ગુજરાત

gujarat

વાપીમાં ઉત્તર ભારતીય સમાજે સૂર્યદેવને અર્ધ્ય અર્પી છઠ્ઠપૂજા કરી...

By

Published : Nov 2, 2019, 11:36 PM IST

વાપીઃ સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ્ઠ પૂજા, આ પર્વનો ઉત્તર ભારતવાસીઓમાં ઘણો મહિમા છે. ત્રણ દિવસના આ પર્વ અંતર્ગત વાપી નજીકથી પસાર થતી દમણગંગા, કોલક નદી અને રાતા ખાડી ખાતે ઉત્તર ભારતવાસીઓએ નદીના કાંઠે સૂર્યની ઉપાસના કરી શનિવારે સાંજે પ્રથમ અર્ધ્ય અર્પણ કર્યું હતું.

chhath_pooja

વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર-ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠપૂજાની ઉજવણી કરવામાં આવી હતી.

વાપીમાં ઉત્તરભારતીય સમાજે સૂર્યદેવને અર્ધ્ય અર્પી છઠ્ઠપૂજા કરી...

વાપી નજીક પસાર થતી દમણગંગા નદીના કાંઠે નવદુર્ગા ટ્રસ્ટ, બિહાર વેલ્ફેર એસોસીએશન દ્વારા છઠ ધારીઓ માટે ભજન સંધ્યા, પ્રસાદ સહિતના વિશેષ આયોજન સાથે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય મહિલાઓ, પુરુષોએ સૂર્યદેવને ઢળતી સાંજે પ્રથમ અર્ધ્ય અર્પણ કરાવ્યું હતું.

આ અંગે છઠ પૂજા માટે ઉપસ્થિત રહેનારા વ્રતધારીઓએ જણાવ્યું હતું કે, છઠ પુજાનું ઉત્તર ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વ છે. આ વ્રત દરમિયાન વ્રતધારીઓ આખો દિવસનો ઉપવાસ કરી સાંજે અને સવારે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી પૂજા કરે છે.

નદી કિનારે ટ્રસ્ટ દ્વારા તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા કોઇ અગવડ ન પડે તે માટે ખાસ તૈયારીઓ કરી છે અને તમામે નદીકાંઠે પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી સૂર્યદેવને ઢળતી સાંજનું પહેલું અર્ધ્ય આપી છઠ પૂજા વિધિ કરી હતી.

કહેવાય છે કે, સૂર્યનો જન્મ થયા બાદ દેવતાઓએ છઠ્ઠા દિવસે તેમની ઉપાસના કરી હતી, ત્યારબાદ સૂર્યનું અસલ તેજ પ્રકાશિત થયું હતું, ત્યારથી આ પર્વનો પ્રારંભ થયો હોવાની લોકકથા પ્રવર્તે છે. આ પર્વ અંતર્ગત મહિલાઓ ત્રણ દિવસ કઠોર અનશન રાખે છે. રાત્રે ગોળની ખીરનો પ્રસાદ આરોગે છે અને મહિલાઓ સવારે-સાંજે સૂર્યને અર્ધ્ય આપે છે.

માથે શણગારેલી ટોપલી કેળા, પપૈયા સહિતના ફળો કંકુ-ચોખા, શેરડી વગેરે નદીકાંઠે લઈને આવે છે. નદીકાંઠે દીવો પ્રગટાવી હાથમાં જળ લઈને ડૂબતા સુર્યને અર્ઘ્ય અર્પણ કરી ઘર-પરિવાર સમાજ અને દેશમાં સુખશાંતિ જળવાઈ રહે તે માટે સૂર્ય દેવ સમક્ષ પ્રાર્થના કરે છે. જેમાં કેટલાક વ્રતધારીઓ જમીન પર આળોટતા તથા નત મસ્તક નમન કરતાં આકરા તપ સાથે નદી કાંઠે આવી વ્રતની પૂજા કરતા જોવા મળ્યા હતાં. તો કેટલાક નિસંતાન દંપતિ હોય સંતાન પ્રાપ્તિ માટે છઠ પર્વની ઉપાસના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વાપી દમણ સેલવાસ ઔદ્યોગીકરણ થતાં અનેક ઉત્તર ભારતવાસીઓ અહીં આવીને વસ્યા છે. જો કે, તેઓ તેમના સંસ્કારો અને રીતરિવાજો ભૂલ્યા નથી. કહેવાય છે કે રામ અને સીતા, કુંતી અને દ્રૌપદીએ પણ આ વ્રત કર્યું હતું. વાપી સહિત સેલવાસ, દમણની આસપાસના વિવિધ વિસ્તારોમાં નદી તળાવમાં અને દરિયાકિનારે અંદાજે 25 હજારથી વધુ લોકોએ શનિવારે સાંજે ઉપસ્થિત રહી છઠ્ઠી મૈયાની જય બોલાવી સૂર્યદેવને જળ સાથેનું અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠપૂજા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details