ગુજરાત

gujarat

Bharuch News : ગંધાર નજીક દરિયાકિનારે ભરતી આવતાં એક જ પરિવારના 6 લોકોના મોત

By

Published : May 20, 2023, 4:17 PM IST

Updated : May 20, 2023, 5:30 PM IST

ઊનાળાની ગરમીમાં રાહત મેળવવા દરિયાકિનારે ફરવા ગયેલા વાગરા ભાજપના આગેવાન બળવંત ગોહિલના પરિવાર પર આભ ફાટ્યાં જેવી કરુણ ઘટના ઘટી હતી. શુક્રવારે સાંજે આ પરિવાર ગંધારના દરિયાકાંઠે ફરવા આવ્યો હતો ત્યારે અચાનક ભરતીના પાણી ધસી આવતાં બે બાળકો સહિત કુલ 6નાં ડૂબીને મોત નીપજ્યાં હતાં.

Bharuch News : ગંધાર દરિયાની ભરતીના પાણીમાં બે બાળકો સહિત કુલ 6નાં મોત, બે સારવારમાં, વાગરા ભાજપમાં શોક છવાયો
Bharuch News : ગંધાર દરિયાની ભરતીના પાણીમાં બે બાળકો સહિત કુલ 6નાં મોત, બે સારવારમાં, વાગરા ભાજપમાં શોક છવાયો

બે બાળકો સહિત કુલ 6નાં ડૂબીને મોત

ભરુચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ગંધારના દરિયાકિનારે શુક્રવારે સમીસાંજે આ ગોઝારી ઘટના બની હતી. જેમાં દરિયાના પાણી અચાનક ધસી આવતાં કાંઠે રમતાં બાળકો તણાયાં હતાં. તેમને બચાવવા અન્ય સભ્યો ગયાં હતાં તેમાંથી 8 લોકો પાણીમાં ડૂબ્યાં હતાં. ત્યારે લોકોએ બચાવવાના પ્રયાસો કર્યાં હતાં તેમાં 8માંથી બેનો બચાવ થયો હતો જ્યારે 6નાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે.

ધારાસભ્ય અરુણસિંહ રણા દોડી આવ્યાં :ગંધારના દરિયાકિનારે દરિયાના અચાનક પાણીની ભરતીમાં ડૂબેલાં તમામ 8ને ભરુચની બરોડ હાર્ટ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. જોકે તબીબોએ તપાસ કરતાં બાળકો સહિત 6ના મોત જાહેર કરવામાં આવ્યાં હતાં. વાગરાના મુલેર ગામે રહેતાં વાગરા ભાજપના આગેવાન બળવંત ગોહિલના પરિવારમાં બનેલી ઘટનાના પગલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચી ગયો હતો. અન્ય બે લોકોની સારવાર ચાલી રહી છે.

મૃતકોના નામ : દરિયાની ભરતીના પાણીમાં ફસાઇને મોતને ભેટેલા મૃતકોમાં તુલસીબેન ઉર્ફે માયાબેન બળવંત ગોહિલ ઉમર વર્ષ 20, દશરથ દિલીપ ગોહિલ ઉમર વર્ષ 19, રાજેશ છત્રસંગ ગોહિલ ઉમર વર્ષ 33, અંકિતા બળવંત ગોહિલ ઉમર વર્ષ 16, મિતવા રાજેશ ગોહિલ ઉમર વર્ષ 5 અને જાનવી હેમંતભાઈ ગોહિલ ઉમર વર્ષ 7નો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર હાલતમાં જેમની સારવાર કરવામાં આવી રહી છે તેમાં રિંકલબેન બળવંત ગોહિલ અને અંકિતાબેન ગોહિલનો સમાવેશ થાય છે.

