ગુજરાત

gujarat

Dahod Crime : ધાનપુરના મોઢવા ગામે ખેતીની આડમાં ચાલતું ગાંજાનું વાવેતર ઝડપાયું, 34 લાખથી વધુનો ગાંજો જપ્ત

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 8:01 PM IST

દાહોદ જિલ્લાના ધાનપુરના એક ગામમાંથી ખેતીની આડમાં ચાલતું ગાંજાનું વાવેતર ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડી મોઢવા ગામમાંથી રુપિયા 34 લાખની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો હતો. ઉપરાંત ખેતરના માલિકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Dahod Crime
Dahod Crime

દાહોદ :ધાનપુર નજીક મોઢવા ગામના ખેતરમાંથી પોલીસે ગત મોડી સાંજે બાતમીના આધારે લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. આ તપાસમાં ગાંજાના 1209 છોડને મળી આવતા ખેતર માલિકની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 341.430 કિલોગ્રામ ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે લઈ NDPS કાયદા મુજબ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંજાની ખેતી : આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ ધાનપુરના PSI આર. જી. ચુડાસમાને બાતમી મળી હતી કે ધાનપુર નજીક આવેલા મોઢવા ગામે પટેલ ફળિયામાં રહેતા ચંદ્રસિંહ રામસિંહ બારીયાએ તેમની માલિકીના ખેતરમાં કપાસ અને તુવેરના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કર્યુ છે. આ બાતમીના આધારે ધાનપુર પોલીસ અને દાહોદ SOG PI એસ.એમ. ગામેતીએ પોતાની ટીમ સાથે મોઢવા ગામના આ ખેતરમાં રેડ પાડી તપાસ હાથ ધરી હતી.

34 લાખથી વધુનો માલ :પોલીસને રેડ દરમિયાન ખેતરમાં કપાસ અને તુવેરના વાવેતરની વચ્ચે ગેરકાયદેસર રીતે ઉગાડેલા 1209 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. મોઢવા ગામે સ્થળ પર FSL ટીમને બોલાવી તમામ છોડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં FSL પરીક્ષણ બાદ તમામ ગાંજાના છોડ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે રુપિયા 34 લાખથી વધુની કિંમતના 341.430 કિલોગ્રામ વજનના 1209 ગાંજાના છોડ કબજે લઇ સીલ કર્યા હતા.

આરોપીની અટકાયત : ત્યારબાદ આરોપી ચંદ્રસિંહ રામસિંહ બારીયાની અટકાયત કરી NDPS એક્ટ, 1985 ની કલમ 20(A)(1)(2) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને સિનેમામાં બતાવવામાં આવતા નશો નવયુવાનોને ગેરમાર્ગે દોરી જાય છે તથા બાદમાં આ લોકો ગાંજાના નશાને કારણે ક્રાઈમ કરતા પણ અચકાતા નથી.

નશાનું દુષણ : આ અંગે દાહોદ DSP રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા નાર્કોટિક્સ સામે ઝુંબેશ ચાલી રહી છે. ધાનપુર પોલીસ સ્ટેશન PSI આર.જી. ચુડાસમાને માહિતી પ્રાપ્ત થઇ કે ધાનપુરના મોઢવા ગામે એક ખેતરમાં ગાંજાનું વાવેતર હોઈ શકે. બાતમીના આધારે તેમની ટીમ દ્વારા ટેકનિક એનાલિસ કરી સંપૂર્ણ તૈયારી કરી કાર્યવાહી કરતા આશરે 341.430 કિલો ગાંજાના લીલા છોડ પ્રાપ્ત થયા છે. જેની કિંમત 34,14,300 થવા પામે છે. જેમાં આરોપી ચંદ્રસિંહ રામસિંહ બારીયાની ધરપકડ કરવા આવે છે.

  1. Dahod Crime: દાહોદ પોલીસે લૂંટ વિથ મર્ડરના ચાર આરોપીને ઝડપી પાડ્યા
  2. Dahod Crime: દાહોદ એલસીબીએ રાજય આંતરરાજ્યમાં 13 જેટલી ઘરફોડ ચોરી કરનારા 2 આરોપીને દબોચી લીધા

ABOUT THE AUTHOR

...view details