેણે પણ બપોરે તેના મતદાન મથકે જઈ મતદાન કર્યું હતુ. તો સુરત ખાતે હીરાના કારખાનામા કામ કરતી 18 વર્ષ અને 6 માસની ઉંમર ધરાવતી કોટબા ગામની યુવતી કુ.નિકિતા ગાયકવાડ કે, જે પ્રથમ વખત મતદાન કરી રહી છે, તેણી પણ સૂરતથી ખાસ મતદાન કરવા માટે તેના વતન ખાતે આવી પહોંચી હતી.

ડાંગ

ડાંગ જિલ્લામાં 70.32 ટકા સૌથી વધુ મતદાન

આજરોજ 6 વાગ્યા સુધીમા ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત માટે 69.24 ટકા અને 4 વાગ્યાના સમય પ્રમાણે તાલુકા પંચાયતો માટે સરેરાશ 65 ટકા મતદાન નોંધાયું હતું. આજરોજ ડાંગ જિલ્લાની જાખના બેઠક પર સૌથી વધુ મતદાન 78.91 ટકા નોંધાયું હતું. જિલ્લા પંચાયત ની 18 માંથી 16 બેઠકો ઉપર સરેરાશ 65 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ડાંગમાં 2 જિલ્લા પંચાયત અને એક સુબિર તાલુકા પંચાયતની દહેર બેઠક બિનહરીફ થઈ હતી. 2015માં ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયતનું કુલ 71.46 ટકા મતદાન થયું હતું.

તાલુકા/જિલ્લા પંચાયતના કુલ 156 ઉમેદવારોનું ભાવી EVMમાં શીલ

આજે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની 18 પૈકી 16 બેઠકો સહિત આહવા, વઘઈ તાલુકા પંચાયતોની સોળ સોળ બેઠકો, અને સુબીર તાલુકા પંચાયતની 16 પૈકી 15 બેઠકો મળી કુલ 63 બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. જેમા ડાંગ જિલ્લા પંચાયતના 42 હરીફ ઉમેદવારો સહિત આહવા તાલુકા પંચાયતના 42, વઘઈ તાલુકા પંચાયતના 35, અને સુબીર તાલુકાના 37 ઉમેદવારો સહિત તાલુકા/જિલ્લા પંચાયતના કુલ 156 ઉમેદવારોનુ ભાવી EVMમાં શીલ થયું હતુ. ગોટીયામાળ અને બરડપાણી બૂથ પર EVMમાં ખામી સર્જાતા ચૂંટણી ઝોનલ અધિકારી દોડતા થયાં હતાં.

EVMમાં ખામી સર્જાઇ હતી

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગોટીયામાળ અને બરડપાણી બૂથ પર સવારે 10 વાગ્યાની આસપાસ EVMમાં ખામી સર્જાઇ હતી. ડાંગ જિલ્લાની શામગહાન જિલ્લા સીટ અને માલેગામ તાલુકા સીટનાં આ બન્ને બૂથ પર કલાકો સુધી evm બંધ રહેતા ચૂંટણી ઝોનલ અધિકારીઓ દોડતા થયા હતા.આ બન્ને EVM કલાકો સુધી બંધ રહેવાનાં કારણે મતદાન કરનારા લોકોની લાંબી લાઈનો લાગી હતી. સાથે અહી કલાકો સુધી EVM માં ખામી રહેતા મતદાનનો સમય વધારી આપવા માટેની લોકોની માગ ઉઠી હતી.

ABOUT THE AUTHOR

...view details