અમાસના ઉછાળમાં એકદમ પાણી આવવાથી બાળકો સહિત 6 જણનું મોત થયું છે. વાગરા મતવિસ્તારના મારા પરિવાર માટે હું દુઃખ વ્યક્ત કરું છું અને પ્રાર્થન કરું છું કે ભગવાન આ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે...અરુણસિંહ રણા, (વાગરા ધારાસભ્ય)

એકબીજાને બચાવવાના પ્રયાસમાં તણાયાં : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામના ગંધાર તરફ દરિયોકાંઠો આવેલો છે જ્યાં ગોહિલ પરિવાર ફરવા ગયું હતું. ભરતીના પાણી આવી પહોંચતા કાંઠે રમતા બાળકો દરિયાના પાણીમાં તણાઈ રહ્યાં હતાં આ દ્રશ્યો જોઈને પરિવારજનોએ તથા અન્ય લોકોએ બાળકોને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે ભરતીના પાણી પૂરઝડપે આવી જતા ડૂબી જવાના કારણે 6 લોકોના મોતનો માતમ છવાઇ ગયો હતો.ભરુચ પોલીસને ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવી ઘટનાની તપાસ હાથ ધરી હતી અને 6 લોકોના મોત ડૂબીને થયાં હોવાની પુષ્ટિ કરી હતી.

વાગરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગંધાર દરિયાકાંઠો આવેલો છે ત્યાં આ ઘટના બની છે તેમાં 8 લોકોના ડૂબાવનો બનાવ બન્યો છે જેની અંદર બે બાળકો બચી શક્યાં છે જ્યારે એક એડલ્ટ અને બે બાળક સહિતના બાકીનાનો મોત થયાં છે. ડો. લીના પાટીલ (ભરુચ એસપી)

સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલે મોકલ્યાં : બાળકો અને અન્ય લોકોને પાણીમાં ખેંચાતા જોઇ ત્યાં ઉપસ્થિત ગ્રામજનો સહિત અન્ય લોકો દોડી આવ્યા હતા અને લોકોને બચાવવાના પ્રયાસો કર્યા હતાં.જોકે દરિયાના ભરતીના પાણીમાં વચ્ચે કાદવ કીચડ પણ ઘણો હતો જેને લઇ વિલંબ થયો હતો. પાણીમાં ખેંચાઇ ગયેલાં તમામને શોધવાના પ્રયત્નો રુપે સ્થાનિક તરવેયાઓની ટીમ કામે લાગી હતી અને ભારે જહેમતના અંતે જે હાથમાં આવે તેમને તરત જ જે ગાડી મળે તેમાં ભરૂચ ખાતે હોસ્પિટલ ખાતે ખસેડીને સારવાર અપાવી હતી. એક પછી એક તમામ આઠ લોકોને પાણીમાંથી શોધી લેવામાં સફળતા મળી હતી પરંતુ હોસ્પિટલમાં લવાયેલા તમામમાંથી 6 સભ્યોના મોતની પુષ્ટિ થઇ હતી જ્યારે અન્ય બેની સારવાર શરુ કરી દેવામાં આવી હતી.

  1. Rescue: અમરેલીના SP નિર્લિપ્ત રાય સ્ટાફ સાથે દરિયામાં ન્હાવા જતાં તણાયા, સફળ રેસ્ક્યુ બાદ બચાવ
  2. તાપી નદીમાં ન્હાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ તણાયા, એકનો મૃતદેહ મળ્યો

વાગરા ભાજપ પરિવાર શોકમય:વાગરા ભાજપ આગેવાન બળવંત ગોહિલના પરિવારમાં બાળકો સહિત 6 સભ્યોના ઘટેલી દુખદ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતાં મુલેર ગામમાં શોકની કાલિમા છવાઇ હતી. મૃતકોના પરિવારના હૈયાંફાટ રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ઘટનાની જાણ થતા મુલેર ગામના યુવકો દ્વારા પોતાના જીવને જોખમમાં મૂકીને દરિયાની ભરતીના પાણીમાં ડૂબી ગયેલા લોકોને સર્ચ ઓપરેશન હાથ ધરીને એક પછી એક લોકોને બહાર કાઢી 108 કે અન્ય એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોલીસ અને ગામજનો દ્વારા પોતાના પ્રાઇવેટ વાહનો દ્વારા ભરૂચની બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

Last Updated : May 20, 2023, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details