ગુજરાત

gujarat

Rain news: બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ

By

Published : Jun 20, 2021, 10:17 PM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ છે અને છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ દાંતા પંથકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુઈગામ પંથકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો બીજી તરફ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોએ ભારે હાલાકી ભોગવી હતી.

Banaskantha was flooded with rain water
Banaskantha was flooded with rain water

  • બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
  • લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી
  • વરસાદના આગમનના પગલે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા
  • વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોમાં રોષ

બનાસકાંઠા : જિલ્લામાં પણ વરસાદના પ્રથમ રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદની કાગડોળે રાહ જોઇને બેઠા બનાસવાસીઓ પણ સારો મેઘમહેર થતા ખુશખુશાલ થયા છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દાતા અને સુઈગામ પંથકમાં વરસ્યો હતો. દાંતા પંથકમાં 24 કલાક દરમિયાન સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ જ્યારે સુઇગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

આ સિવાય પાલનપુર, ડીસા, ભાભર, વડગામ, વાવ વિસ્તારમાં પણ એવરેજ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા બાદ છેલ્લા બે દિવસથી અવિરત પણે છૂટો છવાયો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પ્રથમ રાઉન્ડમાં જ ખેતી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે અને હજુ પણ મેઘમહેર યથાવત રહે તેવી કુદરત પાસે આશા રાખી રહ્યા છે.

બનાસકાંઠામાં વરસાદી પાણી ભરાયા

આ પણ વાંચો : જામનગરના વસઈમાં 5 ઈંચ બાદ કાલાવડ પથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા

શનિવારે રાત્રે ડીસા શહેરી વિસ્તારમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું હતું. વરસાદનું આગમન થતાંની સાથે જ લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. તો સાથોસાથ ડીસા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ડીસાના વાડી રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ડીસા શહેરના તમામ પાણી વાડી રોડ વિસ્તારમાં જતો હોવાના કારણે આ વિસ્તારમાં અનેક મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને પોતાના ઘર છોડી અન્ય જગ્યાએ જવા મજબૂર બનવું પડ્યું હતું.

બનાસકાંઠામાં વરસાદી પાણી ભરાયા

લોકોએ ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી

આ વિસ્તાર ડીસાનો શ્રમજીવી વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં 500થી પણ વધુ પરિવારો વસવાટ કરે છે, પરંતુ છેલ્લા 50 વર્ષથી આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતાં દર વર્ષે વરસાદના આગમન થતાંની સાથે જ ચારે બાજુ લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. જેના કારણે સ્થાનિક લોકોએ ભારે જહેમતથી પોતાના ઘરોમાંથી પાણી નીકળવું પડે છે. આ બાબતે આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં પણ આજદિન સુધી આ વિસ્તારના લોકોને વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારના લોકોને ભારે હેરાન થવુ પડે છે.

બનાસકાંઠામાં વરસાદી પાણી ભરાયા

આ પણ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન, સૌથી વધુ થાન તાલુકામાં વરસાદ નોંધાયો

ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય

ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાં ગતરોજ પડેલા ભારે વરસાદના કારણે તારે બાજુ વરસાદી પાણી ફરી વળ્યું હતું. જે બાદ વરસાદ બંધ થતાં ચારે બાજુ ગંદકી જોવા મળી હતી. એક તરફ દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત બનાવવાની વાતો કરી રહ્યા છે, ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરને દેશમાં વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનથી કંઈ લેવાદેવા જ ન હોય તેમ ડીસાના વાડી રોડ વિસ્તારના દ્રશ્યો પરથી સ્પષ્ટ કહી શકાય. ડીસાનો વાડી રોડ વિસ્તાર ડીસા શહેરના મેઈન બજારની બાજુમાં આવેલો વિસ્તાર છે અને અહીંથી રોજના મોટી સંખ્યામાં વાહનચાલકો અવરજવર કરે છે, પરંતુ આ વિસ્તારના રસ્તાઓ પણ ખખડધજ હાલતમાં પડ્યા છે. અહીંથી પસાર થવામાં વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. વરસાદના સમયમાં તો આ રોડ પર અનેક વાહનચાલકો નીચે પડતા ઇજાગ્રસ્ત પણ થયા છે. આ રસ્તો બનાવવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર ડીસા નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી આ વિસ્તારના લોકોને સારો રસ્તો મળ્યો નથી.

બનાસકાંઠામાં વરસાદી પાણી ભરાયા

તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સારી ગટરની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાગ

ડીસા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વાડી રોડ વિસ્તારના તમામ રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર ગંદકી જોવા મળી રહી છે. આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કોઇ સફાઇ કરવામાં આવતી નથી. તો કોઈ ઘરની સાફ-સફાઇ કરવામાં આવતી નથી. જેના કારણે આ વિસ્તારના લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ આ વિસ્તાર માટે ચૂંટાયા, પરંતુ આ વિસ્તારમાં નાના પરિવારો રહેતા હોવાથી જાણે પ્રમુખ અને ઉપપ્રમુખને આ વિસ્તારના લોકો દેખાતા જ ન હોય તેમ એક પણ વિકાસનું કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. હાલ તો આ વિસ્તારની એક જ માને છે કે, તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સારી ગટરની વ્યવસ્થા કરવામાં આવે. જેથી આવનારા સમયમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે.

વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ

ABOUT THE AUTHOR

...view details