ગુજરાત

gujarat

Bhavnagar Crime News: દિવાળીના તહેવારો નિમિત્તે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ પર તવાઈ, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 6:51 PM IST

Updated : Nov 2, 2023, 8:20 PM IST

તહેવારોની સીઝનમાં વધુ નફો કમાવાની લાલચમાં વેપારીઓ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ભેળસેળ અટકાવવા માટે ભાવનગર મહા નગર પાલિકાએ કમર કસી છે. અનેક સ્થળો અને દુકાનોમાંથી ફૂડ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. વાંચો છેલ્લા 3 વર્ષમાં ભાવનગર મહા નગર પાલિકાએ કરેલ કાર્યવાહી વિશે વિગતવાર.

દિવાળીના તહેવારો નિમિત્તે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ પર તવાઈ
દિવાળીના તહેવારો નિમિત્તે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ પર તવાઈ

ભાવનગર મહા નગર પાલિકા ફૂડ સેમ્પલ્સ એકત્ર કરી રહી છે

ભાવનગરઃ અત્યારે તહેવારની સીઝનમાં લાલચુ દુકાનદારો અને ભેળસેળીયા વેપારી એક્ટિવ થઈ જાય છે. વધુ નફો કમાવવાની લાલચે આ વેપારીઓ ખાદ્ય પદાર્થોમાં અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરે છે. જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. નાગરિકોના આરોગ્ય સાથે સરાજાહેર કરવામાં આવતા ચેડા રોકવા માટે સરકારના આરોગ્ય વિભાગો અવાર નવાર ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ પરિક્ષણ કરતા હોય છે. જો ભેળસેળ જણાય તો જે તે વેપારીને દંડ પણ ફટકારવામાં આવે છે.

આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

મહા નગર પાલિકાની કાર્યવાહીઃ ભાવનગરના આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્ર કરી તેનું પરિક્ષણ કરાવે છે. છેલ્લા 3 વર્ષમાં ભાવનગર મહા નગર પાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોના પરિક્ષણ માટે અનેક રેડ કરી છે. ફૂડ સેમ્પલ એકત્ર કરી પરિક્ષણ માટે વડોદરા મોકલ્યા છે. તેમજ પરિક્ષણમાં ફેલ ફૂડ સેમ્પલ જણાતા વેપારીઓને દંડ પણ ફટકાર્યો છે. ફેલ ફૂડ સેમ્પલનો રિપોર્ટ આવ્યો હોય તેવા ખાદ્ય પદાર્થોમાં દૂધ, પનીર, ઘી, બિસ્ટિક, મીઠી ચટણી, બટાકાનો માવો, ઘઉંના ફાડા, ખાદ્યતેલ, ધાણાદાળ, મેંદો વગેરેનો સમાવેશ થાય છે. આ ખાદ્ય પદાર્થો સામાન્ય નાગરિકની રોજિંદી વપરાશનો એક મહત્વનો ભાગ છે. તેથી આવા ભેળસેળીયા પદાર્થોના સેવનથી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આવા વેપારીઓને ભાવનગર મહા નગર પાલિકા દ્વારા દંડ પણ ફટકારવામાં આવે છે.

150 દુકાનોનું સઘન સર્વેક્ષણઃ ભાવનગર શહેરમાં અંદાજે 150થી વધારે ફરસાણ અને મીઠાઈની દુકાનો આવેલી છે. મહા નગર પાલિકામાં 100 જેટલી દુકાનો રજિસ્ટર્ડ થયેલી છે. જ્યારે અન્ય દુકાનો એવી પણ છે જેના લાયસન્સ પૂર્ણ થયા હોય અને રિન્યૂ કરાવવાના બાકી હોય. ભાવનગર આરોગ્ય વિભાગમાં 2 ફૂડ ઈન્સપેક્ટર ડ્યૂટી પર છે. તેઓ સમયાંતરે ખાદ્ય પદાર્થોની દુકાનમાં સર્વેક્ષણ હાથ ધરતા હોય છે. આ દિવાળીમાં પણ દૂધ, પનીર, ઘી, ખાદ્યતેલ, ફરસાણ જેવા ખાદ્ય પદાર્થો વેચતી દુકાનોનું સઘન સર્વેક્ષણ હાથ ધરાયું છે. ફૂડના સેમ્પલને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.

વર્ષ 2021માં ભાવનગર આરોગ્ય વિભાગે કરેલ કાર્યવાહી

છેલ્લા 3 વર્ષની કાર્યવાહીઃ ભાવનગર શહેરમાં વર્ષ 2021માં કુલ 127 જેટલા ફૂડ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા. જે પૈકી 8 સેમ્પલ્સ ફેલ જણાયા હતા. આ ફેલ ગયેલ ફૂડ સેમ્પલ્સના વેપારીને દંડ પણ કરવામાં આવ્યો હતો. જેમાં બિસ્કીટના વેપારીને 3,10,000, તેલના વેપારીને 3,50,000, મેંદાના વેપારીને 1.7 લાખ, ઘઉંના ફાડાના વેપારીને 35,000, ખાદ્યતેલના વેપારીને 1,10,000, ધાણાદાળના વેપારીને 55000, મીઠી ચટણીના વેપારીને 25,000 અને બટાકાના મસાલેદાર માવાના વેપારીને 25,000નો દંડ ફટકારાયો હતો. વર્ષ 2022માં કુલ 108 ફૂડ સેમ્પલ્સમાંથી 8 સેમ્પલ્સ ફેલ થયા હતા. જેમાં દૂધના બે સેમ્પલ્સ સહિત, ખાખરા, તીખી પાપડી, છુટક ઘી, ટોસ્ટ, ખાધ્ય તેલ, બિસ્કીટનો સમાવેશ થાય છે. વર્ષ 2023માં અત્યાર સુધી કુલ 89 ફૂડ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે જેમાંથી 3 સેમ્પલ્સ ફેલ થયા છે. જેમાં પનીરના 2 સેમ્પલ્સ સહિત ખાદ્યતેલના 1 સેમ્પલનો સમાવેશ થાય છે.

વર્ષ 2023માં ભાવનગર આરોગ્ય વિભાગે કરેલ કાર્યવાહી

જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગની ત્રણ વર્ષમાં કામગીરી: ભાવનગર જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ રાજ્યના વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કામગીરી કરવામાં આવી છે જેમાં જોઈએ તો નીચે મુજબ 24 નમૂનાઓ ફેલ થયા હતા. રાધે ક્રિષ્ના સેલ્સ સિહોર, ઓમ સાંઈ બેવેંઝર્સ ગુંદાળા, ડી એમ એક્સપોર્ટ ટીંબી, ઓમ બેવેંઝર્સ ટીમ્બી, એ વન સ્ટોર સિહોર, કનૈયા પ્રોવિઝન સ્ટોર ગુંદી, ચામુંડા પ્રોવિઝન સ્ટોર, મઢુલી ધાબા નાની ખોડીયાર, સાહિત્ય અનિલ પ્રીતમદાસ સિંધી કેમ્પ ભાવનગર, રાજ જનરલ સ્ટોર ભાવનગર, જય જનરલ સ્ટોર પાલીતાણા, દેવ માર્કેટિંગ મહુવા, શ્રી પંજાબી ધાબા નારી ચોકડી, શ્રી પંજાબી ધાબા નારી ચોકડી,ગ્રીન પંજાબી ધાબા નારી ચોકડી, હરિહર ધાબા સીદસર રોડ, હરિહર ધાબા સીદસર રોડ, ગુરુનાનક પ્રોવિઝન સ્ટોર સિહોર, ચામુંડા મીઠાઈ ફરસાણ તળાજા,અશરફ ફ્રુટ સેન્ટર ભાવનગર, આદર્શ વસ્તુ ભંડાર પાલીતાણા, ફાઈન પ્રોવિઝન સ્ટોર ભૈરવનાથ ચોક પાલીતાણા, નેશનલ ફૂડ એન્ડ સ્પાઇસ મહુવા મળીને કુલ ઉપરોક્ત 24 નમુનાઓ ફેલ થયા હતા. ફૂડ એન્ડ દ્રગ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 2021 માં 292, 2022 માં 371 અને 2023 માં 339 મળીને 1002 નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી ઉપરોક્ત 24 નમૂનાઓ ફેલ થયા હોવાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી ગણાવાએ જણાવ્યું હતું.

વર્ષ 2022માં ભાવનગર આરોગ્ય વિભાગે કરેલ કાર્યવાહી

વડોદરા લેબોરેટરીમાં ચેક થાય છે ફૂડ સેમ્પલઃ આરોગ્ય વિભાગની તપાસમાં જે ફૂડ સેમ્પલ લેવામાં આવે છે તેમને પરિક્ષણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલાય છે. રાજ્ય સરકારની વડોદરા સ્થિત લેબોરેટરીમાંથી ફૂડ સેમ્પલનું રિઝલ્ટ આવતા ઓછામાં ઓછા 20 દિવસ અને વધુમાં વધુ 2 મહિના જેટલો સમય લાગે છે. જો કે રિપોર્ટ આવતા સુધી તો ખાદ્ય પદાર્થોનો ઘણો જથ્થો વેચાઈ જતો હોય છે. તેથી અમદાવાદ, વડોદરા, સુરતની જેમ ભાવનગરમાં પણ સરકારી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થપાય તેવી જનતાની માંગણી છે.

ભાવનગર મહા નગર પાલિકાએ વર્ષ 2021માં 127 ફૂડ સેમ્પલ્સની ચકાસણી કરી હતી જેમાંથી 8 સેમ્પલ્સ ફેલ જણાયા હતા. વર્ષ 2022માં 108 ફૂડ સેમ્પલ્સમાંથી 8 સેમ્પલ્સ ફેલ જણાયા હતા. વર્ષ 2023માં અત્યાર સુધી કુલ 89 ફૂડ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે જેમાંથી 3 સેમ્પલ્સનો રિપોર્ટ ફેલ આવ્યો છે. અત્યારે દિવાળીના તહેવારો નિમિત્તે વેચાતા ખાદ્ય પદાર્થોના હોલસેલર, રીટેલર્સ અને ઉત્પાદકોના ત્યાંથી ફૂડ સેમ્પલ્સ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે...મનીષ પટેલ (ફૂડ ઇન્સ્પેકટર,આરોગ્ય વિભાગ,ભાવનગર મહા નગર પાલિકા)

  1. Vadodara Food Checking : વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, ફ્રુડ સેફ્ટી ઓન વ્હીલના માધ્યમથી ફેંસલા ઓન ધ સ્પોટ
  2. ડીસામાં માવાના ગોડાઉન પર જિલ્લા ફૂડ વિભાગના દરોડા, માવાના સેમ્પલ FSLમાં મોકલાયા
Last Updated :Nov 2, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details